કાર્યવાહી:રાત્રીના 12 વાગ્યાથી જ કર્ફ્યૂનું કડક પાલન કરાવાશે : CP12ના ટકોરે ધોકો પછાડાશે તો મોરચો માંડીશું : હિતાક્ષીબેન

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નેતાઓ સામે આંખ મીચી લેતી પોલીસ નવરાત્રિમાં કાર્યવાહી કરશે તો નારી શક્તિની તાકાત બતાવાશે
  • ​​​​​​​12 વાગ્યે ગરબી બંધ થાય તો, બાળાઓ-કલાકારોને ઘરે પહોંચતા અડધી કલાક તો થાય જ : સરલાબેન

નવરાત્રી મહોત્સવમાં શેરી મહોલ્લાની ગરબીને મંજૂરી આપવામાં આવી છે, રાત્રીના 12 વાગ્યા સુધી ગરબીની છૂટ આપવામાં આવી છે, સામે રાત્રીના 12 વાગ્યાથી કર્ફ્યૂના પાલનની પોલીસ કમિશનરે જાહેરાત કરતા વિવાદના એંધાણ વર્તાઇ રહ્યા છે. મહિલાઓની સામાજિક સંસ્થાઓએ પોલીસ જો રાત્રે 12 વાગ્યે કાયદાનો ધોકો પછાડશે તો તેની સામે મોરચો માંડવાની ચીમકી આપતા આગામી દિવસોમાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણના એંધાણ જોવા મળી રહ્યા છે.

લોક સંસદ વિચાર મંચના હિતાક્ષીબેન વાડોદરિયા અને નારી સુરક્ષા સમિતિના સરલાબેને પાટડિયાએ કહ્યું હતું કે, નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઇ છે, ગત વર્ષે ગરબાને મંજૂરી નહોતી, આ વર્ષે સરકારે કોવિડની ગાઇડલાઇને અનુસરીને શેરી, મહોલ્લા, ફ્લેટ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબાના આયોજનની છૂટ આપી છે, સરકારે 12 વાગ્યા સુધી ગરબાને મંજૂરી આપી છે, સામે પોલીસ કમિશનરે પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ રાત્રીના 12 વાગ્યાથી કર્ફ્યૂ અમલીકરણની જાહેરાત કરવામાં આવી છે, રાત્રે 12 વાગ્યે ગરબી બંધ કરીને ગરબી મંડળની બાળાઓ અને કલાકારો પોતાના ઘરે જાય તો સ્વાભાવિક રીતે અડધોથી પોણો કલાક જેટલો સમય લાગી શકે, આવા સંજોગોમાં રાત્રે 12 વાગ્યે પોલીસ કાયદાનો દંડો ઉગામે તો બાળાઓ અને કલાકારો માટે મુશ્કેલીજનક સ્થિતિ થઇ શકે.

બંને મહિલા આગેવાનોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, રાજકીય કાર્યક્રમ વખતે પોલીસ કાયદાનું પાલન કરાવવાનું ભૂલી જાય છે, નવરાત્રીના રાત્રે 12ના ટકોરે પોલીસ કાયદાનો દંડો ઉગામશે તો સામાજિક સંસ્થાઓ દ્વારા પોલીસ સામે મોરચો માંડવો પડશે અને પોલીસને નારી શક્તિની તાકાત બતાવવામાં આવશે. બીજીબાજુ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવરાત્રીના પર્વની શ્રદ્ધા અને ભાવપૂર્વક ઉજવણી થાય, ઉજવણી શાંતિપૂર્વક અને સલામત માહોલમાં થાય તે માટે પોલીસ પૂરતા પ્રયાસ કરશે, પરંતુ રાત્રીના 12 વાગ્યે કર્ફ્યૂનું પાલન કરવાનું રહેશે અને નિયમભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના આવ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી તહેવારોમાં જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવે છે. સરકારની ગાઈડ લાઈન મુજબ તેનું પાલન પોલીસે કરાવવાનું હોય છે. અત્યાર સુધીમાં કર્ફ્યુ સંદર્ભે તેમજ તહેવારોમાં ગાઈડલાઈનના ભંગ બદલ હજારો લોકો સામે કેસ કરવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો દંડ પણ ઉઘરાવાયો છે. રાજકોટમાં હાલ કોરોનાની સ્થિતિ તળિયે પહોંચી ગઈ છે. શેરી ગરબાને છૂટ આપવામાં આવી છે ત્યારે અગાઉની જેમ નવરાત્રિમાં પણ સામાન્ય નાગરિકને જ જડતાથી કાયદાનું પાલન કરાવાશે તો મહિલા મોરચો મેદાને આવશે અને વિવાદ વકરે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...