સત્ય સામે આવશે !:રાજકોટમાં 95 લાખના તોડકાંડ મામલે 3 મહિના બાદ DCP મીણાએ ઇન્ચાર્જ CPને રિપોર્ટ સોંપ્યો, નવાજુનીના એંધાણ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીસીપી ઝોન- 1 પ્રવિણકુમાર મીણાની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડીસીપી ઝોન- 1 પ્રવિણકુમાર મીણાની ફાઈલ તસવીર
  • લેટરબોમ્બ બાદ કમિશનર સુધી એક્શન લેવાયા, શું આમાં પણ એક્શન લેવાશે કે ભીનું સંકેલાશે
  • થોરાળા વિસ્તારના કુખ્યાત બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળીની મદદ કરવાના બદલામાં પોલીસે 95 લાખનો તોડ કર્યાનો આક્ષેપ થતાં ડીસીપીને તપાસ સોંપાઈ હતી
  • તોડ કરવાનો જેના પર આક્ષેપ થયો હતો તે પીએસઆઈ જેબલીયા અત્યારે સુરતમાં તૈનાત

રાજકોટમાં સખીયા બંધુ પાસેથી 75 લાખના કથિત તોડકાંડ થયા બાદ તાજેતરમાં જ ક્રાઈમ બ્રાન્ચે દારૂ ભરેલા કન્ટેનરનું ડ્રાઈવર સાથે અપહરણ કરીને પોલીસની આબરૂની ધોવાણ કરી નાખનાર ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓની કરતૂત આખા વિભાગને બદનામ કરી રહી છે ત્યારે હજુ પણ થોડા મહિનાઓ અગાઉ બૂટલેગર પાસેથી રૂ.95 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. જેથી ઉચ્ચ અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લઈ તેની તપાસ કરવાનો આદેશ આપતાં ડીસીપી ઝોન- 1 પ્રવિણકુમાર મીણાએ આ અંગે ત્રણ મહિના સુધી તપાસ કર્યા બાદ તેનો રિપોર્ટ ઇન્ચાર્જ પોલીસ કમિશનરને સોંપતાં ટૂંક સમયમાં હવે આ કાંડમાં પણ નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

પોલીસે રૂપિયા રૂ.3 કરોડની માંગ કરી હતી
પ્રાપ્ત વિગત મુજબ થોરાળા વિસ્તારના કુખ્યાત બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળીએ યુવાનની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં તે નાસતો ફરતો હતો જેની બે વર્ષે અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે ધરપકડ બાદ છ દિવસ સુધી તેને ક્રાઈમ બ્રાન્ચમાં જ રાખીને ધરપકડ બતાવવામાં આવી ન હોતી. આ દરમિયાન અલ્તાફનું લેપટોપ પણ કબ્જે કરવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂપિયાના હિસાબ-કિતાબ રાખવામાં આવ્યા હતા. આ પછી છઠ્ઠા દિવસે અલ્તાફની ધરપકડ જાહેર કરવામાં આવી હતી પરંતુ ધરપકડ બાદ અલ્તાફને હત્યા કરવામાં મદદગારી કરનાર અન્ય લોકોના નામ નહીં ખોલવા સહિતના મુદ્દે પોલીસે રૂપિયા રૂ.3 કરોડની માંગ કરી હતી. જેમાં રકઝકના અંતે રૂ.95 લાખ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ તે વખતે કરવામાં આવ્યો હતો.

ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની ફાઈલ તસવીર
ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની ફાઈલ તસવીર

રૂ.95 લાખની વસૂલાત કરી લેવામાં આવી
આક્ષેપ એવો પણ થયો હતો કે, રૂ.95 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી થયા બાદ તેની વસૂલાત માટે અલ્તાફ ઉર્ફે છ આંગળીની બે પત્નીના ઘરેણા ઉપરાંત અલ્તાફની કાર વેચી નાખવામાં આવી હતી. જો કે તેમાંથી નક્કી થયેલી રકમ નહીં નીકળતાં અલ્તાફના સાથી બૂટલેગરોની મદદથી રૂ.95 લાખની વસૂલાત કરી લેવામાં આવી હતી. આ ઘટનામાં મહત્ત્વની વાત એ પણ રહી હતી કે પોલીસે અલ્તાફ પાસેથી જે કાર કબજે કરી હતી તે હત્યાના એક મહિના બાદ ખરીદવામાં આવી હતી ! જ્યારે જે તે સમયે અલ્તાફની કાળા કલરની કારમાં જ હત્યા કરવા માટે પહોંચ્યો હતો ત્યારે આ મુદ્દે અસમંજસ પણ ઉભી થઈ હતી. એકંદરે આ મામલે પોલીસે આરોપીની મદદ કરવાના બદલામાં રૂ.95 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાનો આક્ષેપ થતાં રાજ્ય પોલીસવડાએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. આ મામલાની તપાસ ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણાને સોંપવામાં આવી હતી અને તેમણે આ મામલે તે સમયના પીએસઆઈ જેબલીયા કે જે અત્યારે સુરતમાં તૈનાત છે.

મનોજ અગ્રવાલ - ફાઇલ તસવીર
મનોજ અગ્રવાલ - ફાઇલ તસવીર

કોન્સ્ટેબલ દેવા ધરજીયાનું પણ આ કાંડમાં નામ આવ્યું
ડીસીપી એ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PSIનું નિવેદન નોંધવા ઉપરાંત અલ્તાફની બન્ને પત્નીના નિવેદન પણ લીધા હતા. અંદાજે ત્રણ મહિના સુધી તપાસ ચલાવ્યા બાદ અંતે તેમણે ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને આ અંગેનો રિપોર્ટ સોંપતાં હવે એકાદ-બે દિવસમાં જ આ રિપોર્ટના આધારે પોલીસકર્મીઓ ઉપર મોટી તવાઈ ઉતરશે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના ઉજાગર થતાં પીએસઆઈ જેબલીયાની સુરત ખાતે બદલી કરી નાખવામાં આવી હતી. આ બનાવ બન્યો ત્યારે પીઆઈ તરીકે વી.કે.ગઢવી કાર્યરત હતા જેમની વડોદરા બદલી કરાઈ હતી પરંતુ વેપારી પાસેથી રૂ.75 લાખનો તોડ કરવાનો મામલો પણ ઉજાગર થતાં તેમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોન્સ્ટેબલ દેવા ધરજીયાનું પણ આ કાંડમાં નામ આવ્યું છે જે પણ દારૂકાંડને કારણે સસ્પેન્ડ થયો છે. હવે આ મામલે કયા કયા પોલીસ કર્મીઓના નામ સામે આવે છે અને તેમની સામે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે

અન્ય સમાચારો પણ છે...