સાયબર ક્રાઇમ:મિત્રના નામનું ખોટું FB એકાઉન્ટ બનાવી શિક્ષક સાથે છેતરપિંડી કરી

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ‘મારું એક્સિડન્ટ થયું છે, સારવાર માટે પૈસાની જરૂરિયાત છે’ વગર વિચાર્યે શિક્ષકે માણસાઇ દાખવી ઓનલાઇન 50 હજાર આપી દીધા

સોશિયલ મીડિયાના માધ્યમથી યૂઝર્સ સાથે છેતરપિંડી થતી હોવાના બનાવો વધી રહ્યા છે. વધુ એક બનાવમાં શિક્ષક સાથે ફેસબુકના માધ્યમથી અડધા લાખની છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ફરિયાદને પગલે પોલીસે તપાસ શરૂ કરી રાજસ્થાનથી રામહંસ કિરોડીમલ જાટવને પકડી પાડી ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી સાથે અન્ય શખ્સોની પણ સંડોવણી હોય પોલીસે સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રૈયારોડ, કર્મચારી સોસાયટી-1માં રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા કશ્યપભાઇ દિનેશભાઇ પંચોલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.20ના રોજ તેઓ ફેસબુક પર ઓનલાઇન હતા. ત્યારે ફેસબુક ફ્રેન્ડ જેનિસભાઇ વાછાણીના એકાઉન્ટમાંથી મેસેન્જર કોલ આવ્યો હતો, પરંતુ તેમાં સ્પષ્ટ અવાજ નહિ આવતા કોલ કપાઇ ગયો હતો.

થોડી વાર બાદ મિત્રના એકાઉન્ટમાં મેસેજ આવ્યો કે, મારું અત્યારે એક્સિડન્ટ થયું છે, મારો પરિવાર સાથે છે, સારવાર માટે પૈસાની જરૂરિયાત છે. જેથી મિત્રતાના દાવે પોતે હોસ્પિટલ આવી જવા કહ્યું હતું. ત્યારે વળતો મેસેજ એવો આવ્યો કે, નાના કર્ફ્યૂમાં બહાર નહિ નીકળતા અને તેને મને બે એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડની વિગતો મોકલી તેમા તાત્કાલિક ઓનલાઇન નાણાં જમા કરાવવાનું કહ્યું હતું, પરંતુ પોતે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા ન હોવાથી અન્ય એક મિત્રને વાત કરી હતી. જેથી તેને ઓનલાઇન 20 અને 30 એમ કુલ રૂ.50 હજારનું ટ્રાન્ઝેક્શન કરી આપ્યું હતું.

બાદમાં સવારે મિત્ર જેનિસ વાછાણીને ફોન કરી તમે કહ્યા મુજબ પૈસા જમા કરાવી દીધા છે, હવે તબિયત કેવી છે તેવું પૂછતા તબિયત સારી હોવાનું અને શેના પૈસા ટ્રાન્સફર કર્યા તેમ કહેતા તેને સઘળી હકીકત જણાવી હતી. જેથી જેનિસ વાછાણીએ તેનું ફેસબુક એકાઉન્ટ ચેક કરતા ફોટો તેનો જ હતો પરંતુ એકાઉન્ટ ફેક હોવાનું કહ્યું હતું. તપાસ કરવા ફેસબુકમાં તે એકાઉન્ટ ચેક કરતા તે એકાઉન્ટ પણ ડીએક્ટિવેટ થઇ ગયું હતું. જેથી પોતાની સાથે છેતરપિંડી થયાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમ બ્રાંચે ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...