રાહત:રાજકોટ મનપાના કોમ્યુનિટી હોલના બુકિંગ માટે અરજદારોનો ધસારો, આગામી 3 મહિનામાં લગ્ન, સગાઇ, ધાર્મિક કાર્યક્રમો માટે 460 લોકોએ બુકિંગ કરાવ્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાર્ટી પ્લોટના મોંઘા ભાડાને લઇ લોકો કોમ્યુનિટી હોલનું બુકિંગ કરાવી રહ્યા છે. - Divya Bhaskar
પાર્ટી પ્લોટના મોંઘા ભાડાને લઇ લોકો કોમ્યુનિટી હોલનું બુકિંગ કરાવી રહ્યા છે.
  • હોલ બુકિંગ માટે મનપાની વેબસાઈટ www.rmc.gov.in અને RMC મોબાઈલ એપ પર ઓનલાઈન બુકિંગની સુવિધા

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શહેરમાં કુલ 19 કોમ્યુનિટી હોલ આવેલા છે. જેમાંથી કુલ 27 યુનિટ લગ્ન, સગાઈ, ધાર્મિક પ્રસંગો માટે મહાનગરપાલિકા દ્વારા ભાડે આપવામાં આવે છે. આગામી ત્રણ મહિના માટે કોમ્યુનિટી હોલના બુકિંગ માટે લોકોનો ધસારો વધ્યો છે. અત્યાર સુધીમાં 460 લોકોએ પોતાના પ્રસંગ માટે બુકિંગ કરાવ્યું છે. બે વર્ષથી કોરોનાના કારણે કોમ્યુનિટી હોલ લોકોના પ્રસંગો માટે બંધ હતા. પરંતુ કોરોના હળવો પડતા લોકો પાર્ટીપ્લોટને બદલે કોમ્યુનિટી હોલ બુક કરવામાં રસ દાખવી રહ્યા છે. આથી મનપાએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

લગ્ન પ્રસંગ માટે વધુમાં વધુ 90 દિવસ પહેલા રિઝર્વેશન કરવું જરૂરી
નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુયારી મહિનામાં લગ્ન પ્રસંગના મુહૂર્ત હોવાથી હોલ બુકિંગ માટે મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે. મહાનગરપાલિકાના મોટાભાગના કોમ્યુનિટી હોલનું ભાડુ ગરીબ અને મધ્યમ વર્ગને પોષાય તેવું હોવાથી શહેરીજનો દ્વારા મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલની વધુ પસંદગી કરવામાં આવી રહી છે. લગ્ન પ્રસંગ માટે વધુમાં વધુ 90 દિવસ પહેલા રિઝર્વેશન કરી આપવામાં આવે છે, જ્યારે અન્ય પ્રસંગો માટે 30 દિવસ પહેલા રિઝર્વેશન સ્વીકારવામાં આવે છે.

રાજકોટમાં 19 કોમ્યુનિટી હોલ આવેલા છે.
રાજકોટમાં 19 કોમ્યુનિટી હોલ આવેલા છે.

422 બુકિંગ લગ્ન પ્રસંગ માટે થયા
હોલ બુકિંગ માટે મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in તથા ‘RMC’ મોબાઈલ એપ પર ઓન લાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ એસ્ટેટ વિભાગની ઓફિસ ખાતે ઓફ લાઈન બુકિંગની સુવિધા પણ રાખવામાં આવી છે. આગામી 3 મહિનાના સમયગાળા માટે વિવિધ પ્રસંગો માટે કુલ 460 જેટલા બુકિંગ થયા છે. જેમાં 422 બુકિંગ લગ્ન પ્રસંગ માટે તેમજ 38 બુકિંગ અન્ય પ્રસંગો માટે થયા છે.

317 બુકિંગ ઓનલાઈન થયા
કુલ 460 બુકિંગમાંથી 317 બુકિંગ ઓનલાઈન થયા છે જ્યારે 143 બુકિંગ ઓફિસ ખાતે ઓફલાઈન કરવામાં આવ્યા છે, આમ સરેરાશ 69 ચકા બુકિંગ ઓનલાઈન થયું છે. સૌથી વધુ 70 ટકા બુકિંગ પંડિત દીનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ (પેડક રોડ) માટે થયા છે. નાગરિકોની સુવિધા માટે તારીખની ઉપલ્બધતા, હોલ ભાડુ, બુકિંગ અંગેના નિયમો વગેરે વિગતો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...