એક્સક્લૂઝિવ:હવેનો કોરોના સમય આપતો નથી, ઇન્ફેક્શન ફાસ્ટ, ફેફસાંમાં ન્યૂમોનિયા, ડેન્ગ્યુ જેવાં લક્ષણો, આંખમાં ખંજવાળ, હાર્ટ-અટેક-પેરાલિસિસની શક્યતા

રાજકોટ2 વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
  • રાજકોટમાં કો-મોર્બિડિટી અને વાઇરલનો લોડ વધતાં રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર પડે છે
  • એક દર્દીને ઓછામાં ઓછાં 6 રેમડેસિવિરનો કોર્સ અને ઇન્ફેક્શન વધુ હોય તો 10 આપવાં પડે

રાજકોટમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ ઊભી થઇ છે. દિવસે ને દિવસે પોઝિટિવ કેસ સાથે સતત મૃત્યુઆંક વધતો જાય છે. બીજી તરફ, રેમડેસિવિર ઇન્જેક્શનની માગ સતત વધી રહી છે, પરંતુ સરકાર કટકે કટકે જથ્થો પૂરો પાડતી હોવાથી જરૂરિયાત સામે પુરવઠામાં ઘટ આવે છે. સિનર્જી હોસ્પિટલના સિનિયર ડોક્ટર જયેશ ડોબરિયાએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવેનો કોરોના સમય આપતો નથી, કોરોનાનું ઇન્ફેક્શન પ્રમાણ ફાસ્ટ થઇ ગયું છે. અનેક કેસમાં ફેફસાંની બંને સાઇડ ન્યૂમોનિયાનું પ્રમાણ વધી રહ્યું છે તેમજ શરીરમાં પ્લેટલેટ ઘટી જવાનું સામે આવી રહ્યું છે. ડેન્ગ્યુ જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ સિવાય આંખમાં ખંજવાળ આવવી અને ચામડીમાં ફોલ્લા પડી જવા તેવું પણ મળે છે. અમુક લક્ષણોને લીધે હાર્ટ-અટેક અને પેરાલિસિસની શક્યતા વધી જાય છે

હવેના કોરોનામાં વાઇરલનો લોડ વધુ- ડો. ડોબરિયા
રાજકોટમાં તંત્રના ચોપડે 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસથી સરેરાશ રોજ 200 કેસ આવી રહ્યા છે અને દિવસે દિવસે મૃત્યુઆંક વધી રહ્યો છે. આજે પણ 24 કલાકમાં 16 દર્દીનાં મોત થયાં છે. ડોક્ટર ડોબરિયાએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાં કરતાં હવેનો જે કોરોના છે એના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હવેના કોરોનામાં વાઇરલનો લોડ વધુ છે. એટલું નહીં, પરંતુ તેની શરીરમાં સ્પ્રાઇડ થવાની ક્ષમતા વધી ગઇ છે. એકદમ ઝડપથી ઇન્ફેક્શન થાય છે અને ફેફસાં સુધી પહોંચી જાય છે. ન્યૂમોનિયા થતાં વાર લાગતી નથી.

કો-મોર્બિડિટીના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત વધુ
એક તરફ, દર્દીની સંખ્યામાં પણ વધારો થાય છે અને ખાસ તો કો-મોર્બિડિટીના દર્દીઓને વધુ અસર આવે છે, જેમાં રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થાય છે. આવા દર્દીને ઓછામાં ઓછાં 6 ઇન્જેક્શન આપવાં પડે છે. જો દર્દીને વાઇરલ ઇન્ફેક્શન વધુ હોય તો 10 ઇન્જેક્શન સુધીનો કોર્સ કરવો પડે છે. જેથી કરીને હાલ 10 ટકા દર્દીને આવાં ઇન્જેક્શનની જરૂર ઊભી થાય છે અને ઇન્જેક્શનની માગ વધે છે.

રેમડેસિવિર ઇન્જેક્શનની ફાઇલ તસવીર.
રેમડેસિવિર ઇન્જેક્શનની ફાઇલ તસવીર.

આજે રાજકોટમાં 2 હજાર ઇન્જેક્શનનો જથ્થો આવશે
રાજકોટમાં એક તરફ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે તો બીજી તરફ રેમડેસિવિર ઇન્જેક્શનની અંધાધૂંધી જોવા મળી રહી છે. સરકારી આંકડા મુજબ તો રાજકોટ શહેર-જિલ્લામાં રોજ 250-300 અને સૌરાષ્ટ્રમાં 500-600 નવા કેસ નોંધાય રહ્યા છે. એક્ટિવ કેસ જોઇએ તો હાલ 1800-2000 આસપાસ બતાવવામાં આવી રહ્યા છે, પરંતુ રેમડેસિવિર ઈન્જેક્શનની ડિમાન્ડ જે રીતે નીકળી છે એ સરકારી આંકડાની પોલ ઉઘાડી કરી શંકા ઊપજાવે એવી બની રહી છે. એન્ટી- વાઇરલ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો મળતો ન હોવાથી અરાજકતા જેવી સ્થિતિ થઈ રહી છે. જોકે શુક્રવારે 3400 બાદ રવિવારે 500 અને આજે સોમવારના રોજ વધુ 2000 ઇન્જેક્શનનો જથ્થો રાજકોટ આવશે એવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

શહેર અને જિલ્લામાં 1606 એક્ટિવ દર્દી
રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે 1606 એક્ટિવ દર્દીઓ હતા. શહેરમાં 28 સંજીવની રથ, 36 કોરોના ટેસ્ટિંગ વાહનો ચાલી રહ્યાં છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ તેમની 542 સર્વેલન્સની ટીમે 14938 ઘરમાં સરવેની કામગીરી કરી હતી અને 79 લોકો તાવ, શરદી, ઉધરસનાં લક્ષણોવાળા દર્દી મળ્યા હતા.

રાજકોટમાં કોરોનાની સ્થિતિ વિકટ બની (ફાઇલ તસવીર).
રાજકોટમાં કોરોનાની સ્થિતિ વિકટ બની (ફાઇલ તસવીર).

રાજકોટની 20માંથી 19 કોવિડ હોસ્પિટલ ફુલ
રાજકોટમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. કોરોના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે, ત્યારે 20 કોવિડ હોસ્પિટલમાંથી 19 હોસ્પિટલમાં એકપણ બેડ ખાલી નથી, આથી નવા દાખલ થનારા દર્દીઓ માટે મુશ્કેલી ઊભી થઇ રહી છે. બીજી તરફ, રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલના ICU અને જનરલ વોર્ડમાં 50 તબીબોની ઘટ છે.

અન્ય સમાચારો પણ છે...