તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 3 દર્દીના મોત, બપોર સુધીમાં 17 કેસ નોંધાયા, ત્રીજી લહેરને લઇ વહીવટી તંત્ર સજ્જ, 14 હજાર બેડ તૈયાર કરવામાં આવશે

રાજકોટ19 દિવસ પહેલા
ફાઇલ તસવીર.
  • હાલ સિવિલમાં પણ 100 કરતા ઓછા દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોનાની ગતિ પર બ્રેક લાગી હોય તેવું સરકારી આંકડા અને હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા પરથી લાગી રહ્યું છે. બીજી લહેરમાં 800 નજીક પહોંચેલી કેસની સંખ્યા હવે ઘટીને 90 નીચે આવતી રહી છે. શહેરમાં આજે બપોર સુધીમાં 17 કેસ નોંધાયા છે. જયારે કુલ કેસની સંખ્યા 42173 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 522 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 18 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 3 દર્દીના મોત નીપજ્યા છે. જોકે, આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. રાજકોટમાં કોરોનાની ત્રીજી લહેરને લઇને વહીવટી તંત્ર સજ્જ છે.

બાળકોમાં ત્રીજી લહેરની સૌથી વધુ અસર થશે તેવી શક્યતા
રાજકોટમાં ત્રીજી લહેરને લઇ તંત્ર અને ખાનગી હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર કોરોનાની ત્રીજી લહેર માટે સજ્જ છે. જિલ્લા અને શહેરમાં 23 જેટલાઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જિલ્લા અને શહેરમાં 14 હજાર જેટલા બેડ તૈયાર કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલ પણ ત્રીજી લહેરને લઇ સજ્જ છે. બાળકોમાં ત્રીજી લહેરની સૌથી વધુ અસર થશે તેવી શક્યતા છે. ત્યારે ખાનગી હોસ્પિટલો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રણછોડદાસજી બાપુ હોલમાં 300 જેટલા બાળકો માટે હોસ્પિટલની તૈયારી
ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી બાળકોમાં કોરોના વકરે તો પરિસ્થિતિને લઇ ચર્ચા કરવામાં આવી છે. ત્રીજી લહેરમાં મનપા દ્વારા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મનપા દ્વારા અલગ હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજી લહેરમાં અમૃત ઘાયલ હોલમાં 250 બાળકો માટે નવી કોવિડ હોસ્પિટલ તૈયાર થઇ શકે તેમ છે. રણછોડદાસજી બાપુ હોલમાં પણ 300 જેટલા બાળકો માટે હોસ્પિટલ બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ પોલીસે પેપરલેસ સિસ્ટમથી 2000 કેસ કર્યા
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર પોલીસે શરૂ કરેલી પેપરલેસ, કોન્ટેક્ટલેસ, કેશલેસ ટ્રાફિક ચલણ સિસ્ટમનો ઉપયોગ કરીને 2000થી વધુ કેસો કરવાની કામગીરી કરી છે. રાજકોટ શહેરમાં ઘણા સમયથી ટેકનોલોજીનો ઉપયોગ કરી જુની પદ્ધતિમાં સુધારો લાવવા એક નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ એક નવા ટ્રાફિક ચલણ સિસ્ટમ શરૂ કરવા રચના કરવામાં આવી હતી. આ સિસ્ટમ તા.21-01-2021ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ પ્રકારની સિસ્ટમ શરૂ કરનાર રાજકોટ શહેર પોલીસ ભારતમાં પ્રથમ છે.

રાજકોટ જિલ્લામાં એક્ટિવ કેસ 847
રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કોરોનાના કેસ હવે ઘટીને 100ની નજીક પહોંચી ગયા છે. ગઇકાલે મનપા વિસ્તારમાં 83 અને ગ્રામ્યના 33 સહિત 116 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 56761 થઈ છે. શહેરમાં હવે 522 જ્યારે ગ્રામ્યમાં 325 સહિત કુલ એક્ટિવ કેસ 847 રહ્યાં છે. હોસ્પિટલ મોટાભાગની ખાલી થઈ ગઈ છે અને સિવિલમાં પણ 100 કરતા ઓછા દર્દી સારવાર લઈ રહ્યા છે.

જૂન મહિનામાં 4 હજાર કરતા ઓછા કેસ નોંધાય તેવી શક્યતા
બીજી તરફ મૃતાંક પણ ઘટ્યો છે. આશરે અઢી મહિના બાદ ગઇકાલે 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 2નાં મોત નીપજ્યા હતા. હજુ આ આંક ઘટીને 0 થાય તેવા પ્રયાસો થઈ રહ્યાં છે. જેમ જેમ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટશે તેમ તેમ મૃતાંક પણ ઘટતો જશે. બીજી લહેરનો અંત આવી ગયો છે અને જૂન મહિનામાં 4 હજાર કરતા ઓછા કેસ નોંધાય તેવી શક્યતા છે.

મૃત્યુઆંકમાં એપ્રિલ માસ સૌથી આકરો રહ્યો
રાજકોટ શહેરે એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેરનો સૌથી ઘાતક પ્રહાર સહન કર્યો છે. કેસની દૃષ્ટિએ, ટેસ્ટની દૃષ્ટિએ અને મૃતાંકની ગણતરીએ પણ એપ્રિલ માસ સૌથી આકરો રહ્યો હતો. જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી 31 મે સુધીની સ્થિતિનું એનાલિસિસ કરતા હવે કેસ ઘટી રહ્યા હોવાના નિર્દેશ મળ્યા હતા કારણ કે, એપ્રિલમાં જે 14496 કેસ હતા તે મે માસમાં ઘટીને 8313 થયા હતા અને ક્રમશ: કેસ ઘટી રહ્યા છે.