તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોર્ટનો 12 મિનિટની VCમાં ચુકાદો, માતાની હત્યા કરનાર પુત્રને આજીવન કેદની સજા

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફાળદંગ ગામે ત્રણ વર્ષ પૂર્વે જનેતાએ પૈસા નહીં આપતા કુપુત્રએ ધોકા ફટકારી હત્યા કરી હતી
  • 3 વર્ષ પૂર્વે મૃતકના મૌખિક મરણોન્મુખ નિવેદનને ગ્રાહ્ય રાખી જજે આરોપીને ફટકારી સજા

વૈશ્વિક મહામારી વચ્ચે રાજકોટની અદાલતે ત્રણ વર્ષ પૂર્વેના હત્યાના બનાવનો કેસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચલાવી 12 જ મિનિટમાં બંને પક્ષની દલીલો, રજૂઆત સાંભળ્યા બાદ આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. રાજકોટ તાલુકાના ફાળદંગ ગામે રહેતા મણિબેન બચુભાઇ ગોહેલ નામના વૃદ્ધાની તા.26-10-2017ના રોજ તેના જ પુત્ર બાલુ બચુભાઇ ગોહેલે ધોકા ફટકારી માતાને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બનાવ અંગે મૃતકના પાંચ પુત્ર પૈકી બીજા નંબરની વિધવા પુત્રવધૂ ભાનુબેન હમીરભાઇ ગોહેલે તેના દિયર બાલુ સામે ફરિયાદ નોંધાવતા કુવાડવા રોડ પોલીસે આઇપીસી 302, જીપી એક્ટ 135ની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લઇ પૂછપરછ કરતા તેને માતાની હત્યા કર્યાની કબૂલાત આપતા ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. દરમિયાન ગુરુવારે આ કેસ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શરૂ કરવામાં આવ્યો હતો.

સૌ પ્રથમ આરોપી પક્ષની અદાલતે દલીલો અને રજૂઆત સાંભળી હતી. બાદમાં ફરિયાદપક્ષે રોકાયેલા જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ બનાવ બાદ મૃતકે તેમના પુત્રવધૂને જણાવેલી વિગતને મરણોન્મુખ નિવેદન તરીકે ગણવામાં આવે તેવી રજૂઆત કરી છે. બંને પક્ષની રજૂઆતોને સાંભળ્યા બાદ અધિક સેશન્સ જજ બી.એ.વોરાએ મૃતકના મૌખિક મરણોન્મુખ નિવેદનને ગ્રાહ્ય રાખી માતાની હત્યા કરનાર પુત્ર બાલુને દોષિત ઠેરવી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેને આજીવન કેદની સજા સંભળાવી હતી.

વૃદ્ધાએ તેમના પુત્રવધૂને આપવીતી વર્ણવી હતી
સાસુની હત્યા બાદ પુત્રવધૂ ભાનુબેને નોંધાવેલી ફરિયાદમાં, સસરાના મૃત્યુ બાદ સાસુ મણિબેન નજીકમાં જ તેઓ એકલા રહેતા હતા. અને તેમની સેવા-ચાકરી ભાઇઓ કરતા હતા. દરમિયાન બનાવના દિવસે તેઓ સવારે સાસુને ચા-પાણી દેવા ગયા હતા. ત્યારે તેઓ ખાટલામાંથી ઊભા થઇ નહીં શકતા તેમણે કહ્યું કે, રાતે બાલુ ઘરે આવ્યો હતો અને ચાવી તેમજ પૈસા માગ્યા હતા. પરંતુ મારી પાસે પૈસા નહીં હોવાનું કહેતા બાલુએ તમાચા મારી ગુપ્ત ભાગમાં લાકડાંના ધોકાના ઘા ફટકાર્યાનું કહ્યું હતું. જેથી તપાસતા સાસુના કપડાં લોહીવાળા જોવા મળ્યા હતા. સાસુના કપડાં બદલાવ્યા બાદ તેમને દવાખાને લઇ જવાનું કહ્યું હતું, પરંતુ સાસુએ દવાખાને જવાની ના પાડતા પોતે ઘરે જતા રહ્યાં હતા. બાદમાં બપોરે ફરી સાસુ પાસે ઘરે જતા તેઓ સુતા હતા. જગાડવા છતાં તેઓ ઉઠ્યા ન હતા. તપાસ કરતા તેમનું મોત નીપજ્યાનું જાણવા મળતા પરિવારજનોને જાણ કરી હતી.

જિલ્લા સરકારી વકીલે 4 વર્ષમાં 37મી સજા કરાવી
રાજકોટની અદાલતમાં જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા સંજય કે.વોરાએ તેમના ચાર વર્ષના કાર્યકાળમાં 37મી સજા આરોપીને અપાવડાવી ન્યાય અપાવ્યો છે. જેમાં એક ફાંસીની સજાનો પણ સમાવેશ થાય છે. ચાર વર્ષમાં 400થી વધુ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ગંભીર કેસમાં સંડોવાયેલા આરોપીઓની 250થી વધુ જામીન અરજી નામંજૂર કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...