95 લાખનું તોડ પ્રકરણ:CPએ કહ્યું, મેં DCPને તપાસ સોંપી દીધી છે, DCP મીણા કહે છે કે, મને લેખિત આદેશ નથી

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ફાઈલ તસવીર
  • કમિશનબાજીના આક્ષેપો થયા એ પછી રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ખૂન અને ‘તોડ’ જેવા ગંભીર કેસમાં પણ ગંભીરતા દાખવતા નથી

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઈમ બ્રાન્ચના બેથી વધુ અધિકારીઓ સામે કમિશનબાજીની તપાસ ચાલી રહી છે ત્યારે કુખ્યાત બૂટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી નામના શખ્સને ખૂન જેવા ગંભીર ગુનામાં રાહત આપવા માટે 95 લાખનો તોડ કર્યા અંગેના અહેવાલ ‘દિવ્ય ભાસ્કરે’ પ્રસિદ્ધ કર્યા હતા.

ત્યારબાદ, પોલીસ કમિશનર અગ્રવાલને પૂછવામાં આવ્યું કે, આ ઘટના અંગે આપનું શું કહેવું થાય છે., ત્યારે તેઓએ કહ્યું હતું કે, આ કેસની તપાસ મે ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણાને સોંપી છે. જો કે ડીસીપી ઝોન-1 મીણાનો ટેલિફોન પર સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર અગ્રવાલનો મને ફોન હતો અને મામલો શું છે તે જોવાની મૌખિક સુચના આપી છે. તપાસ અંગે કંઈ કહ્યું નથી અને લેખિતમાં કોઈ સુચના પણ આપવામાં આવી નથી.

આમ તોડ અને ખૂન જેવા ગંભીર કેસમાં પોલીસની બેદરકારી અને લાંચવૃત્તિ હોવા છતાં પોલીસ કમિશનરની ‘નરોવા કુંજરવો’ની નીતિની ભારે ટીકા થઈ રહી છે. ત્યારે, હત્યા કેસ અને તોડ મામલાની તપાસ અન્ય એજન્સી અથવા તો સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવે તો ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ શકે. જો કે આ કેસમાં રાજકોટના પોલીસ કમિશનર જ ગંભીરતા ન દાખવતા હોવાનું ચિત્ર ખડું થયું છે. બીજીબાજુ પીઆઈ સહિત આખી ક્રાઈમ બ્રાન્ચના વિસર્જનની વહેંતી થયેલી વાત અંગે સીપી અગ્રવાલે કહ્યું હતું કે હાલના તબક્કે આવી કોઈ વિચારણા નથી.

DGનો રિપોર્ટ કદાચ કોઈને ‘સહાય’ નહીં કરી શકે
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે લેખિત રજૂઆત કરી હતી કે, પોલીસ કમિશનર અગ્રવાલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સખિયાબંધુ પાસેથી 75 લાખ રૂપિયાનો તોડ કર્યો છે. આ કેસની તપાસ ડી.જી. વિકાસ સહાયને સોંપવામાં આવી છે. તેઓએ મોટાભાગના લોકોના નિવેદન લઈ લીધા છે પરંતુ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હોમઆઈસોલેટ છે ત્યારે એક એવી ચર્ચા શરૂ થઈ છે કે, સહાયના રિપોર્ટમાં ટોપ-ટુ-બોટમ કોઈને પણ ‘સહાય’ ન મળે તેવી પૂરેપૂરી સંભાવના છે.

લાંચિયાઓ સામે ઝુંબેશ ચલાવાશે: કરણી સેના
રાજકોટના પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચ પર લાંચના મુદે્ પસ્તાળ પડી રહી છે રોજ નવા નવા પ્રકરણો બહાર આવી રહ્યા છે ત્યારે કરણી સેનાએ પણ હવે ઝંપલાવ્યું છે અને ગુજરાતના અધ્યક્ષ જે.પી. જાડેજાએ ચીમકી આપી છે કે, પોલીસ ખાતાના લાંચિયા અધિકારીઓ સામે ગુજરાતભરમાં ઝુંબેશ ચલાવવામાં આવશે અને જરૂર પડ્યે એસીબી તથા સીબીઆઈનો પણ સહાયો લેવામાં આવશે. ભોગ બનેલા લોકોને કરણી સેનાનો સંપર્ક કરવા પણ આ તકે જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...