IMA પ્રમુખ ડો.પ્રફુલ કમાણીની ચેતવણી:ગુજરાતમાં ઓમિક્રોન વચ્ચે ફેબ્રુઆરીથી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો, 15 દિવસ સુધી ધો. 1થી 5ની સ્કૂલો બંધ કરી દો

રાજકોટએક મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • હજુ 15 થી 20 દિવસ મહત્વના છે અને લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે

ગુજરાતમાં કોરોનાના વધતાં કેસ અને કોરોનાના નવા વેરિએન્ટની એન્ટ્રી પછી ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે તબીબો આગામી 15 દિવસ ખૂબ જ મહત્ત્વના હોવાનું માની રહ્યા છે. તબીબોનું માનવું છે કે કોરોનાનો નવો ઓમીક્રોન વેરિએન્ટ માઈલ્ડ પ્રકારનો છે પરંતુ ખૂબ જ ઝડપથી એકબીજાને સંક્રમિત કરે છે અને લાંબો સમય સુધી શરીરમાં એક્ટિવ રહે છે. બાળકો સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે ધો. 1થી 5ની સ્કૂલો ઓછામાં ઓછા 15 દિવસ સુધી બંધ રાખવા IMA દ્વારા સૂચન આપવામાં આવ્યું છે.

બાળકો માટે આપણી પાસે N95 માસ્ક અવેલેબલ નથી
રાજકોટ દિવ્યભાસ્કર દ્વારા IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણી સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેની પાછળના કારણો જોવા જઇએ તો ધોરણ 1 થી 5ના બાળકો માટે આપણી પાસે N95 માસ્ક અવેલેબલ નથી, આ બાળકોને નોલેજ નથી હોતું કે એક સાથે બેસી શેરિંગ કરી નાસ્તો ન કરવો જોઈએ, સ્કૂલ વેન કે બસમાં જાય તો સાથે બેસતા હોય છે માટે 15 દિવસ આ બાળકો માટે શાળા બંધ કરવી ખૂબ જ જરૂરી છે.

કોરોનાના લક્ષણ સામે રક્ષણ મળી શકે
આ સાથે જે રીતે પ્રથમ લહેરમાં સિનિયર સીટીઝન બીજી લહેરમાં યુવાનોથી લઇ વચ્ચેની ઉંમરના અને ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી એ જ રીતે આ ત્રીજી લહેરની શરૂઆત છે અને બાળકો સંક્રમિત થઇ રહ્યા છે. બાળકો માટે હવે વેક્સિન ખૂબ જ અગત્યની છે બાળકોને વેકસીન આપી દેવામાં આવે તો તેને કોરોનાના લક્ષણ સામે રક્ષણ મળી શકે તેમ છે.

ગુજરાતમાં સ્વૈચ્છીક રીતે કોરોન્ટાઇન થવું જોઈએ
કોરોનાના અલગ અલગ વેરિયન્ટ આવે છે ડેલ્ટા , ડેલ્ટા પ્લસ અને હવે ઓમિક્રોન વેરિયન્ટ આવ્યો છે. હજુ 15 થી 20 દિવસ મહત્વના છે અને લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરી અન્ય દેશ કે અન્ય રાજ્યમાંથી આવતા લોકોએ ગુજરાતમાં આવી સ્વૈચ્છીક રીતે કોરોન્ટાઇન થવું જોઈએ અને સાવચેતી રાખવી જોઇએ. નેગેટિવ રિપોર્ટ આવે તો પણ સાવચેતી રાખી બાદમાં લક્ષણ જણાય તો તુરંત ટેસ્ટ કરાવી લેવો જોઈએ કારણ કે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કરતા ઓમિક્રોન વાયરસ અલગ છે ડેલ્ટા વાયરસ શરીરમાં 10 કે 15 દિવસ રહેતો જ્યારે ઓમિક્રોન વાયરસ શરીરમાં એક થી દોઢ મહિનો રહે છે.

લોકો માટે બુસ્ટર ડોઝની પણ આવશ્યકતા
આ સાથે ફેબ્રુઆરી 2022 સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે તેવી શકયતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે યુરોપ કન્ટ્રીમાં લહેર આવ્યા ના દોઢ થી બે મહિનામાં ભારતમાં પણ લહેર આવે છે માટે ભારતમાં પણ ત્રીજી લહેર આવવાની પુરી શકયતા છે ત્યારે તમામ લોકોએ સાવચેત રહેવું ખુબજ જરૂરી છે. અંતમાં તેમને જણાવ્યું હતું કે હવે બાળકોની વેક્સિન તો અચૂક આવવી જોઈએ ઉપરાંત જે લોકો વેકસીનના બન્ને ડોઝ લીધેલા છે અને કોરોનાથી સંક્રમિત નથી થયા તેવા લોકો માટે બુસ્ટર ડોઝની પણ આવશ્યકતા છે.

ગંભીર બીમારીથી પીડાતા લોકોએ ખાસ સાવચેતી રાખવી
ઉલ્લેખનિય છે કે વધુમાં રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું કે, હાલના સમયે સિનિયર સીટીઝન અને અન્ય ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા લોકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. લોકોએ ગભરાટને બદલે સાવચેતીથી કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરશે તો કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને પણ આપણે જરૂર હરાવીશું.

અન્ય સમાચારો પણ છે...