શહેરમાં દારૂનાં દૂષણે આડો આંક વાળ્યો છે. ટ્રક મોઢે પકડાઇ રહેલા વિદેશી દારૂ બાદ હવે અન્ય ગામોમાંથી દેશી દારૂ તૈયાર કરી વાહનો મારફતે જંગી જથ્થો રાજકોટમાં ઠલવાઇ રહ્યો છે. ત્યારે ઘંટેશ્વર ચોકડીથી કટારિયા ચોકડી તરફથી દેશી દારૂના જંગી જથ્થા સાથેની એક બોલેરો પિકઅપ વાન પસાર થવાની હોવાની યુનિવર્સિટી પોલીસને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબના સુરેન્દ્રનગર પાસિંગ વાળી બોલેરો પિકઅપ વાનને આંતરી અટકાવી હતી. જેમાં રાજકોટના રૈયા રોડ, વૈશાલીનગર-4માં રહેતો વિમલ ગગજી ડોડિયા નામનો ચાલક મળી આવ્યો હતો.
બાદ પોલીસે વાનના પાછળના ભાગે તપાસ કરતા ત્યાંથી પ્લાસ્ટિકના 52 બાચકા મળી આવ્યા હતા. જેમાં 5-5 લિટર દેશી દારૂના 260 બૂંગિયા મળી આવ્યા હતા. પોલીસે રૂ.26 હજારની કિંમતનો 1300 લિ. દેશી દારૂ, મોબાઇલ, વાન મળી કુલ રૂ.3.26 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી છે.
ચાલક વિમલ ડોડિયાની પૂછપરછ કરતા તે દેશી દારૂનો જથ્થો ચોટીલાથી લઇ આવી કણકોટના રાજુ કાઠી નામના શખ્સને પહોંચાડવાનો હોવાની કબૂલાત આપતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે કાલાવડ રોડ, વૃંદાવન સોસાયટી આરએમસી ક્વાર્ટર 1045માં બાતમીના આધારે દરોડો પાડી રૂ.1,24,975ની કિંમતના વિદેશી દારૂના 422 ચપલા મળી આવ્યા હતા. વિદેશી દારૂ અહીં રહેતા ઇરફાન અલીમિયા કાદરી નામના શખ્સનો હોવાની માહિતી મળતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.