કૌભાંડ:રાજકોટમાં આંતરાજ્યમાંથી ચોરાયેલી લક્ઝુરિયસ કાર વેચનાર શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી,રૂ. 23 લાખની ત્રણ લક્ઝુરિયસ કાર કબ્જે

રાજકોટ7 મહિનો પહેલા
આરોપી રાહુલ પટેલ
  • દિલ્હી NCR, ઉત્તરપ્રદેશ, હરીયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજયમાં તસ્કર ટોળકી સક્રિય

રાજકોટ પોલીસે વધુ એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે. જુદા - જુદા રાજ્યોમાંથી ફક્ત લક્ઝુરિયસ કારની ચોરી કરતી ટોળકી પાસેથી કાર ખરીદનાર રાજકોટના પટેલ શખ્સની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને રૂ. 23 લાખની ત્રણ લક્ઝુરિયસ કાર કબ્જે કરી છે. આરોપી ટોળકી રાજસ્થાનની હોવાનું જણાતા એક ટીમ તપાસ માટે રાજસ્થાન પહોંચી છે. ઉપરાંત એ પણ બહાર આવ્યું છે જે આરોપી દિલ્હીની કબાડી બજારમાં ટોળકીના સાગરીતને મળ્યો હતો અને ત્યાં જ ડિલ કરી હતી. જેથી દિલ્હીના નોઈડા અને ઉત્તરપ્રદેશમાં તપાસ લંબાવાઈ છે

લોકડાઉન બાદ વેચી નાખશે તેવો પ્લાન બનાવી કાર પોતાના ગેરેજે રાખી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે,નવા 150 ફુટ રીંગરોડ - 2 પાળ રોડ, ટીલાળા ચોકડી, વાવડીગામના રસ્તા ઉપર આવેલા પારસોલી મોટર ગેરેજમાં ચોરાઉ વાહનો રાખવામાં આવી છે. જેથી ગેરેજ ખાતે દરોડો કરતા પીબી - 7 - ડીઈ 4986 નંબરની કાળા કલરની સ્કોર્પીયો કાર, યુપી - 16 - બીએચ - 8808 નંબરની મરૂન કલરની ટોયોટા ઇનોવા અને યુપી - 15 - સીવી 7708 નંબરની સફેદ કલરની ઓટોમેટીક મારૂતી બ્રેજા કાર મળી આવી હતી.ગેરેજ સંચાલક રાહુલ ભરતભાઇ ધીયાડની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનની ટોળકીના આરોપીઓ રાહુલને ચોરી કરેલી કારો ફાયનાન્સમાંથી ખેંચી હોવાનું કહી વેચવા માટે આપી ગયા હતા. રાહુલે પણ રૂપિયાની લાલચે આ કાર ખરીદી હતી અને લોકડાઉન બાદ વેચી નાખશે તેવો પ્લાન બનાવી કાર પોતાના ગેરેજે રાખી હતી.

ક્રાઈમ બ્રાન્ચે રૂ..23 લાખની ત્રણ લક્ઝુરિયસ કાર કબ્જે કરી
ક્રાઈમ બ્રાન્ચે રૂ..23 લાખની ત્રણ લક્ઝુરિયસ કાર કબ્જે કરી

મોટા પ્રમાણમાં ચોરી થયેલી લક્ઝુરિયસ કાર પણ કબ્જે થઈ શકે છે.
વધુમાં જાણવા મળેલ કે રાજસ્થાનની તસ્કર ગેંગ ફક્ત લક્ઝુરિયસ કારની ચોરી દીલ્હી એનઆરસી, ઉત્તરપ્રદેશ, હરીયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વગેરે રાજયમાંથી કરે છે અને પછી ગુજરાતમાં સસ્તા ભાવે વેચી નાખે છે. આ રેકેટમાં હાલ ગાજીયાબાદ જિલ્લાના ઇન્દ્રાપુરમ, ગૌતમ બુધ્ધનગર નોઇડા સેકટર -49 અને ગૌતમ બુધ્ધનગરના બિસરખ પોલીસ મથક ખાતે નોંધાયેલા કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ દિલ્હીના નોઈડા વિસ્તારમાંથી ચાલુ વર્ષે 10થી 15 લક્ઝુરિયસ કારની ચોરી થઈ છે. નોઈડાના બિસરખ અને સેક્ટર - 49 પોલીસ મથકના અધિકારીઓનો સંપર્ક સાંધતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને આ માહિતી મળી હતી. પોલીસનું અનુમાન છે કે, રાજસ્થાનના આરોપીઓ ઝડપાઈ તો દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં થયેલી અન્ય કાર ચોરીનો ભેદ પણ ઉકેલાઈ શકે છે અને મોટા પ્રમાણમાં ચોરી થયેલી લક્ઝુરિયસ કાર પણ કબ્જે થઈ શકે છે.

હજુ પણ અનેક કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ PI વી.કે. ગઢવીએ જણાવ્યું કે, દીલ્હી એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વગેરે રાજયોમાંથી લક્ઝુરિયસ ફોર વ્હીલ ગાડીઓની ચોરીઓ કરી ગુજરાત સહિત અન્ય રાજયોમાં વેચાણ થતું હોય જેથી આ બાબતે ગ્રાઉન્ડથી ટોપ સુધીમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરી ગુજરાત સહીત જુદા - જુદા રાજયોના અનડીટેક ફોર વ્હીલ ચોરીઓના ગુનાઓ બાબતે સ્થાનિક પોલીસની મદદ લઇ તપાસ કરવામાં આવશે, તેમજ ગુજરાતમાં અન્ય જગ્યાઓએ ચોરીના વાહનો વેચવામાં આવ્યા છે કે કેમ ? વગેરે બાબતની તપાસ કરવામાં આવશે. હજુ પણ અનેક કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...