સૌપ્રથમવાર:રાજકોટ મનપા 2 ઓગસ્ટથી સીરો સર્વે કરશે, 20 ટીમ તૈયાર કરાઇ, ત્રીજી લહેરમાં કેટલા ટકાને, ક્યાં વિસ્તારમાં, કંઈ વય જૂથમાં વધુ જોખમ તે જાણી શકાશે

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટમાં 20 ટીમની તાલીમ શરૂ થઈ ચૂકી છે.
  • રાજ્યકક્ષાએથી 20 કીટ સર્વે માટે આવી, 1 કીટમાં 96 જેટલા સેમ્પલ લેવામાં આવશે
  • શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટીમ દ્વારા 1900 સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની 20 જેટલી ટીમ દ્વારા 2 ઓગસ્ટથી સીરો સર્વેનો પ્રારંભ કરવામાં આવશે. શહેરના ત્રણ ઝોન અને 18 વોર્ડમાં આરોગ્ય શાખાની 20 જેટલી ટીમ ફિલ્ડમાં ઉતારવામાં આવશે. એક ટીમ દ્વારા ઓછામાં ઓછા 36 વ્યક્તિના બ્લડ સેમ્પલ રેન્ડમલી લેવામાં આવશે. શહેરના 18 વોર્ડમાંથી કોઈ પણ વિસ્તારો તદ્દન રેન્ડમલી પસંદ કરવામાં આવશે અને ત્યાં આરોગ્ય શાખાની ટીમ દ્વારા રેન્ડમલી ઓછામાં ઓછા 36 લોકોના સેમ્પલ લેવામાં આવશે. સર્વેથી ત્રીજી લહેર આવે તો કેટલા ટકાને, ક્યાં વિસ્તારમાં, કંઈ વય જૂથમાં વધુ જોખમ તે જાણી શકાશે.

શું છે સીરો સર્વે
આ સર્વે માટે વ્યક્તિના શરીરમાંથી ઈન્જેક્શન મારફત 5 ML લોહી લેવાતું હોય છે. લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે તેમાં આઈજીજી કે આઈજીએમ નહીં પરંતુ, સ્પાઈક પ્રોટીન એન્ટીબોડી નક્કી થશે. જો રિઝલ્ટ પોઝિટિવ આવે તો એનો અર્થ એ થયો કે જે તે વ્યક્તિનું શરીર કોરોના સામે લડવા જરૂરી એન્ટીબોડી ધરાવે છે. અર્થાત તેને કોરોના થાય તો ગંભીર અસર થવાની શક્યતા રહેતી નથી. આ સર્વે કરવાથી સંભવિત ત્રીજી લહેર આવે તો કેટલા ટકા વસ્તીને, ક્યાં વિસ્તારમાં, ક્યાં વય જૂથમાં વધુ જોખમ છે તે જાણી શકાય છે.

રાજકોટમાં 1900 સેમ્પલ લેવામાં આવશે.
રાજકોટમાં 1900 સેમ્પલ લેવામાં આવશે.

20 કીટ આવી, એક કીટમાં 96 જેટલા સેમ્પલ લેવામાં આવશેઃ DMC
રાજકોટના DMC આશિષકુમારે જણાવ્યું હતું કે, શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બ્લડ સેમ્પલ લેવાના છે. આ અંગેની તાલીમ પણ રાજ્યકક્ષાએથી આપવામાં આવી છે. જેમાં મેડિકલ ઓફિસર ટીમબદ્ધ છે. બાકીના ટીમની તાલીમ પણ ટૂંક સમયમાં આપવામાં આવશે. સીરો સર્વે માટે રાજ્યકક્ષાએથી 20 કીટ આવી છે. એક કીટમાં 96 જેટલા સેમ્પલ લેવામાં આવશે. આવતા અઠવાડિયા સુધીમાં 1900 જેટલા સેમ્પલ લેવાની કામગીરી થઇ જશે. કોર્પોરેશનના જુદા જુદા વિસ્તારો છે ત્યાંથી આપણે સેમ્પલ લેવાની કામગીરી કરીશું. પહેલી વખત જ સીરો સર્વે રાજકોટમાં થઇ રહ્યો છે. સેન્ટરો નહીં પણ 20 ટીમ અલગ અલગ વિસ્તારોમાં જઇને સેમ્પલ કલેક્ટ કરશે.

DMC આશિષકુમાર.
DMC આશિષકુમાર.

આજથી આરોગ્ય સ્ટાફને તાલીમ આપવાનું પણ શરૂ
કોના સેમ્પલ લેવામાં આવે તે માટેની પણ કોઈ ચોક્કસ ગાઈડલાઈન નથી. સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિનું સેમ્પલ પણ લેવામાં આવી શકે છે. કોરોના થઈ ચૂક્યો હોય તેવા વ્યક્તિનું સેમ્પલ પણ લેવાય શકે, કોરોના થઈ ગયા બાદ વેક્સિન લઈ લીધી હોય તેવી વ્યક્તિનું સેમ્પલ પણ લેવામાં આવી શકે છે. આ માટે આજથી આરોગ્ય સ્ટાફને તાલીમ આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.

સર્વે માટે વ્યક્તિના શરીરમાંથી 5 ML લોહી લેવામાં આવશે
સર્વે માટે વ્યક્તિના શરીરમાંથી 5 ML લોહી લેવામાં આવશે

ગ્રામ્યમાં સીરો સર્વે શરૂ થઈ ચૂક્યો છે
કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાના રહેવાસીઓમાં કેટલા ટકામાં કોરોના થાય તો તેની સામે શરીર લડી શકે અને તેવું એન્ટીબોડી આવ્યું છે તે જાણવા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સીરો સર્વે માટે આશરે 250 જેટલા સ્ટાફને ઓનલાઇન તાલીમ પણ આપવામાં આવી હતી. પરંતુ બાદમાં સરકારની સૂચના મુજબ ઓફલાઈન તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને ગઇકાલે ગુરૂવારથી આ સર્વે શરૂ કરીને રવિવાર સુધીમાં તે પૂરો કરવામાં આવશે. આ સર્વે માટે જિલ્લાના 50 ગામ નક્કી કરાયા છે. 50 ગામમાંથી દરેક ગામમાંથી 36 સેમ્પલ લેવાના છે. ગુરુવારે રાજકોટ, પડધરી અને કોટડાસાંગાણી તાલુકામાં જઈને બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...