લવ-જેહાદ મામલે પાટીદાર સમાજમાં ઊકળતો ચરુ:'PGમાં રહેતી દીકરીઓ લવ-જેહાદનો ભોગ બને છે, લગ્ન સમયે માતા અથવા પિતાની સહી લેવામાં આવે એવો કાયદો ઘડો’

રાજકોટ13 દિવસ પહેલા

સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલની આજે રાજકોટમાં પ્રેસ-કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેમણે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદાર સમાજની 300 દીકરીને લવ-જેહાદના નામે ઉઠાવી ગયા છે, એ મામલે સરકાર લવ-જેહાદ મુદ્દે ગંભીરતાથી કામ કરે એવી માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જે દીકરીઓ પરત આવવા માગતી હોય તેમને પરત લાવવા માટે પણ કામ કરીશું. PGમાં રહેતી કે અપ-ડાઉન કરતી સમાજની દીકરીઓ લવ-જેહાદનો ભોગ બને છે. જ્યારે સમાજના ભવનમાં રહેતી દીકરીઓમાં આ પ્રશ્ન ઓછો ઉદભવે છે. લગ્ન સમયે માતા અથવા પિતાની સહી લેવામાં આવે એવો કાયદો સરકારે ઘડવો જોઈએ.

મેરેજ રજિસ્ટ્રાર કચેરીમાં માતા-પિતાની અચૂક હાજરી હોવી જોઈએ
જેરામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આર.પી. પટેલના નિવેદન પહેલાં 6 સંસ્થાના પ્રમુખ મુખ્યમંત્રીને મળવા ગયા હતા, જેમાં સરકાર એવો કાયદો બનાવે કે લગ્ન સમયે માતા અથવા પિતાની સહી લેવામાં આવે, મેરેજ રજિસ્ટ્રાર કચેરીમાં સહી થતા સમયે માતા કે પિતાની હાજરી અચૂક હોવી જોઈએ. જોકે હવે સરકાર આ મામલે શું કરે છે એ જોવું રહ્યું. સમાજ દ્વારા જુદાં જુદાં ભવન બનાવવાની કામગીરી થઈ રહી છે. આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે પણ કામ થઈ રહ્યું છે.

માતા-પિતાની બેદરકારી પણ કારણભૂત છે
જેરામ પટેલે વધુમાં જણાવ્યું હતું કે દીકરીઓને હું કાયમ સમજાવું છું, ધ્રોલમાં છેલ્લાં 25 વર્ષથી હું સંસ્થા ચલાવું છું, જેમાં અઢીથી ત્રણ હજાર દીકરી છે. મારા અનુભવ પ્રમાણે સમાજના ભવનમાં રહેતી દીકરીઓમાં લવ-જેહાદનો પ્રશ્ન ઓછો રહે છે, જ્યારે જે દીકરીઓ PGમાં રહેતી હોય અથવા અપડાઉન કરતી હોય તેવી દીકરીઓમાં આ પ્રશ્ન વધુ રહે છે. કોલેજમાં જતી દીકરીઓ પરિપક્વતા ધરાવતી નથી. આથી લેભાગુ તત્ત્વો ગેરલાભ ઉઠાવે છે. આના માટે માતા-પિતાની બેદરકારી પણ કારણભૂત છે. વાલીઓને વિનંતી કરું છું કે તમારી દીકરીને સમાજની હોસ્ટેલમાં ભણાવો. કોલેજ પૂર્ણ કર્યે તેનામાં પરિપક્વતા આવી જશે, કારણ કે પરિપક્વતાના અભાવે અને છોકરમતને કારણે લેવ-જેહાદના પ્રશ્નો વધુ બને છે.

લવ-જેહાદ મુદ્દે 6 સંસ્થાએ સરકારને રજૂઆત કરી છે- જેરામ પટેલ.
લવ-જેહાદ મુદ્દે 6 સંસ્થાએ સરકારને રજૂઆત કરી છે- જેરામ પટેલ.

સરકારે ગંભીરતાથી વિચારવું જોઇએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લવ-જેહાદને લઈને અમે સરકારમાં રજૂઆત કરી છે. સરકારે આને ગંભીરતાથી વિચારવું જોઇએ અને હજી જરૂર પડશે તો આની ગંભીરતાથી રજૂઆત કરીશું. લવ-જેહાદને રોકવામાં ગંભીરતા દાખવવામાં આવશે તો ઘણો બધો ફરક પડશે. આ અંગે અમે આવેદનપત્ર પણ આપ્યું હતું. સરકાર આના માટે શું કરવું એ વિચારે છે. માતા-પિતાની પણ ઘણીબધી ભૂલો છે, માતા-પિતા આ અંગે ગંભીરતા દાખવતા નથી. ખાસ કરીને માતાઓની ભૂલ વધારે છે. દીકરીઓનો ઉછેર કરવામાં વધુમાં વધુ રોલ માતાઓનો છે તો તેણે બેદરકારી દાખવવી જોઈએ નહીં.

ખાસ અહેવાલ: કેમ ઘરેથી ભાગે છે પાટીદાર દીકરીઓ?:દિવ્ય ભાસ્કરે જાણી ગૂંગળાતી દીકરીઓની વ્યથા, પીડાતા મા-બાપનું દર્દ, સમાજના વડીલોએ વ્યક્ત કરેલી ચિંતા!

રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદારને ટિકિટ મળે એવો પ્રયાસ કરીશું
વિધાનસભાની ચૂંટણી અંગે જેરામ પટેલે જણાવ્યું હતું કે લોકશાહીમાં તમામને ટિકિટ માગવાનો અધિકાર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં 50 ટિકિટની માગણી કરવામાં આવી હતી અને શાસક પક્ષે 50 ટિકિટ આપી પણ હતી. આ વખતે પણ ટિકિટ માગવામાં આવશે. 25 સીટ એવી છે, જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. વિધાનસભાની રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવા પ્રયત્નો કરીશું. અત્યારસુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા, વાણિયા અને કારડિયા રાજપૂત સમાજના જ ઉમેદવારો લડ્યા છે. ખુદ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સીટ પરથી લડ્યા અને જીત્યા છે.

જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ ઉપવનના પ્રારંભનો સમારંભ યોજાયો હતો.
જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામ ઉપવનના પ્રારંભનો સમારંભ યોજાયો હતો.

વિશ્વ ઉમિયાધામના પ્રમુખે પાટીદાર સમાજ જોગ સૂચક નિવેદન આપ્યું
રાજ્યમાં વધી રહેલા લવ-જેહાદના કિસ્સાઓ મુદ્દે પાટીદારોની મોટી સંસ્થા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે પાટીદાર સમાજ જોગ સૂચક નિવેદન આપ્યું હતું. આર.પી.પટેલે કહ્યું હતું કે પાટીદારની દીકરીઓને જેહાદીઓ ફોસલાવીને પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે. સમાજે ચેતી જવાની જરૂર. સમાજના વડીલો ઝડપથી જાગી જાય, નહીંતર ખૂબ મોટી તકલીફ આવનારા સમયમાં પડવાની છે. જો સુરતના એક જ સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદારની 300 દીકરીને જેહાદી પ્રવૃત્તિ કે પછી પ્રેમજાળમાં ફસાવી જવાની ફરિયાદ નોંધાઈ હોય તો સમગ્ર રાજ્યમાં શું સ્થિતિ હશે.

અગાઉ આર.પી. પટેલે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું
આ અગાઉ પણ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવા મુદ્દે આવેદન આપેલું હતું. કોઈપણ દીકરીના લગ્ન રજિસ્ટ્રેશન વખતે જો માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એકની સહી ફરજિયાત હોય તો અન્ય સમાજના કે પછી અન્ય કોઈ જેહાદી દીકરીને ફોસલાવી કે પ્રેમજાળમાં ફસાવી લગ્ન ન કરી જાય. જે સંદર્ભે સરકાર હાલમાં વિચારણાધીન છે કે દીકરીઓના લગ્નના રજિસ્ટ્રેશનમાં માતા અથવા પિતાની સહી ફરજિયાત કરાય. આ અંગે આર.પી.પટેલે જણાવ્યું હતું કે જો માતા-પિતાની સહી ફરજિયાત કરાશે તો પાટીદાર સમાજમાં કે અન્ય સમાજમાં લવ-જેહાદના કિસ્સાઓ નહીં બને.