કોરોનાની બીજી ઘાતક લહેર પૂરી થયા બાદ હવે કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કામાણીએ Divya Bhaskar સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા વ્યક્ત કરી હતી તેમજ જણાવ્યું હતું કે આ સમયે ત્રીજી લહેર આવે તો એ શેરી મહોલ્લા અને આખાં એપાર્ટમેન્ટ કોરોનાથી સંક્રમિત થશે.
ત્રીજી લહેરમાં સંક્રમણ ઝડપથી વધશે
રાજકોટ IMAના પ્રમુખ ડોક્ટર પ્રફુલ કામાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ માર્કેટ ખૂલ્યા બાદ કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા જોવામાં આવી રહી છે. જે રીતે પ્રથમ કરતાં બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી હતી અને એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા, એ જ રીતે ત્રીજી લહેરમાં પણ સંક્રમણ ઝડપથી વધવાની શક્યતા છે.
ત્રીજી લહેરમાં સ્કિન ડિસીઝ થવાની શક્યતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દેશોની સાપેક્ષમાં વાત કરવામાં આવે તો ત્રીજી લહેરમાં સ્કિન ડિસીઝ થવાની શક્યતા છે અને એ ચેપી સાબિત થઈ શકે છે, જેને કારણે એક સંક્રમિત વ્યક્તિના કારણે એક શેરી-મહોલ્લા અને એપાર્ટમેન્ટ સાથે સંક્રમિત થાય એવી શક્યતા જોવામાં આવી રહી છે. બીજી લહેરમાં એકસાથે ઘરની અન્ય વ્યક્તિ પણ સંક્રમિત થતી હતી. જોકે ત્રીજી લહેરમાં ઘર, પરિવાર ઉપરાંત શેરી અને એપાર્ટમેન્ટના લોકો સાથે સંક્રમિત થાય તો નવાઇ નહીં.
શું છે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ
ડો.પ્રફુલ કામાણીએ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એ ડેલ્ટા વેરિયન્ટ કરતાં થોડો અલગ છે. ડેલ્ટા વેરિયન્ટ ભારતમાં કોરોનાની બીજી ઘાતક લહેર દરમિયાન સક્રિય થયો હતો. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જીનોમિક સિક્વન્સ છે. ડેલ્ટાનું નામ છે 1.617.2 અને એમાં જો 1.617.2+1 લાગે તો એને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર જામનગરમાં સસ્પેક્ટેડ કેસ જણાતાં એને તરત આઈસોલેટ કરી સારવાર આપતાં એ જોખમી સાબિત થયો નથી. ચામડીના લગતા કોઈપણ રોગ જણાય તો તરત તબીબી સારવાર અને અભિપ્રાય લેવો જોઈએ.
ત્રીજી લહેરમાં બાળકો પર ખતરો
કોરોનાની બીજી ઘાતક લહેર બાદ સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પર સંક્રમણની શક્યતા સૌથી વધુ જણાતી હોવાથી અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પીડિયાટ્રિક હોસ્પિટલોમાં 600 બેડ હાલમાં ઉપલબ્ધ છે, જેને વધારીને 1 હજાર સુધી કરવાની તૈયારી દાખવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ પીડિયાટ્રિક નર્સિંગ સ્ટાફને અત્યારથી જ યોગ્ય તાલીમ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
રાજકોટમાં રોજના 8થી 9 હજારને વેક્સિન આપવાનું બાંધણું
રાજકોટ મહાનગરમાં રસીકરણ કેન્દ્રો પર લાઇન યથાવત્ જોવા મળે છે. ત્રણ દિવસના વેકેશન બાદ શનિવારથી માંડ વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે હવે રોજના 8થી 9 હજાર ડોઝની મર્યાદાનું બાંધણું થઇ ગયું હોય એવી સ્થિતિ છે. નાગરિકોની જાગૃતિનાં દૃશ્યો હવે લાચારીભર્યા બની ગયાં છે. રાજ્ય સરકાર રોજ 8-9 હજારની લિમિટમાં જ વેક્સિન મોકલે છે, જેને આધારે રોજેરોજનું રસીકરણ અને સેશન સાઇટ આગલી રાત્રે નક્કી કરવાં પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.