વિવાદ:વાહન પાર્કિંગ મુદ્દે કોર્પોરેટર રાડિયા અને ફાયરના કર્મીઓ વચ્ચે ગાળાગાળી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મનપાના પાર્કિંગ અને એન્ટ્રી બંધ કરવાના ફતવાનો સ્વાદ તંત્રે જ ચાખ્યો
  • પિતા-પુત્રે​​​​​​​ માર માર્યાની વાત પણ કોર્પોરેટર કહે છે કે બપોરે ફક્ત બોલાચાલી જ થઈ! તમામ અધિકારીઓએ મોં સીવી લીધાં

રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીની પાછળ આવેલા ફાયરબ્રિગેડના કંટ્રોલ રૂમ પાસે કોર્પોરેટર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય મનીષ રાડિયા અને ફાયરબ્રિગેડના જવાનો વચ્ચે વાહન રાખવા મુદ્દે ગાળાગાળી થઈ જતા મામલો ગરમાયો હતો. મનપાએ મુખ્યમંત્રીના સ્વાગતના તાયફા કરવા માટે બે મુખ્ય ગેટ લોકો માટે બંધ કરી દીધા તેમજ પાર્કિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આ ફતવાને કારણે મનપાની ચારે તરફ ટ્રાફિક થયો હતો. વાહનો રોડ પર આડેધડ પડ્યા હતા અને લોકો પીસાયા હતા.

તેવામાં કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી સભ્ય મનીષ રાડિયાએ પોતાનું વાહન કચેરીની પાછળ ફાયરબ્રિગેડના વાહનો છે ત્યાં રાખ્યું હતું જે મુદ્દે ભારે માથાકૂટ થઈ હતી અને ગાળાગાળી થઈ હતી. મારામારીના પણ દ્રશ્યો સર્જાયા હતા કારણ કે જેની સાથે માથાકૂટ થઈ હતી તે ફાયરબ્રિગેડના કર્મચારી રાજુ ગોરીનો પુત્ર કુલદિપ પણ પહોંચ્યો હતો અને વાત વણસી હતી. મારામારીની ઘટના વિશે કોર્પોરેટર મનીષ રાડિયાને પૂછતા તેઓએ ફક્ત બોલાચાલી થયાનુ કહ્યુ હતુ, કર્મચારીએ ‘એય મોટા વાહન લઈ લે’ તેવો તુકારો આપતા તેઓએ પણ ભાનમાં બોલવાનુ કહેતા બોલાચાલી થઈ હતી. ફાયરબ્રિગેડના કર્મચારી રાજુ અને કુલદિપે તો સમગ્ર ઘટના બની જ ન હોવાનુ પહેલા કહ્યુ હતુ અને પછી રાજુએ પણ બોલાચાલી અને ગાળાગાળી થયાનુ કબૂલ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...