યુવા વકીલોને કાનૂની લડતમાં સફળતા:રાજકોટમાં પેન્ડિંગ ઇ-મેમોની ઉઘરાણીમાં કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી, 6 મહિના જૂના ઇ-મેમો રદ કરવા આદેશ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુવા લોયર્સ એસોસિએશન દ્વારા કાનૂની લડત આપવામાં આવી હતી. - Divya Bhaskar
યુવા લોયર્સ એસોસિએશન દ્વારા કાનૂની લડત આપવામાં આવી હતી.
  • યુવા લોયર્સ એસોસિએશને સીસીટીવી પરથી આપવામાં આવતા ઇ-મેમો મામલે લડત ચલાવી હતી

રાજકોટ શહેર પોલીસ દ્વારા ઇ-મેમોનાં બાકી દંડની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટના યુવા એડવોકેટ દ્વારા કાનૂની લડત શરૂ કરવામાં આવી હતી. આ કાનૂની લડતમાં તેઓને મોટી સફળતા મળી છે. જેમાં પેન્ડિંગ ઇ-મેમોની ઉઘરાણી મામલે નામદાર કોર્ટ દ્વારા પોલીસની ઝાટકણી કાઢવામાં આવી છે. આ સાથે મેમો આપ્યા પછી છ માસમાં એનસી કેસ દાખલ નહીં થાય તો મેમો રદ કરવાના આદેશો આપ્યા છે. જેને લઈને પોલીસ હવે માત્ર મેમો આપી શકશે, સ્થળ પર રકમની વસૂલાત કરી શકશે નહીં.

સીસીટીવી કેમેરાનો વાહનચાલકોની વિરૂદ્ધઃ યુવા વકીલ
યુવા લોયર્સ એસોસિએશનના પ્રમુખ કિરીટ નકુમનાં જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી રાજકોટનાં રાજમાર્ગો પર સીસીટીવી કેમેરાઓ લગાડવામાં આવ્યા છે. જે કેમેરાઓનો ઉપયોગ વાહનચાલકો-પ્રજાજનો વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે. હકિકતે સીસીટીવી કેમેરાઓ નાખવાનો ઉદેશ લોકોના જાનમાલના રક્ષણ કરવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દબાણો અટકાવવા માટે હતો. પરંતુ આ સીસીટીવી કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખૂબ જ મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને ટ્રાફિક પોલીસ દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી માટે કરવામાં આવતો હતો.

યુવા વકીલોને મળેલા ઇ-મેમો રદ કરવા કોર્ટમાં ફોજદારી દાખલ કરી હતી
યુવા લોયર્સ એસોસિએશન દ્વારા ઇ-મેમો સંદર્ભે ઘણા સમયથી કાનૂની લડત શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટના યુવા લોયર્સના કન્વીનર હેમાંશુ પારેખ તથા ક્ષત્રિય આગેવાન એડવોકેટ ગીરીરાજસિંહ જાડેજા દ્વારા પોતાને મળેલા અલગ અલગ ઇ-મેમો (ટ્રાફિક વાયોલેશન નોટિસ) રદ કરવા માટે રાજકોટની નામદાર અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં નામદાર અદાલતે ફરિયાદ રજીસ્ટરે લઈ રાજકોટ પોલીસ કમીશનર, આસિસ્ટન્ટ કમીશનર ઓફ પોલીસ અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના જવાબદાર અધિકારીને નોટિસ ફટકારી અદાલતમાં જવાબ રજૂ કરવા જણાવ્યું હતું.

ટ્રાફિક એસીપી કોર્ટમાં હાજર રહ્યા હતા
સમગ્ર મામલે એસીપી ટ્રાફિક દ્વારા કોર્ટમાં હાજર થઈ સરકારી વકીલ મારફત જવાબ રજૂ કરાયો હતો. જે અંતર્ગત અદાલતમાં રજુઆત તેમજ કાયદાકીય દલિલો કરવામાં આવી હતી. આ રજુઆતો બાદ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો કે, જેટલા અનડીસ્પોઝ ઈ-ચલણ છે તે સીઆરપીસી 468 મુજબ 6 માસની લિમિટેશન મુજબના અદાલતમાં એનસી તરીકે ૨જુ કરવાના રહેશે. આ અંગે કોર્ટમાં દરરોજ કાર્યવાહી ચાલશે. આ હુકમની જાણ અદાલત દ્વારા પોલીસ કમીશનર, એ.સી.પી. (ટ્રાકિક) અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને પણ કરવામાં આવી છે. જેને લઈને પોલીસે હવે મેમો આપ્યા પછી છ માસમાં એનસી કેસ દાખલ કરવાનો રહેશે અને જો આમ ન થાય તો મેમો રદ ગણાશે.

અદાલતનાં હુકમ અનુસાર કાયદાના આધારો
1. નામદાર સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા માર્ગદર્શક ચુકાદાઓ આપ્યા છે જે ચુકાદાઓ મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા 1995 (1) એસ.સી.સી. 304ના ચુકાદામાં તેવું જણાવેલ છે કે, દંડ કરવાની સત્તા માત્ર સેક્શન 116 દ્વારા ક્રિમિનલ કોર્ટને જ છે. કોઈપણ ઓફિસર કોઈ દંડ જાતે કરી શકતા નથી અને નામદાર કોર્ટ પણ આવી ફરીયાદ આવે ત્યારે જ તેને સ્વીકારી શકે છે.

2. એ.આઈ.આર. 2000 (બોમ્બે) 246 બોમ્બે હાઈકોર્ટના ચુકાદા મુજબ જે કેસમાં દંડની જોગવાઇ હોય તે દંડ ફોજદારી કાર્યવાહી કર્યા બાદ જ થઈ શકે. અધિકારીઓને દંડ કરવાની કોઈ સત્તા નથી. તે પ્રકારનો સિદ્ધાંત ઉપરોક્ત ચુકાદામાં પ્રતિપાદીત થયો છે.

3. સી.આર.પી.સી. 468 મુજબ કોઈપણ સરકારી લેણું વસુલવા માટે જે કલમમાં દંડની જોગવાઇ હોય તેમાં વધુમાં વધુ 6 માસમાં તંત્ર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવો પડે. જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે તો તે સરકારી લેણું (દંડ) આપોઆપ લિમિટેશન એક્ટ મુજબ રદ થવાને પાત્ર છે.

આગળની સુનવણીમાં ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા
આમ કાયદાઓની સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાયદાકીય સમજણ આપ્યા વગર ખોટી કાયદાકીય વાતો કરીને સમાધાન શુલ્કના નામે પ્રજાજનો પાસેથી મોટી રકમો વસુલ કરવામાં આવે છે. જેની સામે પણ યુવા લોયર્સ એસોસિએશન નામદાર કોર્ટમાં ફરિયાદો દાખલ કરવાની તૈયારીમાં છે. તેમજ સમાધાન શુલ્કની ૨કમો મોટી ન હોવી જોઈએ, માનવતા અભિગમ દાખવી પ્રજાજનોને ઓછી રકમમાં સમાધાન શુલ્ક સ્વીકારવું જોઈએ તેવી અનેક રજુઆતો પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે આગળની સુનવણીમાં ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...