ફરિયાદ:બીજા લગ્નમાં પણ તિરાડ, પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિનો પરિણીતા પર ત્રાસ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તારા જન્માક્ષર મારા દીકરા સાથે મળતા નથી : સાસુના મેણાં-ટોણાં
  • મામાજી અને માસીજી પણ પતિની​​​​​​​ ચડામણી કરતા હોવાની ફરિયાદ કરાઈ

શહેરની વધુ એક પરિણીતા પતિ સહિતના સાસરિયાઓના ત્રાસનો ભોગ બનતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. મંગળા મેઇન રોડ પર છેલ્લા સાત મહિનાથી માવતરે રહેતી સ્નેહલ નામની પરિણીતાએ પૂના રહેતા પતિ શ્રીકાંત ચંદ્રકાંતભાઇ રાવલ, દિયર જયકિશન, સાસુ પલ્લવીબેન, જામનગર રહેતા મામાજી સુનિલભાઇ જન્મશંકરભાઇ ભટ્ટ અને પોરબંદરના ભાવનાબેન અશોકભાઇ પંડ્યા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, પ્રથમ લગ્નના છૂટાછેડા બાદ છ વર્ષ પહેલા શ્રીકાંત સાથે લગ્ન થયા છે.

લગ્નજીવન દરમિયાન પુત્ર છે. લગ્નના થોડા સમય બાદ જ પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની જાણ થઇ હતી. જે અંગે પતિને વાત કરતા તેને શિવાની નામની મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનું અને તેની સાથે લગ્ન કરવા હોવાની વાત કરી હતી. જેનો વિરોધ કરતા પતિ દારૂ પીને આવી પોતાને ત્રાસ આપી ઝઘડા કરતા રહેતા હતા. આ સમયે સાસુ, દિયર પણ તારા જન્માક્ષર મારા દીકરા સાથે મળતા નથી તેવા મેણાં મારતા હતા. અને તેઓ પોતાને સ્વીકારવા તૈયાર ન હોવાનું કહેતા.

જ્યારે મામાજી પતિ શ્રીકાંતને ફોન પર ચડામણી કરતા રહેતા હોવાથી પતિ શ્રીકાંત પોતાને કહેતા કે તારા વિશે મામાએ મને ઘણું કીધું છે, તારા અગાઉના છૂટાછેડાનું કારણ પણ મને ખબર છે. બાકી રહેતું હોય તેમ પોરબંદર રહેતા માસીજી ભાવનાબેન પણ શ્રીકાંત અને સ્નેહલના છૂટાછેડા કરાવી આપું તેમ સાસુને ફોન પર ચડામણી કરતા રહેતા હતા.

અન્ય કિસ્સો : કેસનું સમાધાન કર્યા બાદ પણ પરિણીતાને ત્રાસ
સંતકબીર રોડ, બાળેશ્વર સોસાયટીમાં રહેતી મીના નામની પરિણીતાએ ચુનારાવાડ, લાખાજીરાજ ઉદ્યોગનગર-13માં રહેતા પતિ કમલેશ લાલભાઇ દેસાણી, સાસુ ગૌરીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં, 2015માં લગ્ન થયા બાદ સાસુ મેં મારી દીકરીને કેટલું બધું કરિયાવરમાં આપ્યું છે, તું કાંઇ લાવી નથી તેમ કહી ત્રાસ આપતા હતા.

દીકરીનો જન્મ થતા વધુ ત્રાસ આપવાનું ચાલુ કર્યું. બાદમાં અઢી વર્ષ પહેલા પોતે પુત્રીને લઇ પિયર આવી ગઇ હતી અને ખાધાખોરાકી મેળવવા કોર્ટમાં કેસ કર્યો હતો, પરંતુ પતિ અને સાસુએ તે કેસમાં સમાધાન કરી પરત સાસરે લઇ ગયા હતા. ત્યારે બે મહિના પૂર્વે ભાતમાં પાણી રહી જતા પતિએ પોતાને માર મારતા ફરી પિયર આવી ગઇ હતી અને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...