રિવાબા જામનગરથી ચૂંટણી લડશે?:ભાસ્કરે પૂછ્યું, ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડશો? રિવાબાએ કહ્યું- ભરોસો સંપાદિત કરવામાં આવે તો એ સ્વીકાર્ય

રાજકોટ19 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા અઢી વર્ષમાં જામનગર સહિત સૌરાષ્ટ્રનાં 130થી વધુ ગામ ફર્યાં
  • સરકારની યોજનાઓને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડી, સ્વખર્ચે દીકરીઓના લગ્ન કરાવ્યા

અત્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. ભાજપ સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવામાં ભાજપ સાથે જોડાયેલા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા જામનગરમાંથી ચૂંટણી લડશે એવી વાતો ચાલી રહી છે. આમેય રિવાબા છેલ્લાં બે વર્ષથી જામનગરનાં એક-એક ગામ ખૂંદી રહ્યાં છે અને પોતાના ટ્રસ્ટ દ્વારા મહિલાઓને મદદ કરી રહ્યાં છે. દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં રિવાબાએ પોતાના મહિલા ઉત્થાનનાં કાર્યો વિશે મોકળાશથી વાતો કરી હતી, સાથે-સાથે ભાજપ તમને ટિકિટ આપે તો ચૂંટણી લડશો? એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મારી પર પાર્ટીનો ભરોસો સંપાદિત કરવામાં આવે તો એ સ્વીકાર્ય છે.

યોજનાનો લાભ મહિલાઓને મહત્તમ મળે એવો હેતુ
રિવાબાએ દિવ્ય ભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લાં અઢી વર્ષથી 130થી વધુ ગામમાં ફરી છું, જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સરકારની કોઈપણ યોજનાના લાભોથી માહિતગાર કરવાનો છે. આમાં મહિલાઓની યોજનાઓ કે જેના વિશે તેમને ખબર ન હોય તેના પર ખાસ ભાર મૂકીએ છીએ. બાદમાં ગામના સરપંચ અને આંગણવાડીની બહેનો હાજર હોય ત્યારે યોજનાનો લાભ મહિલાઓને મહત્તમ મળી રહે એની ચર્ચા કરીએ છીએ. આમાં અમારી જરૂર હોય ત્યાં અમે મદદરૂપ બનીએ છીએ.

ગામડાંની બહેનો બહાર નીકળી શકતી નથી
સરકારની યોજના વિશે મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ખ્યાલ હોતો નથી. બહેનોને બહાર નીકળવાનું થતું નથી. ખાસ તો ઘણી વખત મહિલાઓ અમને પૂછે કે તમારું કાર્યાલય ક્યાં છે? આ કારણથી અમને લાગ્યું કે સિટીમાં આપણે કાર્યાલય રાખીશું તો શહેર પૂરતું લિમિટ થઈ જશે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની બહેનોનું શું? તેમને બહાર નીકળવાની ઘણી વખત તકલીફ હોય છે. ત્યારથી નક્કી કર્યું કે ગામડાંની બહેનોને વ્યક્તિગત રીતે મારે અને મારી ટીમે મળવું જોઇએ. આવી બહેનો સુધી પહોંચી માહિતી આપવી, મદદરૂપ થવાનો પ્રયાસ કરવો, એમ રિવાબાએ ઉમેર્યું હતું.

હું તો એક કાર્યકર તરીકે જવાબદારી નિભાવું છું
ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડશો? એવા દિવ્યભાસ્કરના સવાલના જવાબમાં રિવાબાએ જણાવ્યું હતું કે એક કાર્યકર તરીકે પાર્ટી જે જવાબદારી આપે કે ભરોસો મૂકે છે એ નિભાવવાની હોય છે. મારી પર પાર્ટીનો ભરોસો સંપાદિત કરવામાં આવે તો એ સ્વીકાર્ય છે. બહેનો માટે આત્મનિર્ભર અને સ્ત્રી શક્તીકરણ એ અમારું મુખ્ય લક્ષ્ય છે. આર્થિક, શારીરિક તેમજ સામાજિક લેવલ સુધી પહોંચાડીને બહેનોને તેમના ઉન્નત ભવિષ્ય સુધી પહોંચાડી શકીએ.

રિવાબા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે
રિવાબા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચલાવી રહ્યાં છે. જામનગરનાં ગામડાંની બહેનો સાથે સંપર્ક- મુલાકાત કરી બહેનોને શારીરિક, માનસિક સ્વાસ્થ્ય અંગે જરૂરી માહિતી આપી અને તેઓ ચર્ચા કરે છે. કન્યા કેળવણી, શિક્ષણ અંગે જાગૃતિ, અંધશ્રદ્ધામાંથી બહેનો બહાર આવે અને જાગૃતિ કેળવાય એ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. બહેનોના આર્થિક, સામાજિક પ્રશ્નો અંગે ચર્ચા કરી અને એ માટે જરૂરી મદદ કરવા ખાતરી પણ આપે છે. ગામડાંની દીકરીઓને ‘શારીરિક સ્વાસ્થ્યની’ જાગૃતિના પગલે સેનિટરી પેડ પણ સ્વખર્ચે આપે છે.

ગામડાં ખૂંદી રિવાબા મહિલાઓને જાગ્રત કરી રહ્યાં છે.
ગામડાં ખૂંદી રિવાબા મહિલાઓને જાગ્રત કરી રહ્યાં છે.

સમૂહલગ્નમાં 26 દીકરીને સુવર્ણ ખડગ આપ્યા
17 એપ્રિલે રિવાબાના લગ્નની છઠ્ઠી વર્ષગાંઠ હતી. ત્યારે શ્રી જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત 22મા સમૂહ લગ્નોત્સવમાં યોગાનુયોગ 26 દીકરીનાં લગ્ન થઈ રહ્યાં હતાં. આ દરેક દીકરીઓને 4 નંગ સુવર્ણ ખડગ ભેટ સ્વરૂપે આપ્યા હતા. રિવાબાએ જણાવ્યું હતું કે કોઈપણ સારા પ્રસંગ કે તહેવારની ઉજવણી જો લોકકલ્યાણ અને સમાજ સેવાનાં કાર્ય કરીને કરવામાં આવે તો એક આત્મસંતુષ્ટિની અનુભૂતિ થાય છે.

ગામડાંની મહિલાઓ પણ રિવાબાને સાંભળી વિવિધ યોજનાઓની માહિતી મેળવે છે.
ગામડાંની મહિલાઓ પણ રિવાબાને સાંભળી વિવિધ યોજનાઓની માહિતી મેળવે છે.

મહિલા દિવસે 11 બહેનને સિલાઇ મશીન આપ્યાં
8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જરૂરિયાતમંદ સર્વે જ્ઞાતિના પરિવારોને આર્થિક મદદ કરીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ પરિવારની 9 દીકરીને કરિયાવરની વસ્તુઓ, 11 બહેનોને સિલાઈનાં મશીન, ગામના જરૂરિયાતમંદ પરિવારને કરિયાણાની રેશન કિટ અને 2 વિદ્યાર્થિનીને હાયર સેકન્ડરીની ફી ભરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ દીકરી નિધ્યાનાબાના દર જન્મદિવસે સ્વખર્ચે જરૂરિયાતમંદ દીકરીઓને કંઇક ને કંઇક ભેટ આપે છે.

અન્ય સમાચારો પણ છે...