ભાસ્કર બ્રેકિંગ:DCBમાં ફરી ધરમૂળથી ફેરફાર થશે, દારૂકાંડને પગલે ક્રાઇમ બ્રાંચે પોલીસબેડાને લાંછન લગાડતા પોલીસ કમિશનર આકરાં પાણીએ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પેધી ગયેલા અને વિવાદમાં રહેલા સ્ટાફની બદલી કરાશે, રેલો પોલીસ સ્ટેશનના સ્ટાફ સુધી પણ પહોંચવાની પૂરેપૂરી શક્યતા

સાયલામાંથી દારૂ ભરેલા કન્ટેનર સાથે ડ્રાઇવરનું અપહરણ કરનાર રાજકોટ ક્રાઇમ બ્રાંચના કરતૂતથી સમસ્ત પોલીસબેડાને લાંછન લગાડ્યું છે, આ ઘટનામાં જવાબદાર મહિલા પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે પરંતુ આવી ઘટના ભવિષ્યમાં બને નહીં તે માટે ક્રાઇમ બ્રાંચમાં પેધી ગયેલા અને વિવાદાસ્પદ ભૂમિકા ભજવતા સ્ટાફને હટાવવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. મનોજ અગ્રવાલ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ક્રાઇમ બ્રાંચે આચરેલા કમિશનકાંડના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા હતા.

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના લેટર બોમ્બ બાદ કમિશનર અગ્રવાલની જૂનાગઢ બદલી કરી નાખવામાં આવી હતી અને કમિશનકાંડમાં સંડોવાયેલા ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ સાખરા સહિતનાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. અગ્રવાલની બદલી થતાં કમિશનર તરીકે જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદને ચાર્જ સોંપવામાં આવ્યો છે, તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાંચની કથળેલી હાલત સરખી થાય તે માટે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલની પણ નિમણૂક કરવામાં આવી હતી. જો કે, દારૂકાંડને પગલે ફરી ક્રાઈમ બ્રાન્ચ વિવાદમાં આવી છે.

કમિશનકાંડ અને તેને કારણે લેવાયેલા પગલાંથી રાજકોટ પોલીસબેડામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું મોરલ ડાઉન થયું હતું, આ સ્થિતિમાંથી પોલીસને બહાર કાઢવા કમિશનર ખુરશીદ અહેમદે ત્વરિત પગલાં લેતા સ્થિતિ થાળે પડતી થઇ હતી ત્યાં જ ક્રાઇમ બ્રાંચના મહિલા પીએસઆઇ ભાવના કડછાની ટીમના ચાર કોન્સ્ટેબલે સાયલાનો દારૂકાંડ કરતાં હોબાળો મચી ગયો હતો.

કમિશનર ખુરશીદ અહેમદે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ કરવાની કોઇ હિમ્મત કરે નહીં તે માટે ક્રાઇમ બ્રાંચની સાફસૂફીનો નિર્ણય લીધો છે. ખુરશીદ અહેમદે જણાવ્યું હતું કે, એકાદ દિવસમાં જ ક્રાઇમ બ્રાંચમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે અને વિવાદાસ્પદ પોલીસ કર્મચારીઓની ત્યાંથી બદલી કરવામાં આવશે એટલું જ નહીં પોલીસ સ્ટેશનના ડી.સ્ટાફમાં ફરજ બજાવતા અને કોઇને કોઇ વિવાદમાં રહેલા સ્ટાફને પણ મહત્ત્વની જગ્યા પરથી દૂર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...