માંગણી:કોરોનાના કેસ નહીંવત છે, તબીબોના મતે માસ્કથી શુધ્ધ હવા મળતી નથી, હવે મુકિત આપો : ચેમ્બર

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આખો દિવસ માસ્ક પહેરવાથી નુકસાન વધુ તેમ જણાવી ચેમ્બરે વડાપ્રધાન, મુખ્યમંત્રી, આરોગ્યમંત્રીને પત્ર લખ્યો

કોરોનાના કેસ નહિવત છે. તેવામાં આખો દિવસ માસ્ક પહેરી રાખવું ફાયદા કરતા નુકસાનકારક વધુ છે. તેમજ સતત માસ્ક પહેરવાથી શુધ્ધ અને સ્વચ્છ હવા મળતી નથી. જેથી માસ્ક પહેરવામાંથી મુકિત આપવા ચેમ્બરે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને કેન્દ્ર તેમજ રાજ્યના આરોગ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે પત્રમાં લખ્યું છે કે જ્યારે કોરોનાની મહામારી હતી ત્યારે વેપારીથી લઇને સામાન્ય જનતાએ માસ્ક પહેરી રાખ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી લોકો માસ્ક પહેરી રહ્યા છે. મોટાભાગના લોકોને રસી અપાઈ ગઈ છે. અત્યારે કોરોનાના કેસ કાબૂમાં આવી ગયા છે.

હવે ત્રીજી લહેરની શકયતા પણ નહિવત છે.આવી પરિસ્થિતિમાં આખો દિવસ માસ્ક પહેરી રાખવામાં આવે તો એ ફાયદાને બદલે નુકસાનકારક છે. શ્વાસોચ્છવાસની ક્રિયામાં તાજી હવા મેળવવામાં મુશ્કેલી થાય છે.જેને કારણે અન્ય બીમારી થવાનો પણ ભય રહે છે.તેથી રાજ્યના તમામ લોકોને માસ્ક પહેરવામાંથી મુકિત આપવી જોઇએ. સાથોસાથ એવુ પણ જણાવ્યું છે કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જાહેર મેળાવડા, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ જેવા સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત રાખવું જોઇએ.

નાના માણસોને પણ દંડમાંથી બાકાત નથી રખાયા
માસ્ક નહિ પહેરવા પર જે - તે સમયે દંડની જોગવાઇ હતી. આખો દિવસ મજુરીકામ કરીને રોજના માત્ર રૂ. 500 કમાતા નાના માણસથી પણ જો શરતચુક થઇ હોય અને તેનું માસ્ક નાકથી નીચે ગયું હોય તો પણ તેની પાસેથી રૂ. 1 હજારનો દંડ વસૂલાતો હતો. આટલો મોટો દંડ ભરવો મજુર માણસને પરવડે નહિ. આ દંડની જોગવાઇ છે તેનો હવે ગેરઉપયોગ ના થાય તે માટે હવે દંડની વસૂલાતની જોગવાઇ પણ દુર કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...