રાજકોટમાં પોલીસમેનની લુખ્ખાગીરીનો મામલો સામે આવ્યો છે. ઘટના રવિવાર રાતની છે. ક્રાઇમ બ્રાંચના પોલીસમેને તેના સાત મિત્ર સાથે ઇંડાંની લારીએ નોસ્તો કર્યો. નાસ્તા બાદ લારી-સંચાલકે પૈસા માગતાં મામલો બિચકાયો હતો. મફતમાં ખાવા ટેવાયેલા આ પોલીસે મિત્રો સાથે મળી લારી-સંચાલકના 12 વર્ષના પુત્રને 14 ધોકા ફટકાર્યા હતા.
અગાઉ પણ ફરિયાદી પાસેથી પણ તોડ કરવા માટે પંકાયેલી ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ સહિતના સ્ટાફની બદલી અને સસ્પેન્ડ કર્યા સહિતનાં પગલાં લેવાયાં હતાં. છતાં ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓના માનસમાંથી હજુ પણ ખાખીનો રોફ જતો નથી
રાતે 12 વાગ્યે ખાવા ગયા હતા
હેમુ ગઢવી હોલ પાસે ઇંડાંની લારી રાખીને ધંધો કરતા રઝાક પીપરવાડિયાએ રડતાં રડતાં દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં પોતે પોતાની લારીએ હતો ત્યારે ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતો ધમભા ઝાલા, તેની સાથે ગજુભા પરમાર, નવદીપસિંહનો વિકલાંગ પિતરાઇ ભાઇ તથા પાંચ અજાણ્યા શખસ લારીએ નાસ્તો કરવા આવ્યા હતા. આઠેય લોકોએ ભરપેટ નાસ્તો કર્યા બાદ ચાલતી પકડતાં લારી-સંચાલક રઝાકે પૈસા માગતાં ક્રાઇમ બ્રાંચના પોલીસમેન ધમભા ઝાલાનો પિત્તો ગયો હતો અને તેણે ખાખીનો રોફ જમાવ્યો હતો, તેની સાથે રહેલા તેના સાત મિત્ર પણ બેફામ બન્યા હતા, અને લારી-સંચાલક રજાકના 12 વર્ષના પુત્ર હૈદરને ટાર્ગેટ કર્યો હતો.
પિતાને પણ ઢોરમાર માર્યો
પોલીસમેન ધમભા ઝાલા સહિત આઠેય શખસ ધોકા લઇને માસૂમ હૈદર પર તૂટી પડ્યા હતા, પુત્રને બચાવવા દોડેલા રઝાક પીપરવાડિયાને પણ પોલીમેન આણી આ ગેંગે ઢોરમાર માર્યો હતો, પોલીસમેનની લુખ્ખાગીરીથી લારીએ નાસ્તો કરવા આવેલા અન્ય શહેરીજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. પોલીસમેન સહિતના શખસોએ લારીમાથી ઇંડાં સહિતની વસ્તુઓ રસ્તા પર ઉલાળ્યા હતા અને ખુરશી ટેબલને પણ લાતો મારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.