પેમેન્ટ પ્રશ્ન:ટૂર્સ એન્ડ ટ્રાવેલને કોરોનાની અસર, એર કંપનીઓએ બાકી રકમ હજુ ચૂકવી નથી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એજન્ટોને ઘણી માઠી અસર થઇ છે, પોતાની બચતથી લોકોને કરાઈ છે ચૂકવણું

કોરોનાની આફતથી અનેક વ્યવસાયોને માઠી અસર પહોંચી છે. તેમાં સૌથી વધુ ટૂર્સ એન્ડ ટ્રાવેલ ક્ષેત્ર પ્રભાવિત થયું છે. એટલું જ નહિ જે ફ્લાઈટ બુકિંગ માટે રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા તેનું રિફંડ હજુ લોકોને મળ્યું નથી, જેના પગલે આ ક્ષેત્રના લોકોએ જણાવ્યું હતું કે, અત્યારે લોકો એવું વિચારી રહ્યા છે કે ટૂર એન્ડ ટ્રાવેલ એજન્ટ જ રૂપિયા આપતા નથી.

બીજી તરફ એરલાઈન કંપનીઓને પણ ઘણી તકલીફ વેઠવી પડી છે, જેના પરિણામે તેઓ કૂપન પદ્ધતિ અપનાવી રહ્યા છે, જેનો ઉપયોગ નિર્ધારિત સમયમર્યાદામાં થઇ શકે. રાજકોટમાં 4 હજાર એજન્ટ છે, જેને અત્યંત ખરાબ સમયમાંથી પસાર થવું પડી રહ્યું છે, સામે રોજી-રોટી માટે વ્યવસાય પણ બદલી રહ્યા છે. જે કૂપન લોકોને આપવામાં આવી રહ્યા છે જેનો ઉપયોગ કોઈ વ્યક્તિ ન કરી શકે.

લોકો ટ્રાવેલ એજન્ટ પર ધોંસ બોલાવે છે : સંજય મહેતા
રાજકોટના ટૂર્સ એન્ડ ટ્રાવેલ ઓપરેટર સંજય મહેતાએ જણાવ્યું હતું કે, હાલ કોવિડના કારણે ઘણા લોકોના નાણાં બ્લોક થઇ ગયા છે, સામે એજન્ટોને પણ એજ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ એરલાઈન કંપનીને પણ વારંવાર રજૂઆત કરવામાં આવે છે, જેથી લોકોને તેના નાણાં પાછા મળી જાય. ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઇ જે લોકોને નાણાં પાછા મળ્યા નથી તે લોકો એજન્ટો પર ધોંસ બોલાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે, જે બચત થયેલી છે તેના ઉપયોગથી જેટલા લોકોને નાણાં પૂરા પાડી શકાય તેટલાને આપવામાં આવ્યા છે. ત્યારે હવે એ સમય આવી ગયો છે કે આ પ્રશ્નનો હલ નીકળે.

હાલ ઇવેન્ટ અને ટિફિનનો વ્યવસાય શરૂ કર્યો : સોનમબેન
શહેરના અન્ય ટૂર ઓપરેટર સોનમબેને જણાવ્યું હતું કે, લોકો માને છે કે એજન્ટો રૂપિયા રાખી લ્યે છે, જેના પગલે ક્ષેત્રની છબિ ખૂબજ ખરાબ થઇ છે. બેંક પણ લોન આપવાથી ડરે છે અને કહે છે કે પ્રોફાઈલ નેગેટિવ હોવાથી લોન ન મળી શકે. ત્યારે ઘર ચલાવવા માટે અન્ય વ્યવસાયનો સહારો લેવો પડ્યો છે, જેમાં હાલ તે અને તેમના મહિલા ભાગીદાર ઇવેન્ટ અને ટિફિન સુવિધા લોકો માટે ચલાવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં સરકાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ ક્ષેત્રને સહાય કરી બેઠો કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...