તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Crowds Flock To Most Of Saurashtra's Public Places, Hotels As Well As Food And Beverage Markets, Religious Places Including Housefull, Dwarka, Somnath

રજાનો માહોલ:સૌરાષ્ટ્રના મોટા ભાગના જાહેર સ્થળો, હોટેલ્સ તેમજ ખાણીપીણીની બજારો હાઉસફુલ, દ્વારકા, સોમનાથ સહિતના ધાર્મિક સ્થળે લોકોનો ધસારો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ન્યારી ડેમ, આજી ડેમ, પ્રદ્યુમ્નપાર્ક સહિતના સ્થળો પર લોકો પરિવાર સાથે પહોંચ્યા હતા. - Divya Bhaskar
રાજકોટમાં ન્યારી ડેમ, આજી ડેમ, પ્રદ્યુમ્નપાર્ક સહિતના સ્થળો પર લોકો પરિવાર સાથે પહોંચ્યા હતા.

જન્માષ્ટમી તહેવાર પર્વને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો મન ભરીને માણી રહ્યા છે. સૌરાષ્ટ્રના જાહેર સ્થળો જેવા કે સાસણગીર, દ્વારકા, સોમનાથ, દીવ, ગોંડલ પાસે આવેલ અનલગઢ, ઝરિયા મહાદેવ સહિતના ધાર્મિક સ્થળો પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

સાતમ-આઠમમાં આ વર્ષે રવિવારનો સંયોગ અને સોમવારે જન્માષ્ટમીની રજા હોવાથી લોકો સૌરાષ્ટ્રમાં આવેલ પર્યટન સ્થળો પર પરિવાર સાથે જવાનું આયોજન કરી લીધું હતું. તેથી જ સાસણગીર, દીવ, સોમનાથ, દ્વારકા, ગોંડલ પાસે આવેલ અનલગઢ, ઝરિયા મહાદેવ, ચોટીલા, હિંગોળગઢ સહિતના જાહેર સ્થળો પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. હોટેલ્સ તેમજ ખાણીપીણીની બજારો હાઉસફુલ જોવા મળી રહી છે.

છેલ્લા કેટલાક મહિનાથી ધંધા રોજગાર પડી ભાંગ્યા હતા જેને હવે વેગ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના પર્યટન સ્થળો પર આવેલ મોટા ભાગની હોટેલ્સ હાલ તો હાઉસફુલ જોવા મળી રહી છે. તેમજ ખાણીપીણીની બજારમાં પણ લોકો ખાવાના સ્વાદનો આનંદ ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે હોટેલ અને ખાણીપીણીની બજારમાં છેલ્લા ઘણા સમયથી મંદી ચાલી રહી હતી જેને જન્માષ્ટમીનો તહેવારમાં હવે વેગ મળી રહ્યો છે.

ફરવાનું નામ પડે અને રાજકોટિયન્સના મુખ પર ઉત્સાહ જોવા ન મળે તે અશક્ય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા કેસોના કારણે ફરવા લાયક સ્થળો ખાલીખમ જોવા મળતા હતા, પરંતુ આજે બે વર્ષ બાદ કોરોનાના કેસોમાં રાહત થતા સૌરાષ્ટ્રના ફરવા લાયક સ્થળો ફરી ધમધમવા લાગ્યા.

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શહેરની આસપાસના જાહેર સ્થળો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. જેમાં ન્યારી ડેમ, આજી ડેમ, પ્રદ્યુમ્નપાર્ક, રેસકોર્સ સહિતના જાહેર સ્થળો પર લોકો એક દિવસનો પ્રવાસ માણી રહ્યા છે. આ ઉપરાંત સિનેમાઘરોમાં લોકો પરિવાર સાથે ફિલ્મની મજા માણી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાંથી 1.50 લાખથી વધુ લોકો ફરવા ઉપડી ગયા
જન્માષ્ટમી પર્વને કારણે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની બજારની રોનક પરત ફરી છે. જન્માષ્ટમી પર્વમાં રાજકોટમાં યોજાતો લોકમેળો હાલ બંધ હોય લોકોએ બહાર ફરવા જવાનું વધુ પસંદ કર્યું છે. લોકો પોતાના પરિવાર, મિત્રવર્તુળ સાથે રવિવારે સવારથી જ ફરવા માટે નીકળી ગયા છે. ટ્રાવેલ્સ સંચાલકોના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રમાંથી અંદાજિત 1.50 લાખથી વધુ લોકો બહાર ફરવા માટે નીકળ્યા છે.જ્યારે માર્કેટમાં રૂ.50 કરોડથી વધુ રકમનો વકરો થયો છે. સૌરાષ્ટ્રમાંથી લોકો રાજસ્થાન, ગોવા, કચ્છ, લેહ-લદાખ, ગુજરાતમાં ફરવા ગયા છે. રાજકોટની અલગ- અલગ માર્કેટમાં રજા પડી ગઈ હતી. સોનીબજાર, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ, ગુંદાવાડી, કોઠારિયા નાકા સહિતની બજાર હવે અગિયારસની આસપાસ ખૂલશે. લાંબા સમય બાદ જન્માષ્ટમીની ખરીદી માર્કેટમાં નીકળતા વેપારીઓને હાશકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...