વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે, એના પ્રથમ ફેઝનું કામ આગામી સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાત પર આવ્યા હતા, પરંતુ રાજકોટ ઝોન 1ના DCP પ્રવીણકુમાર મીણાએ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. મીડિયાકર્મીઓ હેલિપેડ નજીક ઊભા હતા, ત્યારે પ્રવીણકુમાર મીણાએ ગેરવર્તન કર્યું હતું. બે કેમેરામેનનું ગળું દબાવી ધક્કો માર્યો હતો અને અટકાયત કરવાની વાત કરી હતી. બાદમાં પાંચથી સાત મીડિયાકર્મીને પોલીસવાનમાં બેસાડી અટકાયત કરી હતી અને પછી છોડી દેવામાં આવ્યા હતા. જોકે સમગ્ર મામલે મીડિયાકર્મીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી. જોકે આ મામલે રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ પાર્થરાજસિંહ ગોહિલને તપાસના આદેશ કર્યા છે.
રનવેથી નજીકથી દૂર રહેવા હડધૂત કર્યા
આ અંગે મીડિયાકર્મચારીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં તેમણે દિલગીરી વ્યક્ત કરી હતી. DCP આ અંગે કંઈપણ બોલવા તૈયાર નથી અને માફી પણ ન માગતાં મીડિયાકર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે. મીડિયાને રનવે નજીકથી દૂર કરવા હડધૂત પણ કર્યા હતા. જોકે આ સમગ્ર મામલે મીડિયાકર્મચારીઓ રાજકોટ પોલીસ કમિશનર કચેરી દોડી ગયા હતા અને અહીં ધરણાં પર બેસી રામધૂન બોલાવી હતી.
કલેક્ટરે હીરાસર એરપોર્ટની કામગીરી અંગે માહિતગાર કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની ભાગોળે આકાર લઇ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આંતરરાષ્ટ્રીય હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની મુલાકાતે આવ્યા હતા તેમજ હેલિપેડ, રનવે અને બ્રિજ નિર્માણ, બોક્સ ક્લવર્ટ વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી વતી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરતા કલેક્ટર અરુણ મહેશ બાબુએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા હીરાસર એરપોર્ટની કામગીરી અંગે વિગતવાર જાણકારી આપી હતી.
કામગીરીનો પ્રગતિ રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો
કલેકટરે ફાયર સ્ટેશન, એ.જી.એલ. સબ સ્ટેશન, એમ.ટી.પુલ, એ.ટી.સી. સહિતના કામગીરીનો પ્રગતિ રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો. આ તમામ કામોની વર્તમાન સ્થિતિ અંગે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. હીરાસર એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેરજર લોકનાથે મુખ્યમંત્રીને સાઈટ પર થયેલી અત્યારસુધીની કામગીરી અંગેની વિગતવાર જાણકારી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.