આદેશ:પારડીમાં ગૌચર પર દબાણ દૂર કરવા કોર્ટનો હુકમ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરકારી જમીનોમાં પ્લોટિંગ પાડી વેચી નાંખતા પારડી યુવક મંડળે કરી હતી ફરિયાદ

રાજકોટમાં અનેક સ્થળોએ ભૂમાફિયાઓએ દબાણ કર્યા છે પણ તંત્ર સાથેની સાઠગાંઠને કારણે તેનો કોઇ વિકલ્પ નીકળતો નથી. જોકે લોધિકાના પારડી ગામના યુવાનોએ ઝુંબેશ ઉપાડી કાનૂની લડત ચલાવતા ભૂમાફિયાઓના કબજામાં રહેલી ગૌચરની જમીન ખાલી કરાવવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે. આ કાર્યવાહી કરવા માટે સમયગાળો પણ અપાયો છે. કાર્યવાહી થતા સરવે નં.3, 8, 61, 76, 126, 146, 153, 189, 512, 554 નંબરની 40 વીઘા જેટલી ગૌચરની જમીન મુક્ત થશે. કોર્ટે ગ્રામ પંચાયતને કબજો ખાલી કરવા જવાબદારી સોંપી છે.

રાજકોટના લોધિકા તાલુકામાં આવેલું પારડી ગામ ગોંડલ હાઈવે રોડ પર છે અને તેની આસપાસ મોટો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી ભૂમાફિયાઓની નજરમાં આવી ચૂક્યું છે. ગૌચરની જમીન પર આડેધડ પ્લોટિંગ કરીને પરપ્રાંતીય મજૂરોને સસ્તા ભાવનું કહીને સરકારી જમીનો વેચી નાંખી હતી. આમ છતાં ગ્રામપંચાયતે કોઇ પગલાં લીધા ન હતા. આ અંગે પારડી યુવક મંડળે અનેકવખત અલગ અલગ સ્તરે રજૂઆતો કરી હતી પણ કોઇ તંત્રએ તેમાં રસ ન લેતા આખરે પારડી યુવક મંડળના નિતેશ ભૂવા નામના યુવાને વકીલ પી. બી. ખંભોળજા મારફત હાઈકોર્ટમાં પી.આઈ.એલ. દાખલ કરી હતી. જેમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ પીજીવીસીએલને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.

કોર્ટમાં કેસ ચાલ્યા બાદ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તેમજ બિરેન વૈષ્ણવની બેંચે આ મામલે કાર્યવાહી કરીને ગૌચરની જમીન ખાલી કરવા માટે તંત્રને હુકમ કર્યો છે. અરજદારના જણાવ્યા મુજબ કોર્ટે આ મામલે કાર્યવાહી કરવા 4 મહિનાનો સમય આપ્યો છે. ગૌચરની જમીન ખાલી કરવાનો હાઈકોર્ટે હુકમ કરતા છેલ્લા એક દશકાથી ચાલતી લડતને ખૂબ મોટો ટેકો મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...