ગાઈડલાઈનનો ઉલાળિયો:CMને મળવા રાજકોટ શહેર ભાજપ કાર્યાલય પર કાર્યકરોની ભીડ જામી, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, માસ્કનો નિયમ પણ ભૂલાયો

રાજકોટ9 મહિનો પહેલા
  • CM બન્યા બાદ પહેલીવાર કાર્યાલયે આવતા ઢોલ-નગારા અને બેન્ડવાજાથી સ્વાગત

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. શહેરના મધ્યસ્થ કાર્યાલય ખાતે તેઓ સાંજે કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરવા પહોંચ્યા હતા. આ સમયે તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો એકત્ર થયા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ અમુકે તો માસ્ક પણ પહેર્યા ન હોય તેમ નજરે પડ્યા હતા. કોરોનાની ગાઇડલાઇનનો ઉલાળિયો થતો જોવા મળ્યો હતો.

મુખ્યમંત્રી CM બન્યા બાદ પહેલીવાર કાર્યાલયે આવ્યા
ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા પછી તેઓ પ્રથમવાર રાજકોટ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત લીધી હતી. આથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીનું સ્વાગત ઢોલ-નગારા અને બેન્ડવાજાથી કરવામાં આવ્યું હતું. તેમજ ગુલાબની પાંદડીનો વરસાદ કરી વિજય રૂપાણીનું સ્વાગત કર્યું હતું. આ સમયે કાર્યકરો અને લોકોના ટોળા જોવા મળ્યા હતા.

વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. ત્યારે આજે તેઓ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. તેઓએ દિવસની શરૂઆત ભાજપના સિનિયર નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવાસસ્થાને પહોંચી આશીર્વાદ મેળવી કરી હતી. વિજય રૂપાણી વજુભાઈવાળાને પગે લાગ્યા હતા. વજુભાઇ વાળાએ આ પ્રસંગે 65મા જન્મદિવસ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળતા પૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કરવા બદલ વિજય રૂપાણી તેમજ સમગ્ર રાજ્ય સરકારને અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી.