કાર્યવાહી:ગોંડલમાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચવાના આરોપસર ભાજપના આગેવાન સહિત ત્રણ આરોપીઓના અદાલતે રિમાન્ડ મંજૂર કર્યા

ગોંડલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ ભાજપના નેતા પ્રફુલભાઇ ઉર્ફે બાવભાઇ ટોળીયા (ફાઈલ તસ્વીર) - Divya Bhaskar
ગોંડલ ભાજપના નેતા પ્રફુલભાઇ ઉર્ફે બાવભાઇ ટોળીયા (ફાઈલ તસ્વીર)
  • પોલીસે 7 દિવસમાં 7 જગ્યા પર દરોડા પાડી રૂ.21 લાખનો ગેરકાયદેસર બાયોડીઝલનો 20 હજારથી વધુ લીટરનો જથ્થો કબ્જે કર્યો

રાજ્યના પોલીસ વડાની સૂચના બાદ છેલ્લા 5 દિવસથી રાજકોટ રેન્જમાં અલગ અલગ ટીમો દ્વારા બાયોડીઝલના ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત રાજકોટના ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ગોંડલ પોલીસ દ્વારા છેલ્લા 7 દિવસમાં 7 જગ્યા પર દરોડા પાડી રૂ.21 લાખનો ગેરકાયદેસર બાયોડીઝલનો 20 હજારથી વધુ લીટરનો જથ્થો કબ્જે કર્યો છે. જેમાં ગઈકાલે ગોંડલ પોલીસ દ્વારા અલગ અલગ 2 દરોડા પાડી 13,500 લીટર બાયોડીઝલ ઝડપી પાડી કુલ 13,66,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં ગોંડલ પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને ભાજપના નેતા પ્રફુલભાઇ ઉર્ફે બાવભાઇ ટોળીયા બાયોડિઝલનું ગેરકાયદેસર પંપમાં સંડોવણી સામે આવતા પોલીસે તેના વિરુધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે અદાલતે ભાજપના આગેવાન સહિત ત્રણ આરોપીઓના અદાલતે રિમાન્ડ મંજૂર કર્યા છે.

PM મોદીની ડાબી તરફ ગોંડલ ભાજપના નેતા પ્રફુલભાઇ ઉર્ફે બાવભાઇ ટોળીયા (ફાઈલ તસ્વીર)
PM મોદીની ડાબી તરફ ગોંડલ ભાજપના નેતા પ્રફુલભાઇ ઉર્ફે બાવભાઇ ટોળીયા (ફાઈલ તસ્વીર)

રૂ. 13,66,000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેન્જ ડીઆઇજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના મુજબ ગોંડલ DYSP અને પીઆઇ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત બે જગ્યા પર બાયોડીઝલના પંપ ચાલુ હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે બન્ને જગ્યા પર દરોડો પાડી 3 શખ્સની ધરપકડ કરી કુલ 13,500 લીટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ 13,66,000નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં પ્રફુલ ટોળીયા, પંકજ રાયચુરા તેમજ ધર્મેન્દ્રસિંહ નકુમને વિવિધ પૂછપરછ, બેંક ડિટેઇલ, ગોડાઉન તેમજ વધુ જથ્થો નો સંગ્રહ ક્યાં કર્યો હોય તે અંગે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાતા અદાલત દ્વારા પ્રફુલ ટોળીયા, ધર્મેન્દ્રસિંહ નકુમ ના એક દિવસ, પંકજ રાયચુરાના બે દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને ધવલ ગમારા ને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

આરોપીઓની પૂછપરછમાં ગોંડલ ભાજપના નેતાની ભૂમિકા સામે આવી
આરોપીઓની પૂછપરછમાં ગોંડલ ભાજપના નેતાની ભૂમિકા સામે આવી

બે પંપ પર દરોડા પાડવામાં આવ્યા
ગોંડલ પોલીસને મળેલી બાતમીમાં ગુંદાળા રોડ પર યમુના કોમ્પ્લેક્સની સામે ગોડાઉનમાં ગેરકાયદેસર બાયોડીઝલનો સંગ્રહ અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે રેડ કરતા સ્થળ પરથી અલગ અલગ 3 ટાંકામાં 1500, 3000 અને 3000 એમ કુલ 7500 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. જે ગેરકાયદેસર પંપ પંકજભાઇ રાયચુરા અને ધવલભાઇ ગમારા ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જેથી બન્નેની ધરપકડ કરી 7500 લીટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ 7,50,000 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આશાપુરા ચોકડી પાસે ગોડાઉનમાં વેચાણ
જ્યારે બીજા બનાવમાં ગોંડલ આશાપુરા ચોકડી ખાતે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધર્મેશ નકુમ પોતાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો પંપ રાખી સંગ્રહ તેમજ વેચાણ કરતો હોવાની બાતમીના આધારે રેડ કરી સ્થળ પરથી 6000 લીટર બાયોડીઝલના જથ્થા સાથે કુલ 6,16,000 મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલ પોલીસે ગેરકાયદેસર ધમધમતા 3 બાયોડીઝલ પંપ પર રેડ કરી
આજથી 6 દિવસ પહેલા આ જ પ્રકારે ગોંડલ શહેર પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરનારા પર દરોડા પાડ્યા હતો. ત્રણ અલગ અલગ સ્થળ પર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી. શહેર પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર બે પંપ પર દરોડા
ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર કનૈયા હોટલની પાછળ અને હોટલની બાજુમાં આવેલા બે પંપ પર રેડ પાડવામાં આવી હતી. રેતીચોકમાં પણ બાયોડિઝલના પંપ પર રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં ગોંડલ શહેર પોલીસ સ્ટેશનના PI એસ.એમ. જાડેજા, PSI બી.એસ.ઝાલા, PSI ગોલવેકર, PSI ડી.પી. ઝાલા અને કે.કે. રાઠોડ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

બાયોડીઝલથી વાહનોના એન્જિનને નુકસાન પહોંચે છે
7 વર્ષ પૂર્વે એક કંપની દ્વારા બાયોડીઝલની શોધ કરવામાં આવી હતી. જોકે આજે છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ બાયોડીઝલનું બજારમાં વેચાણ શરૂ થયું છે. ડુપ્લિકેટ બાયોડીઝલના વપરાશથી વાહનોના એન્જિનને નુકસાન જરૂર પહોંચે છે. પરંતુ આ સાથે સરકારને થતી ટેક્સની આવક રકમમાં પણ મોટી ખોટ જોવા મળી શકે છે. ગુજરાતમાં એક પણ જગ્યાએ અસલી બાયોડીઝલ બનાવવામાં આવતું નથી. અસલી બાયોડીઝલ પામ ઓઇલમાંથી અને ફેટી એસિડ મિથાઇલ એસ્ટરની મદદથી બનાવવામાં આવે છે.