ફેબ્રુઆરીથી કપાસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવવધારો મે માસમાં પણ યથાવત્ છે. ફેબ્રુઆરીથી લઇને અત્યાર સુધી કપાસનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો છે. ભાવ વધતા જેમને કપાસનો સ્ટોક કરી રાખ્યો છે તેઓ અત્યારે તેનો નિકાલ કરી રહ્યા છે. વેપારીઓના જણાવ્યાનુસાર અત્યારે છેલ્લી વીણીનો પણ માલ આવી રહ્યો છે.
હાલમાં સૌરાષ્ટ્રમાં રોજના 35 હજાર ગુણીના વેપાર થાય છે. યાર્ડમાં રૂ.1100થી લઇને રૂ. 2700 સુધીના ભાવ મળી રહ્યા છે. વેપારીઓના જણાવ્યાનુસાર સારા માલની અછત ઊભી થતા આ ભાવ ઊંચકાયા છે. જે ગાંસડીનો ભાવ ગત વર્ષે રૂ.58 હજાર હતો તેનો ભાવ અત્યારે રૂ.98 હજારથી ઉપરની સપાટીએ બોલાઇ રહ્યો છે. કપાસનો ભાવ વધવાને કારણે રૂના ભાવ પણ વધ્યા છે. જેની અસર જીનિંગ, સ્પિનિંગ મિલ અને કોટન ઈન્ડસ્ટ્રીઝ પણ પ્રભાવિત થઈ છે.
આ વખતે કપાસનો ભાવ વધતા હવે નવી સિઝનમાં કપાસનું વાવેતર વધવાની પૂરેપૂરી સંભાવના છે. હાલ જે યાર્ડમાં કપાસ આવે છે તે તાત્કાલિક જ વેચાઈ જાય છે અને સૌરાષ્ટ્રમાં જ અને ઘરઆંગણે જે કપાસની સૌથી વધુ જરૂરિયાત છે એટલે જે બધી આવક થાય છે તે અહીં જ ખપી જાય છે. જીનર્સ અરવિંદભાઇ પટેલના જણાવ્યાનુસાર હજુ કપાસના ભાવ ઉંચા જઈ શકે તેવી સંભાવના છે. ભાવ ઊંચકાતા સટ્ટાખોરો પણ સક્રિય બન્યા છે. વિદેશમાં કપાસના વાવેતરમાં તેની અસર જોવા મળતા ભારતના કપાસની ડિમાન્ડ વધારે જોવા મળી રહી છે.
કપાસિયા વોશનો ભાવ રૂ.1550 ની સપાટીની ઉપર
કપાસના ભાવ ઊંચકાતા કપાસિયા વોશમાં પણ ઉંચા ભાવે સોદા અને વેપાર થઈ રહ્યા છે. કપાસિયા વોશમાં મંગળવારે રૂ.1500થી ઉપરના ભાવે વેપાર થયા હતા. ઉંચા ભાવ હોવાને કારણે કામકાજ ઘટી ગયા છે. સામાન્ય દિવસોમાં 15-20 ટેન્કરના કામકાજ થાય છે.તેના બદલે અત્યારે આ વેપાર 5-7 ટેન્કરે પહોંચ્યા છે.
આ વખતે કપાસની બિયારણની ખરીદી 10 દિવસ વહેલી શરૂ થાય તેવી સંભાવના
કપાસના ભાવ ઉંચા ગયા છે. હવે વાવેતર થશે. સામાન્ય રીતે કપાસના બિયારણની ખરીદી જૂન મહિનાથી થતી હોય છે. જેના બદલે આ વખતે મે માસના અંત સુધીમાં ખરીદી નીકળે તેવી સંભાવના વર્તાઇ રહી છે. જોકે હાલમાં પૂછપરછ શરૂ થઈ ગઇ છે. ગત વખતે કપાસનો ભાવ રૂ. 770 હતો તેનો ભાવ આ વખતે રૂ.810 છે. તેમ વાંકાનેરના મકસુદભાઈ જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.