ગુજરાતના 5 સંક્રમિત ડોક્ટર્સ સાથે વાત:કહ્યું-વેક્સિનના બંને ડોઝ લીધા છતાં છ દિવસે પણ ગળામાં ખારાશ, જાતે એન્ટીબાયોટિક દવા ન લેતા

રાજકોટ, વડોદરા9 દિવસ પહેલા
  • જરા પણ લક્ષણો જણાય તો તરત રિપોર્ટ કઢાવવો
  • વેક્સિનના બંને ડોઝ લીધા હોવાથી માઈલ્ડ લક્ષણો જોવા મળ્યાં
  • તમામ ડોક્ટરો હોમ આઇસોલેટ થઇ સારવાર લઈ રહ્યા છે

રક્ષિત પંડ્યા, રાજકોટ/મેહુલ ચૌહાણ, વડોદરાઃ કોરોનાની ત્રીજી લહેરમાં ફરીવાર ફ્રન્ટલાઇન વોરિયર પણ સંક્રમિત થવા લાગ્યા છે. રાજકોટમાં કોરોનાની સારવાર કરનારા 30 તબીબ કોરોનાગ્રસ્ત થયા છે. નવા વર્ષની શરૂઆત થતાંની સાથે 4 દિવસમાં જ શહેરના નામાંકિત 30 ડોક્ટરો અને નર્સિંગના 25 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી દિવ્ય ભાસ્કરે રાજકોટના 4 અને વડોદરાના 1 એમ 5 સંક્રમિત થયેલા ડોક્ટર સાથે વાત કરી હતી. આ ડોક્ટરોએ જણાવ્યું હતું કે જાતે કોઈપણ એન્ટીબાયોટિક દવા ન લેતા. વેક્સિન લીધી હોય તો ગભરાવાની જરૂર નથી, કારણ કે વેક્સિન લેનારાને જો સંક્રમણ લાગે તો કોરોનાં હળવાં લક્ષણો જોવા મળે છે. અમે પણ હાલ હોમ આઇસોલેટ થઈ સારવાર લઇ રહ્યા છીએ. હાલનો કોરોના વેરિયન્ટ વધુ ઇફેક્ટિવ છે એટલે સંક્રમણ વધુ ફેલાય છે માટે ગભરાવા કરતાં સાવચેત રહેવું વધુ જરૂરી છે.

દિવ્ય ભાસ્કરે રાજકોટના ડો.ભાવેશ સચદે, ડો.મુકેશ રૂપારેલિયા, ડો.પરેશ પાધરા, ડો.રૂકેશ ઘોડાસરા અને વડોદરાના ડોક્ટર માહેશ્વરી સાથે વાત કરી હતી.

6 દિવસ પહેલાં 102 ડીગ્રી તાવ આવ્યો હતોઃ ડો.માહેશ્વરી
વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ (SSGH)ના ડોક્ટર્સને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. SSGH હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં MLO(મેડિકલ લેબ ઓબ્ઝર્વર) તરીકે ફરજ બજાવતા ડૉ. ચમન માહેશ્વરીએ જણાવ્યું હતું કે છ દિવસ પહેલાં હાઇ ફીવર હતો. 102 ડીગ્રી તાવની સાથે મને ગળામાં ખારાશ પણ આવી હતી, જેથી કોરોનાનો ટેસ્ટ કરતાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં ગળામાં ખરાશ અનુભવાઇ રહી છે. કોરોનાની હાલની લહેરથી બચવા વેક્સિનેશનની સાથે માસ્ક પહેરવું સૌથી વધુ અગત્યનું છે.

મારી સાથે પરિવારના 7 સભ્ય એકસાથે સંક્રમિત થયાઃ ડો.ભાવેશ સચદે
કોરોના પોઝિટિવ ડો.ભાવેશ સચદેએ જણાવ્યું હતું કે 3 જાન્યુઆરીના રોજ હું અને મારો આખો પરિવાર કોરોનાથી સંક્રમિત થયો હતો. મારી સાથે પરિવારમાં કુલ 7 સભ્યને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારાં પત્ની અને મારી ભત્રીજીને તાવ આવતો હતો, પરંતુ મને મારાં માતા-પિતા અને મારાં ભાઈ-ભાભીને સામાન્ય લક્ષણો હતાં. માટે અમે લોકોએ કન્સલ્ટ ડોક્ટરની સલાહ મુજબ દવા લઇ હોમ આઇસોલેટ થયા છીએ.

આ વખતે લહેરમાં હળવા લક્ષણો છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા નાના ભાઈની બેબીને તાવ આવતાં પીડિયાટ્રિક ડોક્ટરનો સંપર્ક કરી યોગ્ય સારવાર ઘરે ડોક્ટરની સલાહ મુજબ લીધી હતી. શરૂઆતના સમયમાં થોડું પેનિક ઊભું થયું હતું. અગાઉ કરતાં આ વખતે લહેરમાં સિમ્પ્ટમ્સ માઈલ્ડ છે, પરંતુ આની સામે તમામ લોકોએ સાવચેત રહી સરકારે આપેલી કોવિડ ગાઇડલાઇન્સનું યોગ્ય રીતે પાલન કરવું જરૂરી છે. ગભરાવાની બિલકુલ જરૂર નથી. ખાસ જાતે જાતે કોઈપણ એન્ટીબાયોટિક દવા ન લેવા હું તમામને અપીલ કરું છુ. ડોક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ અને જરૂર જણાયે રિપોર્ટ કઢાવી લેવા. આથી સંક્રમણને આગળ ફેલાતો અટકાવી ચેઇન તોડી શકાય.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

ડો.મુકેશ રૂપારેલિયાને 102 ટેમ્પરેચર તાવ થઈ ગયો હતો
કોરોના સંક્રમિત ડો. મુકેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે 10 દિવસ પહેલાં 30 ડિસેમ્બરના રોજ શરૂઆતના સમયમાં ગળામાં દુખાવો થતો હતો. ત્યાર બાદ બીજા દિવસે 31 ડિસેમ્બરના રોજ રાત્રે 100થી વધુ ટેમ્પરેચર તાવ આવ્યો હતો. જ્યારે 1 જાન્યુઆરીના રોજ 102 ટેમ્પરેચર તાવ થયો હતો. એ પછી મેં બ્લડ રિપોર્ટ કરાવ્યા હતા, જેમાં CRP લેવલ હાઈ આવ્યું હતું. બાદમાં મેં RT-PCR રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવતાં હું સેલ્ફ ક્વોરન્ટીન થયો છું.

મારાં પરિવારજનોના રિપોર્ટ નેગેટિવ આવ્યા
ડો.મુકેશ રૂપારેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 4 દિવસથી તાવ આવતો નથી અને અન્ય કોઇ સિમ્પ્ટમ્સ જોવા મળતાં નથી. મારી સાથે મારાં પરિવારજનોના રિપોર્ટ કઢાવવા આવ્યા હતા, પરંતુ તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. મારા કેસમાં મને કોવિડ સંક્રમણ મારા પેશન્ટ અથવા તો સોશિયલ ગેટ ટુ ગેધર દ્વારા થયું હોવાનું લાગી રહ્યું છે. આ પછી મેં મારા કલીગ ફિઝિશિયનની સલાહ મુજબ, કોરોનાથી લોકોને ડરવાની નહીં, સતર્ક રહેવા અપીલ કરું છું.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવતાં સંક્રમણ લાગ્યું: ડો. પરેશ પાધરા
કોરોના પોઝિટિવ ડો.પરેશ પાધરાએ જણાવ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ બુધવારના રોજ પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન મને તાવ, માથુ દુખવું, શરીરમાં કળતર વગેરે લક્ષણો જોવા મળ્યાં હતાં. વ્યવસાયે ડોક્ટર હોવાથી અમારી પાસે અનેક દર્દીઓ આવતા હોય છે. તેમાંથી કોઈનો ચેપ લાગ્યો હોઈ શકે છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફિઝિશિયનની સલાહ બાદ હોમ આઇસોલેટ થઇ દવા અને ઘરેલુ ઉપચાર શરૂ કર્યા છે

હું ઘરેલુ ઉપચાર પણ કરું છું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘરેલુ ઉપચારમાં હળદરવાળું દૂધ પીવું, મીઠાવાળા પાણીના કોગળા કરવા, નાસ લેવો અને સંપૂર્ણ આરામ કરવો. હાલમાં જે રીતે વાઇરસ વકરી રહ્યો છે એમાં સિમ્પ્ટમ્સ માઇલ્ડ હોવાથી હોમ આઇસોલેશન થઈ ઘરે સારવાર લઇ શકાય છે, પરંતુ વધારે તકલીફ પડે તો હોસ્પિટલમાં ડોક્ટરનો સંપર્ક કરી સારવાર લેવી જોઇએ. લોકોને મારી અપીલ છે કે ગભરાવાની કોઈ જરૂર નથી, હાલ તમામ દર્દીઓમાં ઓક્સિજન લેવલ જળવાય રહે છે અને મોટા ભાગના દર્દીઓને હોસ્પિટલ જવાની જરૂર પડતી નથી.

ડો.રૂકેશ ઘોડાસરા કોરોનાથી સંક્રમિત થયા
કોરોના સંક્રમિત ડો.રૂકેશ ઘોડાસરાએ જણાવ્યું હતું કે ગત મંગળવારે મને ગળામાં દુખતું હતું. બુધવારે થોડો તાવ આવ્યો અને કમર તથા સાંધામાં દુખાવો શરૂ થયો હતો, આથી મેં કોરોનાનો રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. જોકે દવા લીધા બાદ ગુરુવારથી તાવ આવતો નથી અને થોડી ઉધરસ આવતી હતી. આજે મારી તબિયત ખૂબ જ સારી છે. બધા લોકોને અપીલ કરું છું કે કોરોનાથી ડરવાની જરૂર નથી. જો તમે વેક્સિનના બે ડોઝ લીધા હશે તો ઘરે બેઠા સારવાર લઇ શકશો. પૂરતી કાળજી રાખવાથી આપણે કોરોનાને જરૂરથી હરાવી શકીએ છીએ.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

જાતે રિપોર્ટ કઢાવવો કે દવા લેવી જોઇએ નહીં: ડો. ઘોડાસરા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટરની સલાહ મુજબ રિપોર્ટ અને દવા લેવી જોઇએ. જાતે રિપોર્ટ કઢાવવો કે દવા લેવી નહીં. જરા પણ લક્ષણ જણાય તો તરત રિપોર્ટ કઢાવી લેવા, કારણ કે તમારી આસપાસ રહેલા સિનિયર સિટિઝનો અને કોમોર્બિડ લોકોને ચેપ લાગે તો તેમને વધુ અસર થઇ શકે છે. ઓમિક્રોન વેરિયન્ટ વધુ ઝડપથી ફેલાતો હોવાથી મને મારા કોઈ મિત્રો કે દર્દીમાંથી જ લાગ્યો હોવાનું લાગી રહ્યું છે. મારા ઘણા સાથી મિત્રો પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...