રિપેરિંગની દિશામાં કાર્યવાહી:રાજકોટ, પડધરી, ગોંડલ અને જેતપુરમાં 9 ઇમારતને નુકસાન

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યસ્તરે છ રસ્તાઓ બંધ, સુપેડી પાસે પુલિયું તૂટી ગયું
  • કંટ્રોલરૂમનો ફોન સતત રણક્યો, ખોખડદળ-અમરગઢમાં શાળામાં નુકસાન

રાજકોટ જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન વરસાદના ખાસ્સા જોર વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર વધતા ઓછા પ્રમાણમાં નુકસાનીની ફરિયાદ જિલ્લા પંચાયતના કંટ્રોલરૂમે નોંધાઇ હતી. જેમાં રાજકોટ, પડધરી, ગોંડલ અને જેતપુરમાં નવ મકાનમાં નુકસાની તેમજ ખોખડદળ અને અમરગઢની સરકારી શાળાઓમાં દીવાલો ધરાશાયી થવી સહિતની ખાનાખરાબી સામે આવી હતી.

રાજકોટ જિલ્લા પંચાયતના કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ ભારે વરસાદના છેલ્લા રાઉન્ડમાં પડધરીના ખોખરી ગામે એક, ગોંડલના નાના મહિકા ગામે એક, રાજકોટના ખીજડિયા, નાગલપર, વડાળી, ગઢકા ગામમાં એક-એક અને કાળીપાટ ખાતે બે મકાનમાં અંશત: નુકસાનીની ફરિયાદ નોંધાઇ હતી. આ સિવાય રાજકોટના ખોખડદળ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં બે રૂમ પડી ગયા હતા અને અમરગઢ ગામે બંધ હાલતમાં રહેલી સરકારી શાળામાં દીવાલ પડી ગઇ હતી. ધોરાજી તાલુકામાં સુપેડીથી નાની વાવડી રોડ પર પુલિયું તૂટી ગયું હતું.

છ રસ્તાઓ બંધ થઇ ગયા હતા તેમાં પડધરીના ખોડાપીપર રોડ, રાજકોટના રંગપર-સરપદડ રોડ, ગવરીદળ-રતનપર રોડ અને જેતપુરના લુણાગરી-દૂધીવદર રોડ સહિતના માર્ગો બંધ થઇ જતા ગ્રામ્યવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોઇ, તંત્ર દ્વારા રિપેરિંગની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...