રાજકોટના પડધરી તાલુકાના મોવિયા ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલા PGVCLના 3 ઇજનેર પર ભાજપના નેતા સહિત 40 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો.આ મુદ્દે પડધરી પોલીસમાં ઈજાગ્રસ્ત ઇજનેર ભાર્ગવ પુરોહિતે ભાજપના નેતા ધીરુ તળપદા, ચિરાગ તળપદા, ભારતીબેન તળપદા, જીજ્ઞાબેન તળપદા અને રમેશ તળપદા સામે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધાવ્યો છે. જેથી ભાજપના નેતા ધીરુ તળપદાએ કોર્ટમાં જમીનની અરજી પણ કરી હતી જે કોર્ટે ફગાવી દેતા આરોપીઓના જામીન નામંજૂર થયા છે. આ ઉપરાંત કોર્ટમાં PGVCL દ્વારા ભાજપ નેતાના ઘરમાં રૂ.8 લાખની વીજચોરી ઝડપાઈ હોવાની વાત પણ રજૂ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં PGVCLની 96 ટીમ દ્વારા ચેકીંગ ડ્રાઈવ યથાવત
ઉલ્લેખનીય છે કે PGVCL દ્વારા આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ , ભાવનગર અને મોરબી સર્કલ હેઠળ ડિવિઝનમાં વહેલી સવારથી વીજ ચોરી ઝડપી લેવા માટે અલગ અલગ 96 ટીમો ઉતારી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે 8 વાગ્યાથી જૂનાગઢ , ભાવનગર અને મોરબી ડિવિઝનમાં PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી PGVCL દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી PGVCLને થતી નુકસાની અટકાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને વીજચોરી અંગે માહિતી આપવા ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
સવારે 8 વાગ્યાથી ચેકીંગ શરુ
રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા સતત એક મહિનાથી PGVCL દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજ રોજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ , ભાવનગર અને મોરબી ડિવિઝન ખાતે કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ 96 ટીમો દ્વારા આજે સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં 35 ટીમ, ભાવનગરમાં 35 ટીમ અને જૂનાગઢ સર્કલમાં 26 ટીમ દ્વારા 8 જેટલા સબ ડિવિઝન આવરી લેવામાં આવ્યા છે.
વીજચોરીની માહિતી આપવા નંબર જાહેર
આ અગાઉ PGVCL દ્વારા વીજ ચોરી અંગેની માહિતી આપવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં મોબાઈલ નં. 9925214022 પર જાણ કરી શકાય છે. ઉપરાંત PGVCL ની સબ ડીવીઝન, ડીવીઝન તેમજ સર્કલ ઓફીસમાં પણ વીજ ચોરી કરનારની માહિતી આપી શકાય છે. ઉલ્લેખનીય છે કે માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવે છે. PGVCL લોકોને વીજ ચોરી ચાલતી હોય તો તે અંગે જાણકારી આપવા નમ્ર અપીલ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.