ભાવવધારો:કપાસિયા તેલમાં 15 રૂપિયાનો ભાવવધારો, ડબ્બો રૂ.2215 થયો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તેજી બાદ સિંગતેલે રૂ.2300ની સપાટી કુદાવ્યા બાદ ભાવ સ્થિર થયા

આયાતી પામ તેલ મોંઘા થતા ગત સપ્તાહે સિંગતેલ અને કપાસિયામાં સતત તેજી જોવા મળી હતી. જેથી કાચા માલના ભાવ પણ ઊંચકાયા હતા. ભાવ સારા મળવાને કારણે યાર્ડમાં કપાસ અને મગફળી લઇને આવતા ખેડૂતોની સંખ્યા વધી છે, તો સટ્ટાખોરો પણ સક્રિય થયા છે. જેથી આવક વધારે હોવા છતાં બજારમાં કાચા માલની પૂરતી મળતર મળતી નથી. કાચા માલની અછત છે અને ભાવ ઊંચકાતા ડિમાન્ડ પણ નીકળી છે. સોમવારે કપાસિયા તેલમાં રૂ.15નો ભાવવધારો થયો હતો અને તેલનો ડબ્બો રૂ. 2200ની સપાટી કુદાવીને રૂ.2215 થયો હતો.

રવિવારથી મગફળીની આવક બેડી યાર્ડમાં ચાલુ કરી હતી અને જેમાં 50 હજાર મણની આવક થઈ હતી, તો કપાસની આવક 4 લાખ કિલો થઇ હતી. કપાસમાં રૂ. 2047નો ભાવ ટકેલો રહ્યો હતો. જ્યારે મગફળીનો ભાવ રૂ.900થી લઇને રૂ. 1134 સુધી બોલાયો હતો. હાલ મગફળી અને કપાસમાં વેચવાલી એકસરખી થઈ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

સોમવારે સિંગતેલમાં નજીવી વધઘટ રહેતા ડબ્બાનો ભાવ રૂ. 2310નો થયો હતો. જ્યારે કપાસિયા તેલમાં ભાવવધારા બાદ તેલનો ડબ્બો રૂ.2215નો થયો છે, પામોલીન, સન ફ્લાવર, કોપરેલમાં સ્થિર વલણ રહ્યું અને વનસ્પતિ ઘીમાં રૂ.30નો ભાવવધારો રહ્યો હતો. ભાવવધારા બાદ વનસ્પતિ ઘીનો ભાવ રૂ.2150નો થયો હતો. સોમવારે જે મગફળીની આવક થઈ હતી તેનો નિકાલ બે દિવસમાં થઇ જશે.બાદ નવી મગફળીની આવક સ્વીકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...