સેક્સવર્કર્સની ધ્રુજાવી દેતી વ્યથા:'ગ્રાહક નશો કરીને આવે, હથિયારોથી રોફ જમાવે છે', SHE ટીમને ગણિકાઓએ પોતાની આપવીતી જણાવી

રાજકોટ9 દિવસ પહેલા

ગુજરાતનાં વિવિધ પોલીસ મથકમાં ખાસ મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમો કાર્યરત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ દરેક પોલીસ મથકમાં SHE ટીમો કાર્યરત છે. જો કે રાજકોટ SHE ટીમ દ્વારા મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સાથે અનોખી કામગીરી શરૂ કરવામાં આવી છે. એમાં SHE ટીમ દ્વારા રેડલાઇટ એરિયામાં પહોંચી ગણિકાઓ સાથે વાતચીત કરી, તેમની સમસ્યાઓ દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં પ્રથમ વખત આ પ્રયાસ કરવામાં આવતાં ગણિકાઓએ મુક્ત મને તેની સમસ્યાઓ જણાવી હતી. એક ગણિકાએ જણાવ્યું હતું કે, ગ્રાહક નશો કરીને આવે છે અને હથિયારો સાથે રોફ જમાવે છે.

SHE ટીમ દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે.
SHE ટીમ દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે.

અમે પોલીસની મદદ માગતા ડરીએ છીએ
આ અંગે એક ગણિકાએ જણાવ્યું હતું, અમે મજબૂરીને કારણે આ વ્યવસાય કરીએ છીએ, પરંતુ અહીં અમારે શહેરભરના નામચીન ગુનેગારોની સાથે વહીવટ કરવાનો હોય છે. તેમજ આ કામ ગેરકાયદે હોવાથી અમારી સાથે કંઈ પણ થઈ શકે છે, અમે પોલીસની મદદ માગતા ડરીએ છીએ. ત્યારે હવે SHE ટીમના આવવાથી અમને ઘણી રાહત થશે, કારણ કે ઘણી વખત અમે અમારી સમસ્યા પોલીસ સ્ટેશનમાં પુરુષ સામે આવીને વર્ણવી શકતા નથી, પણ હવે આ ટીમ સામે અમારી સમસ્યા જણાવી શકશું અને અમને વિશ્વાસ છે કે SHE ટીમ દ્વારા અમારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે.

SHE ટીમમાં કાર્યરત મુક્તાબેન સોંદરવા.
SHE ટીમમાં કાર્યરત મુક્તાબેન સોંદરવા.

અમારી ટીમ આખા રાજકોટમાં કામ કરે છે: SHE ટીમ
આ અંગે રાજકોટ SHE ટીમમાં કાર્યરત મુક્તાબેન સોંદરવાએ કહ્યું હતું કે, ગુજરાતના 4 જિલ્લામાં જે SHE ટીમ કામ કરી રહી છે એ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા છેલ્લા 5 મહિનાથી SHE ટીમ કામ કરી રહી છે અને 5 બોલેરો ફાળવવામાં આવી છે. હું મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. અમારી ટીમ આખા રાજકોટમાં કામ કરે છે અને મહિલાઓને જે પણ મુશ્કેલી આવે તેમાં અમે તેની મદદ કરીએ છીએ.

આ કામ ગેરકાયદે હોવાથી અમે ડરીએ છીએ.
આ કામ ગેરકાયદે હોવાથી અમે ડરીએ છીએ.

પોલીસ સ્ટેશને જઈને શું કરવું એ ખબર નથી
તેમણે વધુમાં જણાવ્યું કે સ્કૂલ, કોલેજ, શાકમાર્કેટ અને અવાવરૂં જગ્યા સહિતની જગ્યાઓ પર અમુક અસામાજિક તત્ત્વો દ્વારા યુવતી અને મહિલાઓની છેડતી કરવામાં આવે ત્યારે અમે પેટ્રોલિંગ દરમિયાન પકડીને પીડિતાઓની મદદ કરીએ છીએ. રાજકોટમાં જે શી ટીમ કામ કરે છે તેણે સૌપ્રથમ રેડ એરિયામાં આવીને અહીં મહિલાઓની સમસ્યા જાણી છે. ઘણી મહિલાઓ જે બોલી નથી શકતી કે પોલીસ સ્ટેશન જઈને શું કહેવું અને શું કરવું એ ખબર નથી તેને અમે જઈને તેની મદદ કરી છે.

રેડ એરિયામાં આવીને અહીં મહિલાઓની સમસ્યા જાણી.
રેડ એરિયામાં આવીને અહીં મહિલાઓની સમસ્યા જાણી.

તમે SHE ટીમની મદદ લઈ શકો છો
એટલું જ નહીં, આ મહિલાઓને અમે અપીલ કરી છે કે, તમને જ્યારે પણ સમસ્યા હોય તો તમે SHE ટીમની મદદ લઈ શકો છો અને અમને જાણ કરજો. તમે શી ટીમનો હેલ્પલાઈન નંબર અથવા પોલીસનો 100 નંબર ડાયલ કરીને અમને જાણ કરી શકો છો. આ મહિલાઓની સમસ્યા જાણતી વખતે જાણવા મળ્યું કે અહીં જ્યારે ગ્રાહક આવે ત્યારે તેઓ ડ્રિંક કરીને આવે છે. જાતીય સતામણી કરે છે અને નાના-મોટા હથિયાર લઈ રોફ પણ જમાવતા હોય છે.

SHE ટીમ બે શિફ્ટમાં કરે છે કામ
રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે કાયદાકીય દ્રષ્ટિએ દરેક જિલ્લામાં SHE ટીમની રચના કરી છે. ત્યારે રાજકોટ શહેરની દુર્ગા શક્તિ SHEની ટીમ વાત કરીએ તો એ બાળકોની મિત્ર, મહિલાઓની સખી અને વડીલોની દીકરી બનીને તેમની સુરક્ષા કરી રહી છે. રાજકોટ શહેરમાં SHE ટીમ હેઠળ આશરે 20થી વધુ મહિલાઓ સવારના 6થી 2 અને બપોરના 2થી રાતના 10 વાગ્યા સુધી એમ બે શિફ્ટમાં કામ કરે છે. SHE ટીમને પાંચ બોલેરો ફાળવવામાં આવી છે જેમાં 2 SHE ટીમના સભ્ય અને 1 મહિલા પોલીસ સતત પેટ્રોલિંગ કરીને મહિલાઓની સુરક્ષા માટે કામ કરી રહી છે.

SHE ટીમ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે કામ કરે છે.
SHE ટીમ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે કામ કરે છે.

SHE ટીમની આવી છે કામગીરી
SHE ટીમ દ્વારા શાળાઓ અને કોલેજોમાં જાતીય સુરક્ષા, સાયબર ક્રાઈમ, સોશિયલ મીડિયા અવેરનેસ અને સેલ્ફ ડીફેન્સના જાગૃતિલક્ષી કાર્યક્રમો કરવામાં આવે છે. આ ઉપરાંત કોલેજોમાં ખાસ કિશોરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ પર ભાર આપે છે. શાળાઓમાં બાળકોને ગુડ ટચ-બેડ ટચની સમજ આપવામાં આવે છે. આ ઉપરાંત ભિક્ષુક બાળકોની માહિતી મેળવીને તેમને ચિલ્ડ્રન ફોર હોમમાં મોકલી આપે છે. વધુમાં ગર્લ્સ હોસ્ટેલ, વૃદ્ધાશ્રમો, જાહેર જગ્યાઓ, સોસાયટી અને અવાવરૂ સ્થળોએ પણ પેટ્રોલિંગ કરવામાં આવે છે.

SHE ટીમને પાંચ બોલેરો ફાળવવામાં આવી છે.
SHE ટીમને પાંચ બોલેરો ફાળવવામાં આવી છે.

કિશોરીઓ માતા-પિતાને જાણ કરી ઘર બહાર નીકળે
કિશોરીઓની સલામતીને લઈને ઉભી થતી સમસ્યાઓ વિશે પોતાનો અનુભવ રજુ કરતાં મુક્તાબેન સોંદરવાએ અગાઉ જણાવ્યું હતું કે, આજની યુવા પેઢીઓ સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. જીવનના ધ્યેયથી ભટકાવી દે તેવો અતિશયોક્તિભર્યો સોશિયલ મીડિયાનો વપરાશ ટાળવો જોઈએ. સામાન્ય નોકરીની લાલાચ, કોઈ સારી વાત કરે તો લાગણીઓમાં વહીને આંધળો વિશ્વાસ કરી મૂકતી હોય છે. ત્યારે યુવતીઓને એક જ અપીલ છે કે કોઈ પણ અજાણી વ્યક્તિઓ પર આંધળો વિશ્વાસ ન કરે. ઘરની બહાર નીકળીએ તો માતા-પિતાને જાણ કરીને નીકળીએ.

SHE ટીમને આ રીતે પણ કોન્ક્ટેક્ટ કરી શકો
SHE ટીમના કહેવા મુજબ મહિલા માટે 181 હેલ્પલાઈન નંબર છે, પરંતુ તેઓ 100 નંબર ઉપર ફોન કરશે તો પણ અમને કંટ્રોલ રૂમ મારફત જાણ કરવામાં આવશે અને તેમના બચાવ માટે તાત્કાલિક ધોરણે પહોંચી જઇશું.

અન્ય સમાચારો પણ છે...