માનવ શરીરમાં કિડની મહત્ત્વનું અંગ છે પણ આ અંગ ખરાબ થાય ત્યાં સુધી લોકોને તેનો ખ્યાલ જ નથી આવતો અને પછી સમસ્યા શરૂ થાય છે અને ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય છે. રાજકોટના અગ્રણી તબીબો ડો. જિતેન્દ્ર અમલાણી, ડો. સંજય પંડ્યા અને ડો. દિવ્યેશ વિરોજા સાથે કિડની અંગે ચર્ચા કરતા જાણવા મળ્યું હતું કે, 70થી 90 ટકા સુધી કિડની ફેલ થઇ જાય ત્યાં સુધી કોઇને ખબર નથી પડતી. મોટાભાગે કિડનીના ટેસ્ટ માટે ક્રિએટિન લેવલ જોવાય છે પણ ક્રિએટિન સ્ટોર કરવાની ક્ષમતા કિડનીમાં વધારે હોય છે તેથી 70 ટકા સુધી તો લેવલ નોર્મલ જ આવે છે.
આવી સ્થિતિમાં લોકોએ શું કરવું તે વિશે તબીબોએ કહ્યું હતું કે, મોટાભાગના કેસમાં બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓને કિડનીની સમસ્યા વધુ રહેતી હોય છે તેથી તેઓએ નિયમિત કિડનીની તપાસ કરાવવી જોઇએ આ માટે યુરિન ટેસ્ટ કરવા જોઈએ. યુરિનમાં પ્રોટીનનું પ્રમાણ સહિતની બાબતોથી પણ કિડનીની સ્થિતિ જાણી શકાય છે.
પુરુષોમાં બ્લડપ્રેશરનું પ્રમાણ હોવાથી કિડની દાન નથી કરી શકતા
શરીરમાં બે કિડની હોય છે અને એક કિડની પર પણ જીવિત રહી શકાય છે. આ માટે એવા કોઇ દર્દી કે જેની બે કિડની ફેલ થઈ ગઈ હોય છે તેમને તેમના પરિવારમાંથી કોઇ એક વ્યક્તિ કિડનીનું દાન આપે તો તેમનો જીવ બચી શકે છે. પણ મોટાભાગના કેસમાં જે કિડની દેવા તૈયાર થાય છે તે પુરુષોમાં બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસની તકલીફ હોય છે અને બ્લડપ્રેશરની દવા ચાલતી હોય તેમની કિડની લઈ શકાતી નથી આ કારણે મહિલા સભ્યોને કિડની આપવા માટે સમજાવવામાં આવે છે.
આ લક્ષણો જણાય તો તબીબોનો સંપર્ક કરવો
નબળાઈ, વારંવાર થાક લાગવો, ખોરાકમાં અરુચિ, ઊલટી-ઉબકા, આંખ-મોં-પગ પર સોજા, નાની ઉંમરે હાઇ બ્લડપ્રેશર દવા લેવા છતાં ઘટવું નહિ, લોહીમાં ફિક્કાશ, યુરિનમાં તકલીફ ફીણ આવવા તેમજ રાત્રે વધુ પ્રમાણમાં જવું પડે.
કિડની રોગથી બચવા તબીબોએ બતાવેલા સૂચનો
નિયમિત કસરત કરવી, પૌષ્ટિક ખોરાક લેવો, મીઠું ઘટાડવું, બ્લડપ્રેશર 130/80થી ઓછું રહે તેવા પ્રયત્નો રાખવા, પાણી વધારે પીવું, ધૂમ્રપાન બંધ કરવું, તબીબની સલાહ વગર કોઇ દવા ન લેવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.