ડિઝાઇન મંજૂર કરાઇ:શ્રાવણમાં ગાયો મરી રહી છે, પ્રમુખે પશુપાલન તંત્રની કામગીરી બિરદાવી, સભ્યોએ તાળીઓ વગાડી !

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7.30 કરોડના વિકાસકામોને બહાલી, નવા બિલ્ડિંગની ડિઝાઇન મંજૂર કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા શુક્રવારે પ્રશ્નોત્તરી વગરની યોજાયેલી ખાસ સામાન્ય સભા નિર્ધારિત કામગીરી અંતર્ગત 7.30 કરોડના વિકાસકામોને બહાલી તેમજ રૂ. 45 કરોડના ખર્ચે બનનારા જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગની ડિઝાઇનને મંજૂરીની મહોર સાથે 17 મિનિટમાં આટોપી લેવામાં આવી હતી. વિરોધપક્ષની સબળ નેતાગીરીના અભાવ વચ્ચે વિરોધનો કોઇ મુદ્દો ઉઠ્યો ન હતો ! હાલ શ્રાવણ મહિનામાં લમ્પીને કારણે ગૌમાતાઓના મૃત્યુ થઇ રહ્યા છે ત્યારે પ્રમુખ ભૂપત બોદરે પશુપાલન તંત્રની કામગીરી બિરદાવતા સભ્યોએ તાળીઓ વગાડી હતી! આ તકે અંતે હવે જિલ્લા પંચાયતની મેજ ડાયરીનું વિમોચન પણ કરાયું હતું.

સામાન્ય સભામાં આયોજન હસ્તકના ગ્રામ્ય વિસ્તારોના પાણી, રોડ, રસ્તા, કોઝ-વે સહિતના વિકાસકામો માટે રૂ.7.30 કરોડના વિકાસકામોને બહાલી આપી હતી. નવું બિલ્ડિંગ રૂ.45 કરોડના ખર્ચે 18500 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનવા જઇ રહ્યું છે. ચાર માળનું બિલ્ડિંગ સોલાર રૂફટોપ સહિતની સુવિધા સાથે અત્યંત હાઇટેક બનશે તેવો દાવો કરાયો હતો. આ બિલ્ડિંગની ડિઝાઇન મંજૂર કરી હતી. છેલ્લે પ્રોજેક્ટર દ્વારા ડિઝાઇન દર્શાવી હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ડિઝાઇન તૈયાર થઇ ગઇ હોવાથી બિલ્ડિંગ તૈયાર થવામાં કામ શરૂ થયાથી દોઢ વર્ષનો સમય લાગશે.

આ બિલ્ડિંગમાં પહેલા માળે આરોગ્ય શાખા, આરોગ્ય સ્ટોર, કેન્ટિન, બીજા માળે વિકાસ શાખા તથા હિસાબી બ્રાન્ચ સહિતની શાખા એ સિવાય 350થી વધુ લોકો બેસી શકે તેવો હોલ, ત્રીજા માળે સિંચાઇ, આંકડા, પશુપાલન અને ખેતીવાડી શાખા, ચોથા માળે બાંધકામ વિભાગ તથા ફાઇલ સ્ટોર તથા ભવિષ્યમાં વધારાના બે માળ પણ ઊભા કરી શકાશે તેવી ડિઝાઇન તૈયાર કરી છે. પ્રમુખ ભૂપત બોદરે કહ્યું હતું કે, ગામડાંઓમાં આપણે જે સરકારી ધોરણે મફત લમ્પીની રસી આપીએ છીએ તેના રૂ.100 લેવાતા હોવાની ફરિયાદ છે, પશુપાલન વિભાગને કહેવાનું કે, આવો કોઇ ચાર્જ છે જ નહીં.

મફત જ આપીએ છીએ. સામે પશુપાલન અધિકારી ખાનપરાએ જણાવ્યું હતું કે, આપણે ફ્રીમાં જ આપીએ છીએ. સદસ્યોએ કહ્યું હતું કે, ખાનગી ધોરણે રસીનો ચાર્જ લેવાતો હોય અથવા તો વેટરનિટી ડોક્ટર વાહનના પેટ્રોલના ચાર્જ પેટે પૈસા લેવામાં આવતા હોય તેવું બની શકે, આ વિગતો સાંભળી જિલ્લા પંચાયત પ્રમુખે આવો કોઇ ચાર્જ વસૂલાવો ન જોઇએ તેવી તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...