તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેલિયા રાજાઓની કમાલ:સરકારી ચોપડે રાજકોટ કરતાં સુરેન્દ્રનગરમાં કપાસિયા તેલ સસ્તુ, પ્રતિ ડબ્બે 900 રૂપિયાનો તફાવત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટમાં એક કિલો કપાસિયા તેલ 164 અને સિંગતેલ 170 જ્યારે સુરેન્દ્રનગરમાં આ ભાવ 105 અને 155
  • 100 કિલોમીટરના અંતરમાં કપાસિયા તેલમાં કિલોએ 59 રૂપિયાનો તફાવત બતાવતી પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ
  • મગફળી અને કપાસનું ઉત્પાદન મબલખ હતું, છતાં ભાવ ભડકે ભળે છે
  • પુરવઠા તંત્ર દરરોજ વધતા ભાવો જૂએ છે તેને કઈ રીતે કાબૂમાં કરવા તેનો એકપણ ઉપાય વિચાર્યો નથી

રાજકોટમાં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કપાસિયા તેલ પણ સિંગતેલની લગોલગ આવી ગયું છે. આ કારણે લોકોના ખિસ્સા પર તેની ભારે અસર આવી રહી છે. આમ છતાં આ ભાવને કાબૂમાં કરવા માટે પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું ગાણુ અધિકારીઓ ગાઈ રહ્યા છે. આ પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમમાં પુરવઠા તંત્ર રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાંથી દરરોજ 32 વસ્તુઓ કે જેને આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં મુકી છે તેના છૂટક અને હોલસેલ ભાવ નોંધાય છે.

આ ભાવની યાદી ભાસ્કરે મેળવતા જોવા મળ્યું હતું કે તેલના ભાવ જો ખરેખર કાચા માલની અછતને કારણે હોય તો તેની અસર આખા રાજ્યમાં આવવી જોઈએ પણ તેવું નથી. અમુક જ વિસ્તારોમાં તેલની કૃત્રિમ અછત ઊભી કરી ભાવ વધારી દેવાયા છે. જ્યારે અમુક વિસ્તારોમાં હજુ પણ તેલના ભાવનો વધારો ધીમે ધીમે થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો રાજકોટમાંથી નોંધાયેલા ભાવ મુજબ એક કિલો કપાસિયાનો ભાવ 164 રૂપિયા છે જ્યારે 100 કિ.મી. દૂર આવેલા સુરેન્દ્રનગરમાં આ જ તેલ 105 રૂપિયે કિલો વેચાઈ રહ્યાનું નોંધાયુ છે. એટલે કે જે પરિવાર મોટા છે અથવા તો પ્રસંગ માટે ખરીદી કરવી છે તેઓ રાજકોટથી સુરેન્દ્રનગર જઈ ખરીદી કરે તો કિલોએ 59 રૂપિયાની બચત થાય.

ડબ્બાના ભાવની ગણતરી કરીએ તો આ ભાવ મુજબ 15 કિલોના એક ડબ્બે 900 રૂપિયાનો ભારે તફાવત આવી રહ્યો છે. આ તફાવત એ સ્પષ્ટ કરે છે કે ભાવ વધારો તેલિયા રાજાઓની જ દેન છે. કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસનું ઉત્પાદન મબલખ થયું હતું તેમજ તંત્રે પણ ટેકાના ભાવે જે ખરીદી કરી હતી તેના પણ ગોડાઉન ભર્યા છે છતાં ભાવ ભડકે બળી રહ્યા છે.

સસ્તા ભાવે મગફળી પડાવવા તત્વો મેદાને
રાજ્યના પુરવઠા વિભાગે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરી છે જેના ગોડાઉન ભર્યા છે. આ માલ પર અલગ અલગ ખર્ચ સહિત નાફેડ વેચવા સમયાંતરે પ્રયત્ન કરે છે. જો કે આ ભાવ ઊંચા પડે છે તેમ કહીને ખરીદી કરાતી નથી અને તેલના ભાવ વધી રહ્યા છે. આ રીતે ભાવ વધારો કરીને નાફેડના ગોડાઉનની મગફળી પણ સસ્તાભાવે લેવાનો પ્રયાસ કરવા ઘણા તત્વોએ પ્રયત્નો શરૂ કરી દીધા છે.

રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અલગ અલગ પ્રકારના તેલનો ભાવ (કિલોદીઠ)

તેલરાજકોટસુરેન્દ્રનગર
કપાસિયા164105
સિંગતેલ170155
પામ13692
સોયાબીન14098
સનફ્લાવર155100

રાજકોટમાં એક વર્ષમાં થયેલો ભાવવધારો

તેલડિસેમ્બર (2020)ઓગસ્ટ (2021)
સિંગતેલ (15Kg)2250-23002550-2600
કપાસિયા (15Kg)1750-18002500-2550
પામોલિન (15Ltr.)1700-17502080-2130

સનફ્લાવર (15Ltr.)

2000-20502300-2350
સોયાબિન (15Ltr.)1550-16002350-2400
મકાઈ (15Ltr.)1800-18502200-2250

ભાવનું મોનિટરિંગ થાય છે, કાચો માલ બજારમાં મુકાય છે
ખાદ્યતેલના ભાવમાં પ્રાઈસ મોનિટરિંગ સિસ્ટમ હેઠળ નજર રહે છે. રો-મટિરિયલના ભાવમાં વધારો થતાં નાફેડ દ્વારા રાખવામાં આવેલો મગફળીનો અમુક જથ્થો બજારમાં મુકવામાં આવે છે તેમજ નેશનલ ફૂડ સિક્યુરિટીના 65 થી 70 લાખ લાભાર્થી પરિવારને કપાસિયાનું તેલ રૂપિયા 93માં 1 કિલો આપવામાં આવે છે. - મોહમ્મદ સાહિદ, પુરવઠા સચિવ, ગુજરાત