કોરોના રાજકોટ LIVE:દિવાળીના તહેવાર બાદ કોરોના કેસમાં વધારો આજે 2 કેસ, સપ્તાહમાં કુલ 13 કેસ નોંધાયા, ત્રીજી લહેરની દસ્તકનો ભય

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવી.
  • ગઇકાલે શહેરના વોર્ડ નં.9માં આવેલા હરિનગરમાં રહેતા 60 વર્ષીય બે વૃદ્ધા અને એક વૃદ્ધ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

દિવાળીના તહેવાર બાદ રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આજે પણ શહેરમાં 2 કેસ નોંધાયા છે. તેની આ સપ્તાહમાં કુલ 13 નોંધાયા છે. આજે વોર્ડ નં.8માં નિર્મલા રોડ પર આવેલી યોગીનિકેતન સોસાયટીમાં 56 અને 58 વર્ષીય પ્રૌઢ સંક્રમિત થયા છે. આ સોસાયટીમાં તાજેતરમાં જ કેસો નોંધાયા હતા. જેથી વિસ્તારવાસીઓમાં ફફડાટ છે. વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તબિયત સ્થિર હોવાથી બન્ને દર્દીઓને હાલ હોમ આઇસોલેટ કરાયા છે. તેમના પરિવારજનોએ પણ વેક્સિન લીધેલી છે અને સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરાયાનું મનપાના આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

દૈનિક 2 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવશે
​​​​​​​
શહેરમાં ગઇકાલે 3 કેસ નોંધાયા હતા અને છેલ્લા 4 દિવસમાં 11 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 13 થતા છેલ્લા ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા તે ફરી ખોલવામાં આવ્યા છે. હાલ આ હોસ્પિટલમાં 2 દર્દી સારવાર લઇ રહ્યા છે. ગઇકાલે મુંબઇથી રાજકોટ પરત ફરેલા એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેસ વધવા લાગતા હવે રોજ 2 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવશે.

ગઇકાલે બે વૃદ્ધા અને એક વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ગઇકાલે શહેરના વોર્ડ નં.9માં આવેલા હરિનગરમાં રહેતા 60 વર્ષીય બે વૃદ્ધા અને એક વૃદ્ધ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડી ગયું હતું. તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ હાથ ધરાઇ છે. ત્રણેય સંક્રમિતોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. કોર્પોરેશન વિસ્તારમાં હાલ 11 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 42857 પર પહોંચી છે.

આજે બપોર સુધીમાં એક પણ કેસ નહીં
આજે રાજકોટ શહેરમાં બપોર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. તેમજ આજ દિવસ સુધીમાં રિકવરી રેટ 98.90 ટકા અને પોઝિટિવિટી રેટ 2.94 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં 14,56,885 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

મનપાએ ટેસ્ટિંગ વધાર્યું
ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારોમાં રાજકોટથી બહાર ફરવા ગયેલા લોકો માટે મનપાએ રેલવે સ્ટેશન, બસપોર્ટ અને એરપોર્ટ પર ટેસ્ટિંગ અને સ્ક્રિનિંગની કામગીરી વધારી દીધી છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તેવા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શહેરમાં પણ ટેસ્ટિંગ વધારીને 2000 સુધીનું કરી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...