તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની શક્યતા:સાઇક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર પર, આજ રાત સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરિયાકાંઠાથી નજીકના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજકોટમાં બુધવારે 41 મીમી વરસાદ થયા બાદ ગુરુવારે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારે સાઇક્લોનિક સર્ક્યુલેશન જે દક્ષિણ ગુજરાતમાં હતું તે ગુરુવારે સૌરાષ્ટ્રમાં શિફ્ટ થયું હતું. જેની અસરના ભાગરૂપે ગુરુવારે રાત્રિથી આજે શુક્રવારે સાંજ સુધી વરસાદ પડશે. જ્યારે દરિયાકાંઠાના નજીકના એક-બે વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

ગુરુવારે સવારે વાતાવરણ ચોખ્ખું હતું તડકો પણ નીકળ્યો હતો. ત્યારબાદ આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. આખા દિવસમાં 2 મીમી. વરસાદ નોંધાયો છે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલ મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનથી દક્ષિણ તરફ છે. જે ચોમાસા માટે સાનુકૂળ સંજોગો કહી શકાય.

સૌરાષ્ટ્ર પર રહેલું સાઇક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને નબળું પડી જતું હોય છે. ગુરુવારે સવારે લઘુતમ તાપમાન 26 ડિગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 95 ટકા અને પવનની ઝડપ પાંચ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.જ્યારે મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 91 ટકા હતું. હવામાન વિભાગના ચોપડે સિઝનનો કુલ વરસાદ 532.2 મીમી નોંધાયો છે.

જામનગર-દ્વારકામાં અડધાથી સવા ત્રણ ઇંચ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે સવાર સુધી મેધરાજાએ મુકામ કરતા સાત તાલુકામાં અડધાથી સવા ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.કલ્યાણપુરમાં ગત મોડી રાત્રીથી ગુરૂવારે બપોર સુધીમાં વધુ સવા ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતુ. જયારે યાત્રાધામ દ્વારકામાં સાંજ સુધીમાં ત્રણ ઇંચ પાણી પડયુ હતુ.

કાલાવડમાં બુધવારે રાત્રે વધુ એક ઇંચ અને જામનગર લાલપુરમાં રાત્રે પોણા બે ઇંચ પાણી પડયુ હતુ. જામજોધપુર અને જોડીયામાં પણ એક ઇંચથી વધુ અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. નંદાણા નજીક કોઝ વે પર તલાટી રૂપેશભાઇ સુથારની કાર ફસાઇ ગઇ હતી જેમાં સ્થાનિક આગેવાનો અને ફાયર ટીમે રેસ્કયુ કામગીરી હાથ ધરતા તલાટીનો આબાદ બચાવ થયો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

મોરબીમાં 20 મિનિટમાં એક ઇંચ વરસાદ
વરસાદે સપ્ટેમ્બર પ્રારંભે બીજી ઇનિંગનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે બીજા દિવસે દિવસભર ઉકળાટ અને વાદળોની હડિયાપટ્ટી બાદ સમી સાંજે માત્ર 15 થી 20 મિનિટમાં એક ઇંચ પાણી વરસી ગયું હતું. લોકો વરસાદી વહાલને ઝીલવા નીકળી પડ્યા હતા. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ, જસદણ, ધોરાજી, આટકોટ, વીરનગર, વીરપુરમાં વાદળોની સતત આવનજાવન વચ્ચે હળવાભારે ઝાપટાં વરસતાં રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...