• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 'Death Appeared In Front Of My Eyes As The Vehicle Stopped In The Flood, I Got Into The Truck, Two Colleagues Were Stranded, One Was Missing'

ડમ્પરસવારની કહાણી:‘પૂરમાં વાહન બંધ થતાં નજર સામે મોત દેખાવા લાગ્યું, હું ટ્રકમાં ચડી ગયો, બે સાથીદાર તણાઈ ગયા, એક લાપતા’

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડમ્પર બોલેરો પાસે લઈ જઈ ત્રણ યુવાનને બચાવવા ભરપૂર પ્રયાસો કરાયા હતા. - Divya Bhaskar
ડમ્પર બોલેરો પાસે લઈ જઈ ત્રણ યુવાનને બચાવવા ભરપૂર પ્રયાસો કરાયા હતા.
  • ખોખડદળ નદીના પુલ પરથી પિકઅપવાન સાથે બે લોકો તણાયા
  • એક તરીને બહાર આવી ગયો, અન્ય એકને શોધવા ફાયરબ્રિગેડ કામે લાગ્યું
  • લાપાસરીથી મૃત પશુઓ લઇને પિકઅપવાનમાં કોઠારિયા ગામ તરફ જતા હતા અને પાણીના ધસમસતા પ્રવાહમાં ત્રણ યુવાનો ફસાયા હતા

મોતને મેં આજે નજર સામે જોયું, હજું પણ હું ધ્રૂજી રહ્યો છું, ખોખડદળ નદીના પુલ પરથી અમારું પિકઅપવાન પસાર થતું હતું ત્યારે અચાનક જ પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો હતો અને અમારું વાહન ખેંચાવા લાગ્યું હતું, પાછળ આવેલી ટ્રક પર હું ચડી જતાં મારો બચાવ થઇ ગયો હતો, પરંતુ મારા બે સાથીદારો તણાવા લાગ્યા હતા, એકનો બચાવ થયો હતો પરંતુ હજુ એક સાથીદાર લાપતા છે.

પુલ વચ્ચે પહોંચતા જ પાણી વધ્યુ અને વાહન બંધ પડ્યું
હું રોહીદાસપરામાં રહું છું, અને મૃત પશુઓ ઉપાડવાનું કામ કરું છું, અમારા શેઠ સુરેશભાઇનો ફોન આવ્યો હતો કે લાપાસરીમાં વિનુભાઇ પટેલની મૃત ભેંસ લઇ આવવાની છે. હું, તથા ભાવેશભાઇ શશિકાંતભાઇ રાઠોડ અને ભીખાભાઇ સવારે 10 વાગ્યે પિકઅપવાન લઇ લાપાસરી પહોંચ્યા હતા અને ત્યાં એક ભેંસ તથા એક ગાય સહિત બે મૃત પશુઓને વાહનમાં નાખી કોઠારિયા તરફ જવા નીકળ્યા હતા. સવારથી વરસાદ ચાલુ જ હતો. 11 વાગ્યાના અરસામાં અમે ખોખડદળ નદીના પુલ પાસે પહોંચ્યા હતા ત્યારે નદીમાં પૂર આવ્યું હતું. પુલ પરથી થોડું થોડું પાણી વહેતું હોવાથી વાહનના ચાલક ભાવેશભાઇએ કહ્યું હતું કે, થોડું પાણી વહે છે એટલે પુલ પરથી પસાર થઇ જશું અને તેમણે પુલ પર વાહન દોડાવ્યું હતું. પુલની વચોવચ પહોંચ્યા હતા ત્યારે પાણીનો પ્રવાહ પુલ પરથી વધવા લાગ્યો હતો અને અમારું વાહન બંધ થઇ ગયું હતું.

એકને તરતા આવડતું હોવાથી કાંઠે પહોંચી ગયો
અમે પુલની વચ્ચો વચ્ચ હતા અને પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો હતો. પુલના બંને છેવાડે લોકો એકઠા થઇ ગયા હતા. શું કરવું એ અમને સૂઝતું નહોતું, મોત માથા પર જાણે મંડરાઇ ગયું હતું, ત્યારે કિનારે ઊભેલા લોકોએ રેતી ભરેલી ટ્રક અમારા તરફ મોકલી હતી. ટ્રક આવતા જ હું, વાહનચાલક ભાવેશભાઇ અને ભીખાભાઇ વાહનના ઠાઠા પર આવી ગયા હતા. ભાવેશભાઇએ મને ઊંચકીને ટ્રકના ઠાઠા પર ઘા કરતા હું ટ્રક પર પહોંચી ગયો હતો, એ સાથે જ પશુ ભરેલું અમારું વાહન તણાવા લાગ્યું હતું. ભાવેશભાઇ અને ભીખાભાઇ ટ્રક પર ચડવાની કોશિશ કરી રહ્યા હતા તે વખતે જ પિકઅપવાન પાણીમાં તણાઇ ગયું હતું અને ભાવેશભાઇ તથા ભીખાભાઇ પણ તણાવા લાગ્યા હતા. ભાવેશભાઇને તરતા આવડતું હોવાથી તેઓ તરીને નદી કાંઠે પહોંચી ગયા હતા, પરંતુ ભીખાભાઇ તણાઇ ગયા હતા. ફાયરબ્રિગેડના સ્ટાફે તેની શોધખોળ કરી હતી પરંતુ પત્તો લાગ્યો નહોતો.

પોતાની ચિંતા ન કરી સાથીદારનો ટ્રક પર ઘા કરી તેનો જીવ બચાવ્યો
પુલની વચ્ચોવચ પિકઅપવાન પહોંચતા તે બંધ થઇ ગયું હતું. ફસાયેલા ત્રણેયને બચાવવા રેતી ભરેલી ટ્રક પુલ પર આવી હતી. પિકઅપવાન પાસે ટ્રક ઊભી રહેતા જ પિકઅપવાનના ચાલક ભાવેશભાઇએ પોતે ટ્રક પર પ્રથમ ચડવાને બદલે તેના સાથીદાર પ્રકાશ રાઠોડને ઊંચકી તેનો ઘા ટ્રક પર કરતા પ્રકાશનો જીવ બચી ગયો હતો. જ્યારે ભાવેશભાઇ અને તેનો અન્ય સાથીદાર ભીખાભાઇ પૂરમાં તણાવા લાગ્યા હતા. ભાવેશભાઇ તરીને કિનારે પહોંચી ગયા હતા પરંતુ ભીખાભાઇની ભાળ મળી નહોતી.

દર વર્ષે એક મોત થાય છે છતાં પુલ ઊંચો બનાવાતો નથી
કોઠારિયા વિસ્તારના આગેવાન મયૂરસિંહ જાડેજા તથા ચંદ્રસિંહે જણાવ્યું હતું કે, જ્યારે ચોમાસામાં સારો વરસાદ થાય છે ત્યારે ખોખડદળના કોઝવે પરથી પાણીનો પ્રવાહ વહે છે અને દર વર્ષે બે ત્રણ વ્યક્તિના તણાવાથી મોત થાય છે. આ કોઝવેને ઊંચો કરવા માટે ચારેક વર્ષથી જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તેની ફાઇલ માળિયા પર ચડાવી દેવામાં આવી છે જે કારણે દર વર્ષે નિર્દોષ લોકોની જિંદગીનો અંત આવે છે. 

અકસ્માત રોકવા આ પુલ માટે કાર્યવાહી કરાશે
ખોખડદળ કોઝવેને ઊંચો કરવા સહિતની કામગીરી આગામી દિવસોમાં કરવાની વિચારણા કરાશે. તેમજ ઉપરવાસમાં વરસાદ થાય ત્યારે તેની તાકીદે માહિતી મળે તો કોઝવે પરથી લોકોને પસાર થતા અટકાવવાની કામગીરી કરાશે જેથી આવી દુર્ઘટના બને નહીં. લોકોએ પણ જીવને જોખમમાં મૂકવા ન જોઈએ. - ઉદિત અગ્રવાલ,  મ્યુનિસિપલ કમિશનર 

મોટી પાનેલીમાં સાત ઇંચ, ટંકારા અને વાંકાનેરમાં અઢી ઇંચ
ટીમ ભાસ્કરઃ રાજકોટ જિલ્લાના મોટી પાનેલી ગામે રવિવારે મુશળધાર સાત ઇંચ પાણી વરસી જતાં ખેતરો તરબતર બની ગયા હતા. ઉપરાંત ધોરાજીમાં દોઢ ઇંચ, ગોંડલમાં એક, આટકોટમાં પણ એક તેમજ વીરપુર અને જેતપુરમાં હળવાભારે ઝાપટાંથી અડધો ઇંચ જેટલું પાણી વરસી ગયું હતું. બીજી તરફ મોરબી શહેરમાં માત્ર ઝાપટાં પડ્યા હતા, જ્યારે ટંકારા અને વાંકાનેરમાં ઝમાઝમ અઢી ઇંચ વરસાદ પડી જતાં લોકોના હૈયા હરખાયા હતા અને ગુરુવંદનાની સાથે લોકોએ વરસાદના વધામણા કર્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...