ભાવ વધ્યા:કપાસિયા તેલના ભાવમાં બે દિવસમાં રૂ.30 વધ્યા, યાર્ડમાં કપાસની આવક 25 ક્વિન્ટલની થઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જન્માષ્ટમી બાદ થોડા સમય સુધી તેલના ભાવ કાબૂમાં રહ્યા બાદ ફરી તેમાં ઉછાળો જોવા મળ્યો છે. મુખ્ય તેલમાં બે દિવસ સિંગતેલના ભાવમાં સ્થિર વલણ રહ્યા બાદ ગુરુવારે તેમાં રૂ.10નો ભાવવધારો થયો હતો. જ્યારે કપાસિયા તેલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. બે દિવસમાં રૂ.30નો ભાવવધારો થયો છે. ગુરુવારે કપાસિયા તેલના ભાવ વધ્યા બાદ તેલનો ડબ્બો રૂ.2500 એ પહોંચવામાં માત્ર રૂ.50નું જ છેટું રહી ગયું છે. જોકે હાલમાં સૌથી વધુ મોંઘું કોપરેલ તેલ છે. જેનો ભાવ રૂ.2900 એ પહોંચ્યો છે.

અત્યારે વરસાદની સિઝન છે એટલે કાચા માલની આવક છે નહિ. સામે ડિમાન્ડ હોવાને કારણે તેના ભાવ વધી રહ્યા છે. ગુરુવારે યાર્ડમાં 25 ક્વિન્ટલ કપાસની જે આવક થઈ હતી તેનો ભાવ રૂ.1051 થી લઇને રૂ.1484 સુધીનો બોલાયો હતો.ગુરુવારે કપાસિયા વોશનો ભાવ રૂ.1400-1415 ના ભાવે બોલાયો હતો. જેમાં 15-20 ટેન્કરના કામકાજ થયા હતા. જ્યારે સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1575 હતો. જેમાં 25-30 ટેન્કરના કામકાજ નોંધાયા હતા. સિંગતેલમાં ભાવ વધ્યા બાદ તે તેલનો ડબ્બો રૂ. 2575 નો થયો હતો. આમ, સિંગતેલનો ડબ્બો રૂ. 2600 એ પહોંચવામાં માત્ર રૂ. 50નું જ છેટું છે. જ્યારે અન્ય સાઇડ તેલમાં સ્થિર વલણ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલમાં સતત વધતા ભાવથી ગૃહિણીઓના બજેટ વિખેરાયા છે. મોટાભાગની જીવનજરૂરિયાત ચીજવસ્તુના ભાવમાં વધારો થતાં ગરીબ-મધ્યમ વર્ગને વધુ મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...