ફરજમાં રૂકાવટ:પડધરીના મોવિયામાં PGVCLના 3 ઇજનેર પર હુમલો કરનાર ભાજપ નેતા સહિત 5 સામે ગુનો નોંધાયો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના નેતા ધીરૂ તળપદા સહિત પાંચ સામે ગુનો નોંધાયો. - Divya Bhaskar
ભાજપના નેતા ધીરૂ તળપદા સહિત પાંચ સામે ગુનો નોંધાયો.
  • ભોગ બનનાર ઇજનેરે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

રાજકોટના પડધરી તાલુકાના મોવિયા ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલા PGVCLના 3 ઇજનેર પર ભાજપના નેતા સહિત 40 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક ઇજનેરને કાનમાં બહેરાશ આવી ગઈ હતી અને આંખમાં ગંભીર ઇજા પહોંચી છે. આ અંગે પડધરી પોલીસમાં ઇજનેર ભાર્ગવ નંદાલ પુરોહિતે ભાજપના નેતા ધીરુભાઈ તળપદા, ચિરાગ તળપદા, ભારતીબેન તળપદા, જીજ્ઞાબેન તળપદા અને રમેશ તળપદા સામે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધાવ્યો છે. જોકે ભાજપના નેતા ધીરૂ તળપદા સહિતના આરોપીઓના જામીન નામંજૂર થયા છે. હવે ધીરૂ તળપદા સહિત આરોપીઓ જેલ ભેગા થશે.

ઇજનેર ભાર્ગવ પુરોહિતે ફરિયાદ નોંધાવી
પડધરી પોલીસ ઇજનેર ભાર્ગવ પુરોહિતની ફરિયાદ પરથી આ તમામ આરોપી સામે કલમ 332, 86, 353 341, 504, 143, 147, 148, 549 તથા જીપી એક્ટ 20 મ 135 મુજબ ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, અપશબ્દો બોલી આરોપી ધીરુ તળપદા અને ચિરાગ તળપદાએ ફરિયાદીને આડેધડ માર માર્યો હતો. આથી ફરિયાદીને માથામાં, મોઢાના ભાગે, ડાબી આંખે, ડાબા કાને ગંભીર ઇજા પહોંચી છે.

11 મેએ વહેલી સવારે ચેકિંગમાં ગયા હતા
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 11 મેના રોજ વહેલી સવારે ઉપરી અધિકારીની સુચના મુજબ પડધરી ખાતે કોર્પોરેટ વીજ ચેકિંગ ડ્રાઇવમાં લાઇન મેન સતીષભાઇ ગોવિંદભાઇ સોંદરવા અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ જગદીશભાઇ નાનજીભાઇ વઘેરા સાથે ગયા હતા. પડધરી તાલુકાના મોવિયા ગામ ગયા ત્યારે મેપાભાઇ તળપદાના ઘરે વીજ ચેકિંગમાં હતા ત્યારે ધીરૂભાઇ મેપાભાઇ તળપદા અને તેમના પત્ની મારતીબેન અમારી પાસે આવ્યા હતા અને અમને ગાળો આપવા લાગ્યા હતા અને વીજ ચેકિંગ કરવા દીધું નહોતું. તેમજ ફરજમાં રૂકાવટ કરી મને ધક્કા મારી બહાર કાઢ્યા હતા. આથી અમોને માર મારશે તેવો ડર લાગતા અમે તેના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.

ઇજનેરને આંખમાં ગંભીર ઇજા પહોંચી છે.
ઇજનેરને આંખમાં ગંભીર ઇજા પહોંચી છે.

મહિલાઓએ લાકડીથી માર માર્યો હતો
અમે બહાર ઉભા હતા ત્યારે ધીરૂ તળપદા, ચિરાગ તળપદા, ભારતીબેન ધીરૂ તળપદા, જીજ્ઞાબેન ચેતનભાઈ તળપદા અને રમેશ તળપદા ગેકાયદેસર મંડળી રચી અમારી પાસે આવ્યા હતા. બાદમાં ફરી આ તમામ આરોપીઓએ ગાળાગાળી કરી અહીંયા તમારાથી કેમ વીજ ચેકિંગ કરવા અવાય? તેમ કહી અમને વીજ ચેકિંગ કરતા અટકાવ્યા હતા. બાદમાં અમારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આરોપીઓએ આડેધડ હાથાપાઇ કરી માથાના ભાગે, ડાબી આંખે અને ડાબા કાને માર મારતા મારી ડાબી આંખ લાલ થઇ ગઈ હતી. તેમજ અમારી સાથેના નાયબ ઇજનેર કિર્તીભાઇને આરોપી ભારતીબેન અને જીજ્ઞાબેને લાકડીથી માર માર્યો હતો. તેમજ ભારતીબેને જુનિયર ઇજનેર અંકુરભાઈને ડાબા પગે નળાના ભાગે લાકડીથી માર મારતા મૂંઢ ઈજા થઈ છે. આ સમયે ગામના લોકો ભેગા થવા લાગતા એમને અહીં રહેવું હિતાવહ ન લાગતા અમે નીકળી ગયા હતા. બાદમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.