ગ્રાઉન્ડ રિપોર્ટ:આચાર્ય સહિત માત્ર બે શિક્ષક પર ચાલે છે રાજકોટના તરવડાની 68 વર્ષ જૂની અને જર્જરિત પ્રા.સ્કૂલ, ચાલુ ક્લાસે પોપડાં પડે છે

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • દિવ્યભાસ્કરે તરવડા ગામે પહોંચી શિક્ષકો અને ગામલોકોની વ્યથા સાંભળી
  • 7માંથી 2 ઓરડામાં જ ભણાવી શકાય છે
  • જર્જરિત વર્ગખંડોનું સમારકામ ન થતાં વાલીઓમાં ભય અને રોષ જોવા મળ્યો

દેશભરમાં સંવેદનશીલ સરકારના નારા લગાવતી સરકારને રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના તરવડા ગામની પ્રાથમિક સ્કૂલનાં બાળકોની વ્યથા સંભળાતી ન હોય એવો ઘાટ જોવા મળી રહ્યો છે. દિવ્યભાસ્કરની ટીમે આ ગામની પ્રાથમિક સ્કૂલની મુલાકાતે પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં ખંઢેર જેવી હાલતમાં સ્કૂલની અંદર ભણતાં બાળકોના વાલીઓમાં ભારે રોષ અને ભય જોવા મળ્યો હતો. સ્કૂલની અંદર કુલ 7 ઓરડા છે, પણ ભણવા માટે લાયક માત્ર 2 જ ઓરડા જોવા મળ્યા હતા. એમાંય ચાલુ ક્લાસે છતમાંથી પોપડાં પડતાં હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું. આ દૃશ્યો જોઇ એવો સવાલ ઊઠ્યો કે સરકાર શું મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠી છે. માથે મોત લટકતું હોય તેવો અનુભવ સ્કૂલમાં ભણતાં માસૂમો કરી રહ્યાં છે.

1954માં સ્કૂલની સ્થાપના થઈ
સ્કૂલમાં કુલ સાત ઓરડા છે, પરંતુ એની હાલત જર્જરિત હોવાથી હાલ માત્ર બે ઓરડામાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સ્કૂલની દયનીય સ્થિતિ જોતાં ગામલોકો અને વાલીઓ પણ ચિંતિત બન્યા છે. જર્જરિત બિલ્ડિંગને તોડી નવું બિલ્ડિંગ બનાવવામાં આવે એવી વાલીઓ સરકાર પાસે માગ કરી રહ્યા છે. આ સ્કૂલની સ્થાપના 15 ફેબ્રુઆરી 1954ના રોજ કરવામાં આવી હતી. 1954થી શરૂ થયેલી પ્રાથમિક સ્કૂલમાં ધોરણ 1થી 7ના વર્ગો કાર્યરત હતા, પરંતુ કોરોના બાદ વિદ્યાર્થીની સંખ્યા ઘટતાં ધોરણ 6 અને 7ના વર્ગો બંધ કરી અન્ય ગામમાં મર્જ કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓ સાથે ગમે ત્યારે અઘટિત ઘટના ઘટી શકે
હાલ ધો.1થી 5ના 44 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. જોકે સ્કૂલના બધા ઓરડા જર્જરિત જોવા મળ્યા છે. ઓરડાની હાલત એટલી દયનીય છે કે વર્ગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ગમે ત્યારે અઘટિત ઘટના ઘટી શકે છે. છતમાં મોટાં ગાબડાં પડી ગયાં છે અને સળિયા પણ દેખાઇ રહ્યા છે. આમ તો આખી સ્કૂલની આ પરિસ્થિતિ છે. સ્કૂલની આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સ્કૂલના આચાર્ય અને શિક્ષક દ્વારા જર્જરિત ઓરડા બંધ કરી હવે બે ઓરડામાં ધો.1થી 5નાં બાળકોનો અભ્યાસ કરાવી રહ્યા છે. એટલું જ નહીં, સ્કૂલમાં બાળકોને રમત-ગમત માટે મૂકવામાં આવેલા હીચકા, લપસણી રમતનાં સાધનો પણ તૂટી ગયાં છે. બાળકોને વ્યાયામ કે રમત- ગમત માટે હવે કોઈ સાધનો ઉપલબ્ધ નથી.

બિલ્ડિંગનું સમારકામ અને પૂરતા શિક્ષકો આપવા માગ
છેલ્લા ઘણા સમયથી સ્કૂલની આ જર્જરિત હાલત અંગે બાળકોના ભવિષ્યની ચિંતા કરી ગામલોકો અને સરપંચ પણ ચિંતિત છે. તેઓ દ્વારા સરકાર પાસે માગ કરવામાં આવી છે કે સ્કૂલનું સમારકામ કરી દેવામાં આવે અને સાથે સાથે શિક્ષકોની ભરતી કરવામાં આવે. હાલ સ્કૂલમાં એક શિક્ષક અને એક આચાર્ય એમ કુલ બેનો સ્ટાફ છે, જેમાં કોઈ એક રજા ઉપર હોય કે સરકારી કામ કે ઓફિસ કામમાં રોકાયેલા હોય તો બાળકોનો અભ્યાસ અટકી જાય છે. એની સીધી અસર બાળકોના અભ્યાસ પર જોવા મળી રહી છે.

શિક્ષણમંત્રી રાજકોટ જિલ્લાના પ્રભારી છતાં આવી હાલત!
શિક્ષણ અંગે જ્યારે પણ કોઈ વિવાદ ઊઠતો હોય છે ત્યારે સરકાર પોતાના દ્વારા સર્વશ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હોવાના દાવા પણ કરવામાં આવતા હોય છે. ખુદ શિક્ષણમંત્રી જે જિલ્લાના પ્રભારી મંત્રી છે એ જ જિલ્લામાં પ્રાથમિક સ્કૂલની પરિસ્થિતિ શું કામ આવી? એવો સવાલ ઊઠ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કરવામાં આવતા દાવાઓ કેટલા સાચા અને કેટલા ખોટા એ ગ્રામ્ય વિસ્તારની આ શિક્ષણની સ્થિતિ પર કરેલા ગ્રાઉન્ડ રિપોર્ટ પર જ જોઈ શકાય છે.

રાજકોટ શહેરમાં 84 પ્રાથમિક સ્કૂલ
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં કુલ 84 પ્રાથમિક સ્કૂલ છે, જેમાં અંદાજિત 32,000 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. મોટું સમારકામ કરવું પડે એવી એકપણ સ્કૂલ રાજકોટ શહેરમાં નથી, પરંતુ રંગરોગાન જેવું નાનું-મોટું સમારકામ સમયાંતરે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે. રાજકોટની 84 સ્કૂલ પૈકી 52 સ્કૂલમાં કુલ 147 સ્માર્ટ ક્લાસ છે. આ સાથે રાજકોટમાં કુલ 1000 મહેકમ સામે 887 શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે. ઘણા શિક્ષકો નિવૃત્ત પણ થયા છે. સરકાર દ્વારા નજીકના દિવસોમાં શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે અને શિક્ષકોની ઘટ દૂર કરવામાં આવશે.

ભગીરથસિંહ જાડેજા (વાલી-ડાબી બાજુ) અને જગદીશસિંહ જાડેજા (સરપંચ-જમણી બાજુ)
ભગીરથસિંહ જાડેજા (વાલી-ડાબી બાજુ) અને જગદીશસિંહ જાડેજા (સરપંચ-જમણી બાજુ)
અન્ય સમાચારો પણ છે...