તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા ડી-માર્ટને 25000નો દંડ કરાયો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 61935 ઘરનો સરવે, 58 લોકોમાં તાવ-શરદીના લક્ષણો
  • મુસાફરોના ટેસ્ટિંગ માટે ગ્રીનલેન્ડ ચોકડીએ સ્ટાફ તૈનાત

રાજકોટ મનપાએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના ભંગ બદલ કાર્યવાહી ચાલુ રાખી છે. કાલાવડ રોડ પર આવેલા ડી-માર્ટમાં મનપાની ટીમે ચેકિંગ કરતા સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું સામે આવ્યું હતું જેથી મોલને 25000નો દંડ ફટકારાયો હતો જ્યારે રસ્તા પર માસ્ક વગર ફરતા 47 લોકોને 47000નો દંડ કરાયો હતો. ખાનગી બસ કે વાહનમાં રાજકોટ આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ તેમજ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં આવવાના દરેક પોઈન્ટ પર આ રીતે કેમ્પ ઉભો કરીને બહારથી આવતા લોકોનું ટેસ્ટ કરાશે. રાજકોટ શહેરમાં શુક્રવારે માત્ર એક જ દિવસમાં 61935 ઘરનો સરવે થયાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે. આ માટે 1031 સર્વેલન્સ ટીમ બનાવાઈ હતી અને સરવેમાં 58 લોકોમાં શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા. આ ઉપરાંત 58 ધનવંતરી રથમાં કુલ 11274 લોકોનું નિદાન કર્યું હતું.

બસપોર્ટમાં કાયમી કોરોના ટેસ્ટ બુથ
રાજકોટ એસ.ટી બસપોર્ટમાં તાજેતરમાં જ બે દિવસમાં 14 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા અહીં આવનજાવન કરતા ડ્રાઈવર-કંડકટર અને યાત્રિકોના દરરોજ ટેસ્ટ કરી શકાય તે માટે મનપાના સહયોગથી કાયમી ટેસ્ટ બૂથ ઊભું કરાયું છે. એસ.ટી બસમાં કંડક્ટરોને થર્મલ ગન આપવામાં આવી છે જેમાં દરેક યાત્રિકોનું તાપમાન ચેક કરવામાં આવે છે. વધુમાં હવે જે યાત્રિકોનું તાપમાન વધુ હશે અથવા શંકાસ્પદ જણાશે તેવા યાત્રિકોનો બસપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત જેટલી બસની આવન-જાવન છે તેના ડ્રાઈવર કંડકટરોના પણ રેન્ડમ ટેસ્ટ કરાશે. તાજેતરમાં જ એસ.ટીના ટ્રાફિક અધિકારી પણ સંક્રમિત થયા છે અને યાત્રિકોના પણ ટેસ્ટ પોઝિટીવ આવી રહ્યા છે એવામાં હવે કાયમી ધોરણે બસપોર્ટમાં કોરોના ટેસ્ટ માટે બુથ ઉભું કરાયું છે જેમાં કોઈપણ યાત્રિક ટેસ્ટ કરાવી શકે છે.અગાઉ ડિવિઝન ઓફિસ ખાતે યોજાયેલા કેમ્પમાં પણ ત્રણ અધિકારીઓ સહિત 15 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એસટી બસના ડ્રાઇવરો અને કંડક્ટરો કોરોનાના સુપર સ્પ્રેડર્સ ન બને તે માટે તેમનું પણ રેન્ડમ ટેસ્ટિંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...