એક જ દિવસમાં રમતાં-રમતાં 2 યુવાન જિંદગી હાર્યા:રાજકોટમાં ક્રિકેટરને બોલ વાગતાં હાર્ટ ફેઇલ, ફૂટબોલમાં ગોલ પૂરો કરે એ પહેલાં વિદ્યાર્થીને હાર્ટ-એટેક આવ્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોત ક્યા, ક્યારે અને કેવી રીતે આવી ટપકે એ કોઈ પામી શકતું નથી, આવા જ બે કિસ્સા રાજકોટ શહેરમાં બન્યા છે. ગઈકાલે રેસકોર્સ મેદાનમાં સવારે ટેનિસ બોલથી ક્રિકેટ મેચમાં બેટિંગ દરમિયાન યુવકને બોલ વાગ્યા બાદ તેણે રનર રાખ્યો હતો. ઇજા બાદ 22 રન કરી આઉટ થયેલો યુવક પોતાની કારમાં બેસીને મેચ જોતો હતો એ વખતે જ તેનું હાર્ટ ફેઇલ થઇ ગયું હતું અને તે ઢળી પડ્યો હતો. યુવકને તાકીદે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજા બનાવમાં મારવાડી કોલેજમાં ગઇકાલે સાંજે 7.30 વાગ્યા આસપાસ ફૂટબોલ રમતો વિદ્યાર્થી ગોલ પૂરો કરે એ પહેલાં ઢળી પડ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલ ખસેડાતાં ડોક્ટરે હાર્ટ-એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું.

યુવક મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો
ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતો રવિ ગાવડા નામનો યુવક રવિવારે સવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો અને સ્થાનિક ટીમ સાથે ટેનિસ બોલથી ક્રિકેટની મેચ રાખી હતો, રવિ બેટિંગમાં આવ્યો ત્યારે તેને ટેનિસનો બોલ લાગતાં તે ઇન્જર્ડ થયો હતો અને શ્વાસ ચડવા લાગતાં તેણે રનર રાખ્યો હતો, ઇજા થવા છતાં બેટિંગ કરીને 22 રન બનાવી તે આઉટ થયો હતો, આઉટ થતાં જ પોતાની ટીમના અન્ય સભ્યો સાથે બેઠો હતો.

ક્રિકેટ રમતા રવિની જિંદગીની ઇનિંગ પૂરી થઈ
પરંતુ તેને છાતીમાં સહેજ દુખાવો ઊપડતાં તે બાજુમાં પાર્ક કરેલી પોતાની કારમાં જઈને બેઠો હતો અને મેચ જોતો હતો, અચાનક જ રવિ કારમાંથી નીચે ફંગોળાયો હતો અને બેભાન થઇ ગયો હતો. આ દૃશ્ય જોઇ તેના મિત્રોએ મેચ અટકાવી તેની પાસે દોડી ગયા હતા અને છાતીમાં પમ્પિંગ શરૂ કરી તેને કારમાં જ હોસ્પિટલે લઇ ગયા હતા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે રવિ મોબાઇલના કવરનો વેપાર કરતો હતો અને તેને બે સંતાન છે, ક્રિકેટ રમતા રવિની જિંદગીની ઇનિંગ પૂરી થઈ ગયાના સમાચાર મળતાં પરિવારજનોએ કરેલા આક્રંદથી ગમગીની છવાઈ હતી.

મારવાડી કોલેજના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોત
બીજી ઘટનામાં મૂળ ઓડિશાના વતની, હાલ ગાંધીધામ રહેતા અને રાજકોટની મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિવેકકુમાર ભાસ્કર નામનો વિદ્યાર્થી ગઈકાલે સાંજે 7:30 કલાકે મારવાડી કોલેજના કેમ્પસમાં ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમતો હતો. ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ અહીં સારવાર મળે એ પૂર્વે જ તેનું મોત થયું હતું.

વિવેકકુમાર બે ભાઈ મોટો હતો
તબીબોએ વિવેકકુમારનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું જણાવ્યું હતું. મૃતક વિવેકકુમાર બે ભાઈમાં મોટો હતો, તેના પિતા નિવૃત્ત આર્મીમેન છે અને ગાંધીધામની એક કંપનીમાં નોકરી કરે છે. આ બનાવની જાણ થતાં તેઓ રાજકોટ દોડી આવ્યા હતા.

ગોકુલનગર આવાસમાં ઠંડીથી આધેડનું મોત
રાજકોટ શહેરમાં ઠંડીને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. શહેરના ગોકુલધામ આવાસના ક્વાર્ટર નંબર 92માં રહેતા શૈલેષભાઈ ભટ્ટ (ઉં.વ.49)નું મોત થયાનું સામે આવ્યું છે. રાત્રિના સમયે ઘરમાં દરવાજો બંધ કરી સૂતા હતા ત્યારે પરિવારજનો દ્વારા ફોન કરવામાં આવ્યો હતો. ફોન ન ઉપાડતાં રૂબરૂ જોતાં અંદર શૈલેષભાઈનો મૃતદેહ જોવા મળ્યો હતો, જેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ઠંડીથી મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં એક આધેડનું ઠંડીથી અને 2 યુવાનના હાર્ટ-એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.

હાર્ટ-એટેકમાં મૃત્યુ પામનારાં ડો. શોભા મિશ્રાની ફાઈલ તસવીર.
હાર્ટ-એટેકમાં મૃત્યુ પામનારાં ડો. શોભા મિશ્રાની ફાઈલ તસવીર.

બે દિવસ પહેલાં મેડિકલ કોલેજના પ્રોફેસરનું હાર્ટ-એટેકથી મોત થયું હતું
રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ડો.શોભા મિશ્રાનું બે દિવસ પહેલાં મોત થયાનું સામે આવતાં સાચું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં પ્રાથમિક તારણ મુજબ ડો. શોભા મિશ્રાનું હાર્ટ-એટેકથી મોત થયાનું સામે આવ્યું હતું. રાજકોટ શહેરના રેસકોર્સ પાર્કમાં રહેતાં મેડિકલ કોલેજનાં PSM વિભાગનાં વડાં ડો. શોભા મિશ્રા ઘરનું બારણું શુક્રવારે સવારથી ખૂલ્યું ન હતું. ઇન્ટર્ની ડોક્ટર તરીકે ફરજ બજાવતી તેની પુત્રી ગોધરાથી ફોન કરતી હતી, પરંતુ માતા શોભાબેનનો ફોન રિસીવ થયો નહોતો. અનેક પ્રયાસ થતાં માતા સાથે સંપર્ક નહીં થતાં પુત્રીએ પાડોશીને ફોન કરતાં તેમણે બારણું ખટખટાવ્યું હતું, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો, કંઇક અજુગતું થયાની શંકા ઊઠતાં પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને મેડિકલ કોલેજનો સ્ટાફ પણ ત્યાં દોડી ગયો હતો.

તાજેતરમાં રાજકોટમાં ઠંડીથી છાત્રાનું લોહી જામી જતાં મોત થયું હતું
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ગગડતાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે. ત્યારે 11 દિવસ પહેલાં જ ગોંડલ રોડ પર એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણમાં 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ-સંચાલકોએ તાકીદે સ્કૂલવેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસે મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

વાંચો શું હતો સમગ્ર બનાવ
આ બનાવની વિગત એવી છે કે રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં શેરી નંબર 4માં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગર (ઉં.વ.17)એ આજે 11 દિવસ પહેલાં સવારે 7.10 વાગ્યા આસપાસ સ્કૂલ-વેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. 7.30ની આસપાસ સ્કૂલે પહોંચીને પ્રાર્થનાખંડમાં પ્રાર્થના કરી હતી. બાદમાં ધોરણ 8ના ક્લાસમાં પ્રવેશ્યા બાદ રિયાને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ-સંચાલકોએ 108ને જાણ કરી હતી. આમ છતાં સમયસૂચકતા દાખવી સ્કૂલ-સંચાલકોએ રિયાને બેશુદ્ધ હાલતમાં સ્કૂલ-વેનમાં બેસાડી તાકીદે દોશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે ઇસીજી રિપોર્ટ કર્યા બાદ રિયાને મૃત જાહેર કરી હતી.

મારી દીકરી 10 જ મિનિટમાં જતી રહી મને છોડીને: માતા
રિયાની માતા જાનકીબેને જણાવ્યું હતું કે આવી દુ:ખદ ઘટના કોઈપણ સાથે ન થાય એટલા માટે મારું કહેવું છે સ્કૂલવાળાને કે શિયાળામાં બની શકે તો સ્કૂલનો ટાઈમ તમે મોડો રાખો, સવારના વહેલો ના રાખો. છોકરાઓને આટલી કડકડતી ઠંડીમાં આવવું પડે, ઇવન તમે એને સ્વેટર પહેરવા માટે મજબૂર કરો કે એ સ્કૂલના જ સ્વેરટ પહેરીને આવે. છોકરાઓ એમાં ઠંડી ના ઝીલી શકે. જાડા જેકેટ પહેરીને આવે તો આવા દો એને. આવું ના કરો અને બની શકે તો મોડો જ રાખો સ્કૂલનો ટાઈમ. એટલી મારી રિકવેસ્ટ છે. મેં મારી ફૂલ જેવી દીકરીને ખોઈ નાખી છે. મારી દીકરીને કોઈ હૃદયની નહીં, કોઈપણ જાતનો એને રૂંવાડે પણ રોગ નહોતો. આ બ્લડ જામી ગયું એના હૃદયમાં, એને લીધે એની બધી નળીઓ બંધ થઈ ગઈ. એમાં મારી દીકરી 10 જ મિનિટમાં જતી રહી મને છોડીને...

રિયાના મૃતદેહને પીએમમાં ખસેડાતાં હાર્ટ-એટેકથી મોત થયાનું બહાર આવ્યું હતું.
રિયાના મૃતદેહને પીએમમાં ખસેડાતાં હાર્ટ-એટેકથી મોત થયાનું બહાર આવ્યું હતું.

હાર્ટ-એટેકના બનાવો શા માટે વધ્યા?
રાજકોટ શહેરના જૂના અને જાણીતા હાર્ટ-સ્પેશિયાલિસ્ટ ડો.રાજેશ તેલીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોરોના દરમિયાન જોવા મળ્યું હતું કે દર્દીઓનું લોહી જાડું થઈ જતું હતું. ડી ડાયમર ટેસ્ટ કરવામાં આવતાં એ જાણી શકાતું હતું. કોરોના દરમિયાન પણ હાર્ટ-એટેકથી મોતના ઘણા કેસ સામે આવ્યા હતા. કોરોના પછીના સમયની અંદર જે લોકોને ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલ જેવા રોગ હોય તો તેઓ પર હાર્ટ-એટેક જોખમ વધુ રહે છે. આવા દર્દીઓએ સમયાંતરે ચેકઅપ કરાવી તબીબોની સૂચના મુજબ સારવાર લેવી જોઈએ.

ખાસ એક્સર્સાઈઝ ટ્રેડમિલ ચેક કરવું
ડો.રાજેશ તેલીએ વધુમાં જણાવ્યું હતું કે જે લોકોને કોરોના થઈ ગયો છે અને જે લોકોની ઉંમર 30 વર્ષથી વધારે છે તે લોકોએ ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવી ખાસ એક એક્સર્સાઈઝ ટ્રેડમિલ ચેક કરવું જોઈએ. આ સાથે જ બ્લડના રિપોર્ટ, બ્લડપ્રેશરનો રિપોર્ટ અને કોલેસ્ટેરોલનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ, જેથી એકાએક હાર્ટ-એટેકનો અને અચાનક મૃત્યુનો સામનો ન કરવો પડે.

યુવાનોમાં હાર્ટ-એટેક વધ્યા (પ્રતીકાત્મક તસવીર)
યુવાનોમાં હાર્ટ-એટેક વધ્યા (પ્રતીકાત્મક તસવીર)

ઠંડીમાં હૃદયની બીમારીવાળાં બાળકો પર જોખમ
જ્યારે બાળકોમાં હાર્ટ-એટેકના બનાવ અંગે વાત કરતાં ડો. રાજેશ તેલીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે નાની ઉંમરનાં બાળકોમાં હાર્ટ-એટેકના બનાવો જોવા મળતા નથી. જ્યારે બાળકને જન્મથી હૃદયનો વાલ્વ સાંકડો હોય, હૃદયની નીચે પડદો જાડો થઈ ગયો હોય અથવા હૃદયમાં કોઈ ખામી હોય તેવા કેસમાં બાળકોમાં હાર્ટ-એટેકના બનાવ બનતા હોય છે. ખાસ ઠંડીનું પ્રમાણ વધે ત્યારે આવાં બાળકોમાં હાર્ટ-એટેકના બનાવ વધવાની પૂરી શક્યતા છે.

બાળકોને તણાવ આપવાથી મુશ્કેલી વધી શકે છે
ડો. રાજેશ તેલીએ વધુમાં જણાવ્યું હતું કે બાળકોમાં 0.1 ટકા અને એડલ્ટમાં 2થી 3 ટકા કેસ જોવા મળે છે, પણ તેમના અપવાદરૂપ કિસ્સા હોય છે. બાળકોને તણાવ આપવાથી મુશ્કેલી વધી શકે છે. આ અટકાવવા માટે વાલીઓ અને શિક્ષકોએ અગત્યનો ભાગ ભજવવાનો છે. શિક્ષણનો સ્પર્ધાત્મક બોજો બાળકની માનસિક અને તંદુરસ્તીના વિકાસ માટે જોખમી સાબિત થઈ શકે છે. અભ્યાસનો બોજો એવો ન જોઈએ કે તેના શોખ અને આવડત મુજબ તેને અભ્યાસ ન કરવા દેવો.

બને ત્યાં સુધી જંકફૂડ, ફાસ્ટફૂડ અને પ્રિઝર્વેટિંવ ફૂડ ખાવાનું ટાળો.
બને ત્યાં સુધી જંકફૂડ, ફાસ્ટફૂડ અને પ્રિઝર્વેટિંવ ફૂડ ખાવાનું ટાળો.

ઘરમાં નિયમિત લીલોતરી શાકભાજી આરોગો
ઉલ્લેખનીય છે કે ખોરાકમાં પણ વધતા જતા જંકફૂડ, ફાસ્ટફૂડ અને પ્રિઝર્વેટિંવ ફૂડ આરોગવાને કારણે બાળકો અને યુવાનોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી બને છે. ખાસ આ બધા જંકફૂડ, ફાસ્ટફૂડ અને પ્રિઝર્વેટિંવ ફૂડ બને ત્યાં સુધી ખાવાનું ટાળવું જોઈએ. ઘરમાં નિયમિત લીલોતરી શાકભાજી અને દરરોજ પૌષ્ટિક આહાર લેવો જોઈએ. આ સાથે ફ્રૂટ્સ અને કઠોળ વધુ પ્રમાણમાં ખવાય એવું પણ આયોજન કરવું જોઇએ, જેથી રોગ પ્રતિકારક શક્તિ સારી રીતે જળવાય રહે.

અન્ય સમાચારો પણ છે...