તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Corona Update LIVE Rajkot:રાજકોટમાં વધુ એક પોઝિટિવ, અમદાવાદમાં બે કોરોનાગ્રસ્ત સાથે યુવાન કરતો હતો જોબ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સાથે કામ કરતા ત્રણમાંથી એકને તા.28, બીજાને 29 અને આ યુવાનને 30મીએ પોઝિટિવ
  • રાજકોટમાં 10 દર્દી, સાંનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર ક્વોરન્ટાઈન
  • વેરાવળ કોરોના પોઝિટિવ યુવાન સામે હોમ ક્વોરન્ટીન ભંગ બદલ પોલીસે ગુનો નોંધ્યો, દુબઇથી આવ્યો હતો
  • રાજકોટમાં આજે 20 સેમ્પલ લેવામાં આવ્યા જેમાં 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • લોકડાઉનને લઇ રાજકોટની સનરાઇઝ સ્કૂલે 20 ટકા ફિ ઘટાડો નિર્ણય લીધો

રાજકોટઃ રાજકોટના તબીબ પરિવારના 28 વર્ષના યુવાનને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવાન અમદાવાદમાં નોકરી કરતો હતો લોકડાઉનને કારણે રાજકોટ આવ્યો હતો. રાજકોટના ફિલ્ડમાર્શલ રોડ પર સાંનિધ્ય ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા તબીબી પરિવારના 28 વર્ષનો પુત્ર અમદાવાદ રહે છે અને ત્યાં જ નોકરી કરે છે. લોકડાઉન જાહેર થતા 20મીએ આ યુવાન રાજકોટ આવ્યો હતો અને ત્યારથી જ તેની તબિયત લથડી હતી. યુવાનના પિતરાઈની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર આ યુવાન અમદાવાદથી રાજકોટ આવ્યો હતો અને ચેપ ક્યાંથી લાગ્યો તે જાણવા તપાસ કરતા યુવકે જણાવ્યું હતું કે, તેની સાથે કામ કરતા બે સહકર્મચારી પૈકી એકનો 28મીએ જ્યારે બીજાનો 29મીએ કોરોના પોઝિટિવ આવ્યો છે તેથી કંપનીમાંથી જ ચેપ લાગ્યાનું જાણવા મળ્યું છે.  રિપોર્ટ આવતાં જ મનપાની આરોગ્ય શાખાએ તેના ઘરે જઈને પરિવારના 4 સભ્યોને ક્વોરન્ટાઈન કરવા તૈયારી કરી હતી. યુવાન બીજા કોઇના સંપર્કમાં ન આવ્યો હોવાનું પરિવારજનોએ તંત્રને કહ્યું હતું.

સિવિલમાં 3 જ્યારે ખાનગીમાં 7 દર્દી 
રાજકોટમાં અત્યાર સુધીમાં 122ના સેમ્પલ લેવાયા છે જેમાંથી 10 પોઝિટિવ આવ્યા છે. આ 10માંથી 7ની સારવાર ખાનગી હોસ્પિટલમાં, જ્યારે 3ની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સોમવારે 13ના સેમ્પલ લેવાયા હતા જેમાંથી 12 નેગેટિવ આવ્યા છે. આઈસોલેશનમાંથી 112 દર્દીઓને રજા અપાઈ છે.

કોરોનાની હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફને ખાનગી હોટેલમાં રખાશે
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે ખાસ કોવિડ-19 હોસ્પિટલ શરૂ કરાઈ છે. જેમાં ઘણા લોકોને ચેપની શંકાએ સારવાર અપાઈ રહી છે. આ પૈકી કોઇનો ચેપ ફરજ પરના સ્ટાફ મારફત ઘરે ન પહોંચે તે માટે સ્ટાફ માટે રહેવા હોટેલની વ્યવસ્થા કરાઇ છે. હોસ્પિટલનો એવો સ્ટાફ કે જે સતત ફ્લૂ કોર્નર તેમજ આઈસોલેશન ફેસિલિટીમાં કામ કરી રહ્યા છે તેઓને ચેપ લાગવાની શક્યતા ઘણી છે. આ ઉપરાંત તેમના મારફત પરિવાર સુધી કોરોના પહોંચી શકે છે જેનો ભય દરેકને લાગે છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકના જણાવ્યા અનુસાર ‘હોટેલધારકને સ્ટાફની આ સમસ્યાનો ખ્યાલ આવતા તેમણે પોતાની 50 રૂમની હોટેલ સિવિલના સ્ટાફ માટે વિનામૂલ્યે આપી દીધી છે. જે લોકો ઘરે જવા ઈચ્છતા ન હોય તેઓ આ હોટેલમાં રહી શકે છે. જેમાં તબીબો, રેસિડેન્ટ, પેરામેડિકલ સ્ટાફ તમામનો સમાવેશ થાય છે. બે દિવસમાં કર્મચારીઓનું લિસ્ટ બનાવી તેમના રહેવાની વ્યવસ્થા કરી દેવાશે.’ જે કર્મચારીઓ ઘરે રહેવા જવા ન ઈચ્છતા હોય તેમણે પોતાનું નામ જે-તે વિભાગના વડાને મોકલાનું રહેશે. આ લિસ્ટ તૈયાર થઈ ગયા બાદ રૂમની સગવડતા મુજબ રહેવાની વ્યવસ્થા કરાશે. વર્ગ-1થી વર્ગ-4ના કોઈપણ કર્મચારી તેમાં નામ નોંધાવી શકશે.

અનાજ દળવાની મિલો સવારે 8થી બપોરે 2 ખુલ્લી રહેશે
રાજકોટમાં અનાજ અને મસાલા દળવાની મિલ સવારના 8થી બપોરના 2 સુધી જ ખુલ્લી રહશે. આ સમય મર્યાદાથી વધુ સમય મિલ જે કોઈ ખુલ્લી રાખશે એમની સામે એસો. કડક કાર્યવાહી કરશે. જરૂર પડ્યે પોલીસને સાથે રાખીને સભ્યોની ધરપકડ કરવામાં આવશે. લોકડાઉનમાં અનાજ અને મસાલા દળવાની મિલો સવાર 9 થી 12 અને સાંજે 4 થી 6 ખુલ્લી રાખવા આદેશ કરવામાં આવ્યા હતા. આદેશના અનુસંધાને બધી જ મિલો સવાર અને સાંજના બને સમય ખુલ્લી રહેતી હતી, પરંતુ દિવસમાં બે વખત બહાર નીકળવાનું થતું હોય આ અંગે રાજકોટ ફ્લોર મિલ એસો.એ કલેક્ટરને રજૂઆત કરી હતી અને પોતાની સમસ્યા રજૂ કરી હતી. આ રજૂઆતને કલેક્ટરે માન્ય રાખીને  મિલ સવારના 8થી બપોરના 2 સુધી ખુલ્લી રાખવા મંજૂરી આપી છે. આ અંગે એસો.ના ઉપપ્રમુખ બી.એન. પટેલે જણાવ્યું હતું કે, હવે મિલ પર અનાજ દળવા આવનારની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજકોટમાં 605થી વધુ અનાજ દળવાની મિલો છે. દરેક બહેનોને નિયત સમયમાં પોતાનું અનાજ દળી લેવા માટે જણાવાયું છે. જ્યાં સુધી નવો કોઈ નિયમ જાહેર નહીં થાય ત્યાં સુધી અનાજ દળવાની મિલો સવારના 8 થી 2 સુધી જ ખુલ્લી રહેશે.

અમરેલી જિલ્લામાં કોરોનાનાં ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા 
રાજુલા તાલુકાના પીપાવાવ, ખાંભાના સમઢીયાળા અને ધારીના મીઠાપુરમાં શંકાસ્પદ કેસ આવ્યા છે. 
બે યુવતી અને એક યુવકનો શંકાસ્પદ કેસ આવતા તેમના સેમ્પલ રિપોર્ટ માટે ભાવનગર મોકલાયા છે. 
જેનો રિપોર્ટ આવતીકાલે આવશે તેમ જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

રાજકોટ જિલ્લાના 17માંથી 13 લાખ લોકોનું આરોગ્ય ચકાસાયું
કોરોના વાઇરસના પગલે રાજકોટ વહીવટી તંત્રે ડોર ટુ ડોર આરોગ્ય તપાસ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં 17 લાખ લોકોમાંથી 13 લાખ લોકોના આરોગ્યની ચકાસણી કરી લેવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને ઘર ઘરી ફરી આરોગ્યની ટીમ સરવેની કામગીરી કરી રહ્યો છે. આ કામગીરી 60 જેટલા મેડિકલ ઓફિસર, 29 આર.બી.એસ.કે. ટીમ, પેરા મેડિકલ સ્ટાફ, 350 આશા બહેનોની ટીમ મળી કુલ 2050 જેટલા આરોગ્ય કર્મચારીઓએ આજ સુધીમાં 1747164 લોકો પૈકી 1333173 લોકોનો સરવે કર્યો છે. ધોરાજીમાં લોકોને કરિયાણા સહિતની વસ્તુઓ મેળવવામાં સુવિધા મળે તે માટે તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ આખી સપ્લાય ચેઈન ઊભી કરી છે. દરેક કરિયાણાની દુકાને વોટ્સએપ નંબર લખાવ્યા છે તેમજ ગ્રૂપ પણ બનાવ્યા છે.

સસ્તા અનાજની દુકાને પોલીસ બંદોબસ્ત મુકાશે
રાજકોટ શહેર-જિલ્લાની સસ્તા અનાજની દુકાને 1લી એપ્રિલથી એનએફએસએ અને અંત્યોદય કાર્ડધારકોને વિનામૂલ્યે રેશનિંગનો સામાન આપવામાં આવનાર છે ત્યારે કોઇપણ પ્રકારની અંધાધૂંધી ન થાય તે માટે દરેક દુકાન પર પોલીસ બંદોબસ્ત મુકાશે અને જે રેશનકાર્ડ ધારકોને ફોન આવે તેમણે જ રેશનિંગનો પુરવઠો લેવા જવાનો રહેશે. 

પોલીસનું ડ્રોનથી સર્વેલન્સ
શહેરમાં લોકડાઉનને પગલે પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. ત્યારે શહેરના સોરઠીયાવાળી, દેવપરા સહિતના વિસ્તારોમાં ડ્રોનથી નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકો ઝડપાયા છે. આવા લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. કેમેરામાં કેદ થયેલા 13 લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઉપરાંત 144ની કલમ ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરી છે.

યુવાન 29મી માર્ચે દાખલ થયો હતો
આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આજે રાજકોટમાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે. આ દર્દી અમદાવાદમાં જોબ કરે છે અને તા.20મી માર્ચે અમદાવાદથી રાજકોટ પાછો આવ્યો હતો. તેને તારીખ 25 માર્ચથી લક્ષણો દેખાવાના શરૂ થયા હતા. ત્યારબાદ આગામી તારીખ 29મી માર્ચે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિશેષમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવના દર્દીના સંપર્કમાં આવતા રાજકોટના આ દર્દીને  ઇન્ફેક્શન લાગ્યું છે તેવું જાણવા મળ્યું છે.’

ભાવનગરમાં દોઢ લાખ લોકો બહારથી આવ્યા, પાલિતાણાના 23 લોકો પુનામાં અટવાયા
જૈન મહારાજ સાહેબોને પગપાળા મુકવા ગયેલા ભાવનગરના પાલીતાણાના 23 લોકો લોકડાઉને પગલે પુનામાં અટવાયા છે. તો બીજી તરફ ભાવનગર જિલ્લાના DDO વરૂણ બરનવાલે જણાવ્યુ હતું કે સુરત અને અન્ય શહેરોમાંથી ભાવનગર અને જિલ્લાના ગામડાઓમાં દોઢ લાખ લોકો આવેલ છે તે કાગળ ઉપર છે. જ્યારે ટેન્કરોમાં બેસીને કે છુપાઇને આવ્યા હોય તેવા અઢી લાખથી વધુ લોકોને ટ્રેક કરવું મુશ્કેલ બન્યું છે.  

આઇસોલેશન વોર્ડમાં 12 લોકો દાખલ
રાજકોટમાં આજે 20 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 19નો રિપોર્ટ નેગેટિવ અને એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ શહેરમાં 9 લોકોના સેમ્પલ લીધા હતા. જેમાં 9 નેગેટિવ અને એક પોઝિટિવ આવ્યો છે.  હાલમાં સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં 12 દર્દી દાખલ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 10 દર્દી દાખલ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 1529 લોકો હોમ ક્વોરન્ટીન હેઠળ છે. રાજ્યમાં પ્રથમ રાજકોટના પોઝિટિવ કેસને હજુ પણ કોરોના વાઇરસના લક્ષણ જોવા મળે છે. લોકડાઉનનો આજે છઠ્ઠોદિવસ છે ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું છે. તેમજ સતત પોલીસનું પેટ્રોલીંગ થઇ રહ્યું છે. નિયમ ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે 30 માર્ચ સુધીમાં મુખ્યમંત્રી રાહતનિધિમાં 32 લાખ એકત્ર થયા છે. તેમજ શહેરના સનરાઇઝ સ્કૂલ દ્વારા ફિમાં 20 ટકાના ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. આ સ્કૂલમાં 1 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. લોકડાઉનને કારણે ધંધા-રોજગાર બંધ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.  

હેન્ડ પંપ દ્વારા સોડિયમ હાઇપ્લોકલોરાઇડથી ડીસઇન્સફેકશન કરવાની કામગીરી
કોરોના વાઇરસને લઇને પોરબંદરના સાંસદ રમેશ ધડુકે એક કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જિલ્લા આયોજન અધિકારી મારફત એક કરોડ રૂપિયા આરોગ્યની સેવા માટે આપાવામાં આવ્યા છે. રાજકોટ અને પોરબંદર જિલ્લા માટે ગ્રાન્ટ ફાળવી છે. કોરોના સામેના સંરક્ષણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને ડિસઇન્ફેક્શન કરવાની કામગીરી હાલ ચાલુ જ છે.  તેની સાથે સાથે મનપા દ્વારા જે સ્થળોએ લોકોની અવર જવર થતી હોય તેવા સ્થળોને હેન્ડ પંપ દ્વારા સોડિયમ હાઇપ્રોક્લોરાઇટથી ડિસ ઇન્સફેક્શન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમ મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસ ન ફેલાય તે માટે 100 જેટલા હેન્ડ પંપ ખરીદવામાં આવ્યા છે.  તમામ વોર્ડ ઓફિસો દ્વારા આ હેન્ડ પંપથી ડિસઇન્સફેક્શન કરવાની કામગીરી કરવામાં આવી છે. લોકોની જ્યાં અવર-જવર હોય તેવી જગ્યાઓ જેવી કે, કરિયાણાની દુકાનો, વોર્ડ ઓફિસ, ટીપરવાન, એ.ટી.એમ., બેંક, પે એન્ડ યુઝ ટોઇલેટ વગેરે જગ્યાએ આ હેન્ડ પંપ દ્વારા સોડિયમ હાઇપ્લોકલોરાઇદથી ડિસઇન્સફેકશન કરવાની કામગીરી કરવામાં આવી  છે. 
ભક્તિનગર પોલિસે ઇન્ટરનલ ચેકપોસ્ટ પર નોંધણી શરૂ કરી
લોકડાઉનનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે ભક્તિનગર પોલીસ દ્વારા ઇન્ટરનલ ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જેમાં જરૂરિયાત કામ એટલે કે એમ્બ્યુલન્સ, ડોક્ટર, સરકારી કર્મચારીઓના વાહનોની નોંધણી કરવામાં આવી રહી છે. સાથે વિસ્તારોમાંથી બહાર નીકળતા લોકોના નામ, નંબર અને સરનામાની નોંધણી કરવામાં આવી રહી છે. રાજકોટજિલ્લા કલેક્ટર રેમ્યા મોહને સેવાભાવી સંસ્થાઓને ચેતવણી આપી દીધી છે. સેવાભાવી સંસ્થાને પાસનો દુરૂપયોગ ન કરવા અપીલ કરાઇ છે. સેવાભાવી સંસ્થા સેવા કરતીવખતે પાસનો ઉપયોગ કરી શકશે નહીં. પાસનો દુરૂપયોગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.કોરોના વાઇરસને લઇને લોકોમાં જાગૃતિ  લાવવા રસ્તા પરથી પસાર થતા લોકો માટે સુત્રો લખવામાં આવ્યા છે. કોરોના વાઇરસની સામે કોઇ રસ્તા પર ન નીકળે અને ઘરમાં જ રહે તે જ કોરોના સામેનો જંગ છે, રસ્તા પરથી પસાર થશો તો પોલીસ કાર્યવાહી કરશે, કોરોના વાઇરસ થશે તો આખો પરિવાર મુશ્કેલીમાં મુકાશે સહિતના લખાણ લખવામાં આવ્યા છે.

6100 લીટર હાઈપ્લોક્લોરાઈડ અને 50 કિલો હાઈડ્રોજન પેરોક્સાઈડ કેમિકલનો જથ્થો ઉદ્યોગપતિએ વિનામૂલ્યે આપ્યો
કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગરૂપે હાલમાં શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગનો સ્ટાફ હાઈપ્લોક્લોરાઈડ કેમિકલ મિશ્રિત દ્રાવણનો સ્પ્રે કરી રહ્યા છે. અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારને રાહત ફંડમાં ઠેર ઠેરથી આર્થિક સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે .ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને પણ મેટોડા સ્થિત એરો ફાઈન કેમિકલ્સવાળા પાટીદાર સમાજના અગ્રણી અમિતભાઈ કિશોરભાઈ ઘોડાસરા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી માટે હાઈપ્લોક્લોરાઈડ અને હાઈડ્રોજન પેરોક્સાઈડ કેમિકલ નિશૂલ્ક ધોરણે આપવામાં આવ્યું છે. અમિતભાઈ ઘોડાસરના આ સહકાર બદલ રાજકોટ મહાનગરપાલિકાએ તેમના પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી છે.
 રાજકોટ મહાનગરપાલિકાને આશરે બે લાખથી વધુ રૂપિયાના મૂલ્યના 6100 લીટર હાઈપ્લોક્લોરાઈડ અને 50 કિલો હાઈડ્રોજન પેરોક્સાઈડ કેમિકલનો જથ્થો વિનામૂલ્યે આપી સામાજિક જવાબદારી નિભાવતા નાગરિક ધર્મ નિભાવ્યો છે.

ભાવનગરમાં એક જ દિવસમાં 5 પોઝિટિવ અને 1 મહિલાનું મોત 
ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમાં 5 પોઝિટિવ કેસો છે તે દરેક પુરૂષ જ છે જ્યારે જેસરના મોટાખુંટવડાની 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. આથી ગ્રામ્યમાં એકનું મોત અને એક પોઝિટિવ છે.અન્ય ચાર કેસ શહેરના છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ અને એકનું મોત સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 63 કેસો નોંધાયા હતા જ્યારે આજના ભાવનગર 5 મળીને આંકડો 68એ પહોંચી ગયો છે.

ભાવનગરમાં મોત આક બે થયો
ભાવનગરમાં 26 માર્ચે વૃદ્ધનું કોરોના વાઇરસને કારણે મોત નીપજ્યું હતું. આજે જેસરના મોટાખુંટવડ ગામે 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્ય હતું. આથી કોરોના વાઇરસથી ભાવનગર જિલ્લામાં આ બીજું મોત છે. આ મહિલા સુરતથી આવી હતી અને તેના સંબંધીઓ દ્વારા ચેપ લાગ્યાનું જાણવા મળ્યું છે. આજે 30 માર્ચે વહેલી સવારે યુવતીનું મોત નીપજ્યું હતું. પાંચ પોઝિટિવ પૈકી એકનું મોત નીપજતા ગુજરાતમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 6 પર પહોંચ્યો છે.

ગોંડલમાં 73 વ્યક્તિઓના પરિવારને હોમ ક્વોરોન્ટાઇન કરાયા
ગોંડલના ડેપ્યુટી કલેકટર રાજેશ આલ દ્વારા જણાવાયું છે કે, વિદેશથી પરત આવેલા કોઈ તેવા 73 વ્યક્તિઓને તથા તેઓના પરિવારને  હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તાલુકા હેલ્થ ઓફિસરની ટીમ તરફથી આ તમામનું તબીબી ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. તમામને ઘરની બહાર ન નીકળવાં સુચના અપાઇ છે. શહેરીજનોને અપીલ છે કે ઘરની બહાર ન નીકળે અને લોકડાઉનને પૂર્ણ સહકાર આપે જેથી વાઇરસથી બચી શકાય.

અન્ય સમાચારો પણ છે...