એશિયા કપ અંતર્ગત આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 મુકાબલો થનાર છે. જેને લઈ ભારત-પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વમાં ઉત્તેજના જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં પણ બરાબરનો ક્રિકેટ ફીવર જામ્યો છે. શહેરનાં રેસકોર્સ ખાતેની ક્રિકેટ એકેડમીમાં ભાવિ ક્રિકેટરોએ તો ‘જીતેગા ભાઈ જીતેગા, ભારતવાલા જીતેગા’નાં નારા લગાવ્યા હતા. સાથે એકેડમીનાં કોચ કૌશિક અઢીયાએ ભારત માત્ર જીત જ નહીં મેળવે પરંતુ સારા માર્જિનથી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ એકેડમીમાં તાલીમ લઈ રહેલા બાળકોએ પણ વિરાટ કોહલી સહિતનાં ખેલાડીઓ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
વિરાટ કોહલીનો પાકિસ્તાન સામે ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો છે
એકેડમીનાં કોચ કૌશિક અઢીયાએ જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાનનાં આ મેચને લઈને છેલ્લા ઘણા દિવસોથી એકેડમીનાં બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચમાં ભારતનો વિજય નિશ્ચિત છે. આપણા ઓપનિંગ ખેલાડીઓ રોહિત શર્મા અને કે. એલ. રાહુલ એકદમ મોટા માર્જિનથી ભારતને જીત અપાવશે. મને તો એવું લાગે છે કે, રોહિત શર્મા છેક સુધી ક્રીઝ પર ટકી રહેશે. બીજી ખાસ વાત કે, વિરાટ કોહલી અન્ય કોઈ દેશ સામે ચાલે કે નહીં પાકિસ્તાન સામે હંમેશા તેનો દેખાવ ઉત્કૃષ્ટ રહ્યો છે. આજે પણ વિરાટ પોતાનો જાદુ ચલાવી પાકિસ્તાનનાં દાંત ખાટા કરી નાખશે. બોલિંગની વાત કરીએ તો આપણો ભુવનેશ્વર કુમાર, યજુવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા સહિતના પોતાનું ફોર્મ બતાવી પાકિસ્તાનને હરાવશે. તેમાં પણ ભારતની સારા માર્જિનથી રેકોર્ડબ્રેક જીતનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.
આપણા ઓપનિંગ બેટ્સમેનો જ 200 કરતા વધુ રન કરશે
બીજીતરફ એકેડમીનાં વિદ્યાર્થીઓએ પણ ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે, આપણા ઓપનિંગ બેટ્સમેનો જ 200 કરતા વધુ રન કરશે. તેમની પાછળ પણ કોહલી, સૂર્યકુમાર યાદવ અને પંત મળીને સારું ફિનિશીંગ આપશે. સાથે ચહલ, જાડેજા અને ભુવનેશ્વરકુમાર સટાસટી બધી વિકેટો ખેડવી પાકિસ્તાન સામે ખૂબ મોટા માર્જિનથી જીત મેળવશે. આ તકે મહિલા ક્રિકેટર બનવા ઇચ્છતી એંજલે કહ્યું હતું કે, આ મેચ નિહાળવા અમે ઉત્સુક છીએ. રાહુલ અને રોહિત સારું ઓપનિંગ કરશે. આ સિવાય વિરાટ કોહલી પણ પાકિસ્તાનને તેના બેટનો જાદુ બતાવશે. તેમજ આપણા બોલેરો પણ સારી બોલિંગ કરીને ભારતને ભવ્ય જીત અપાવશે.
2021માં ભારતની ટીમ પાકિસ્તાન સામે ટકરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચથી એશિયા કપ શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આજે રમાનાર છે. ત્યારે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકો માટે તો આજથી જ એશિયા કપ શરૂ થયો ગણાશે. અંદાજે 9 મહિના પછી બન્ને ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ રહી છે. આ પહેલા બન્ને ટીમ 2021ના T-20 વર્લ્ડ કપમાં ટકરાઈ હતી. આ મેચ રમનાર ભારતનાં ખેલાડીઓનો અનુભવ તેમજ પૂર્વ પરફોર્મન્સ પણ ઘણું સારું હોવાથી મેચમાં ભારતની જીત નિશ્ચિત હોવાનું અનુભવીઓ પણ જણાવી રહ્યા છે.
શહેરની હોટલમાં ક્રિકેટરસિકોએ તિરંગા સાથે ઉજવણી કરી
આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 મેચનો મુકાબલો છે. ત્યારે રાજકોટની એક ખાનગી હોટલમાં ક્રિકેટ રસિકોએ ભારતીય ટીમનો જુસ્સો વધારવા માટે તિરંગા સાથે ઉજવણી કરી હતી. તેમજ ઢોલ-નગારા અને બલૂન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજ સુધી વૈશ્વિક સિરીઝોમાં ભારતનો જ હાથ ઉપર રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.