2017માં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને કોંગી રાજકીય અગ્રણી હાર્દિક પટેલે રાજકોટના પાટીદાર સમાજના વોર્ડ નં. 8, 9 અને 10માં રહેતા લોકોનું દિવાળીના તહેવાર પછીનું સ્નેહમિલન રાખવાની અરજી કરી હતી. પરંતુ આનાથી વિપરીત મહાક્રાંતિના બેનર હેઠળ મંજૂરી વગર ગેરકાયદેસર સભા યોજી રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો નોંધાયો હતો. હાર્દિક પટેલ વિરૂદ્ધ ચૂંટણી અધિકારી પી.આર. જાની દ્વારા ફરિયાદી બની હાર્દિક પટેલ વિરૂદ્ધ આપેલી ફરિયાદવાળા ગુનાના આરોપીએ પોતાના વિરૂદ્ધના પ્રોસિડીંગ ડ્રોપ કરવા આપેલી અરજી મંજૂર કરી હાર્દીક પટેલ સામેના પ્રોસિડીંગ ડ્રોપ કરતો હુકમ રાજકોટના એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ એસ.એમ. ક્રિષ્ટીએ ફરમાવ્યો છે.
સભાની મંજૂરી મેળવવા અરજી કરી હતી પણ મંજૂરી મળી નહોતી
હાર્દિક પટેલે અને તેની સાથેના તુષાર નંદાણી, હેમાંગ પટેલ, નવનીત રામાણી, અમીત ભાણવડીયા સહિતનાઓએ પાટીદાર સમાજના રાજકોટ શહેર વોર્ડ નં. 8, 9 અને 10માં રહેતા ભાઇઓ તથા બહેનોનું દિવાળીના તહેવાર પછીનું સ્નેહમિલન/સભા રાખવાની હોય જેમાં સમાજના આગેવાનો સંબોધન કરશે તેવી સભાની મંજૂરી મેળવવા અરજી કરી હતી. જેમાં મંજૂરી મળેલી ન હોવા છતાં તે હેતુથી વિપરીત મહાક્રાંતિના બેનર હેઠળ કોઇ પણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર નાનામવા ચોકડીએ સભા યોજી ગેરકાયદેસર મંડળી બનાવી સભાનું આયોજન કરી સભા યોજી હતી.
પ્રોસિડીંગ ડ્રોપ કરવા રાજકોટની અદાલતમાં અરજી કરી હતી
રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા આ અંગે ચૂંટણી અધિકારી, 69-રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી પી.આર. જાની જાતે ફરિયાદી બની માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ, તુષાર નંદાણી, તેમજ અન્ય આગેવાનો વિરૂદ્ધ IPC કલમ 143, 188 હેઠળ ફરિયાદ આપી હતી. આ તપાસના અંતે હાર્દિક પટેલ વિરૂદ્ધ IPC કલમ 143, 188 હેઠળ ફરિયાદ આપી હતી. આ તપાસના અંતે હાર્દિક પટેલ વિરૂદ્ધ મુખ્ય ચાર્જશીટ કરી તપાસમાં મળી આવી હતી. અન્ય આરોપીઓ તુષાર નંદાણી, હેમાંગ પટેલ, નવનીત રામાણી, અમીત ભાણવડિયાનાઓ વિરૂદ્ધ સપ્લીમેન્ટરી ચાર્જશીટ કરવામાં આવી હતી. આરોપીઓ પૈકી હાર્દિક પટેલે પોતાની સામેના ઉપરોક્ત ગુનાના કામે પ્રોસિડીંગ તેના એડવોકેટ સુરેશ ફળદુ મારફત ચેલેન્જ કરી પ્રોસિડીંગ ડ્રોપ કરવા રાજકોટની અદાલતમાં અરજી કરી હતી.
આરોપીઓ સામે કલમ 143 અને કલમ 188 મુજબનો ચાર્જ છે
બંને પક્ષની રજુઆતો, રેકર્ડ પરની હકિકતો અને વડી અદાલતો તથા એપેક્ષ કોર્ટના ચૂકાદાઓની હકિકતો તથા કાયદામાં પ્રસ્થાપીત થયેલા સિદ્ધાંતો લક્ષે લેતા આ કામે આરોપી સામે જાહેરનામા ભંગની જે કાર્યવાહી થયેલી છે તે અનુસંધાને આરોપી સામે કલમ 143 અને કલમ 188 મુજબનો ચાર્જ છે. આ કામે કલમ 143 હેઠળની ગેરકાયદેસર મંડળીનો હેતુ સભા યોજી જાહેરનામાનો ભંગ કરવાનો હતો અને આથી આ બંને ગુનાઓ અલગ-અલગ નથી. જુદા જુદા નથી અને અલગ કરી શકાય તેમ નથી. પરંતુ એક જ ઇન્ટીગ્રલ પાર્ટ ફોર્મ કરે છે. આ સંજોગોમાં સી.આર.પી.સી. કલમ 195નો બાધ આવતો હોય રાજ્ય સેવકની લેખિત ફરિયાદ સિવાય કોગ્નીઝન્સ લઇ શકાય તેમ ન હોવાનું માની હાર્દિક પટેલની પ્રોસિડીંગ ડ્રોપ કરવાની અરજી મંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.