તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટિયન્સનો જુસ્સો જીત્યો:કેન્સર હતું ત્યાં કોરોના ત્રાટક્યો, રોગપ્રતિકારક શક્તિ પણ નબળી છતાં હિંમતથી બંને રોગને હરાવી ઊભી થઈ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટનાં ચંદ્રિકાબેન વૈદ્યની તસવીર - Divya Bhaskar
રાજકોટનાં ચંદ્રિકાબેન વૈદ્યની તસવીર
  • 22 સભ્યોના પરિવારમાંથી 15ને કોરોનાનો ચેપ લાગ્યો હતો
  • મને સ્વાદુપિંડનું કેન્સર નીકળ્યું, થેરપીમાં વાળ ઊતરે એ પહેલાં જ મેં વાળ પણ કપાવી નાખ્યા

રાજકોટના ચંદ્રિકાબેન વૈદ્ય જણાવે છે, ‘મારી ઉંમર 63 વર્ષની છે. 2020માં સતત પેટમાં દુખાવો રહેતો હતો, જમી નહોતી શકતી. પરિવારની સલાહ માનીને મેં કેન્સરનો રિપોર્ટ કરાવ્યો. ઓગસ્ટ 2020માં સ્વાદુપિંડનું ત્રીજા સ્ટેજનું કેન્સરનું નિદાન થયું. હજુ એની સારવાર ચાલુ જ હતી. ત્યાં એપ્રિલ 2021માં કોરોના પોઝિટિવ આવ્યો. આમ, 9 માસમાં કેન્સર અને કોરોના બન્ને રોગનો ભોગ બની. મને, પરિવાર અને ડોક્ટરને સૌથી મોટો ભય એ હતો કે મારી રોગપ્રતિકારક શક્તિ સાવ નબળી હતી તો સંક્રમણ ફેફસાંમાં ફેલાય ન જાય. કોરોનાને કારણે પરિવારથી દૂર રહી તો ડિપ્રેશનમાં આવી ગઈ.’

થેરપી પહેલાં જ વાળ કપાવી દીધા
આખી રાત નીંદર નહોતી આવતી. કેન્સરની થેરપીમાં માથાના વાળ ઊતરી જાય છે. એ પરિસ્થિતિનો સામનો કરી શકું એ માટે થેરપી પહેલાં જ મેં મારા વાળ કપાવી નાખ્યા. મને કોરોના ન થાય એ માટે મારા પરિવારે સતત કાળજી રાખી. આમ છતાં હું એનો ભોગ બની. પતિ પોઝિટિવ આવ્યાના બીજા જ દિવસે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. 22 સભ્યના પરિવારમાં 15 લોકો પોઝિટિવ થયા હતા. પરિવારના બીજા સભ્યો કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેટેડ થયા. વર્ષોથી સંયુક્ત પરિવારમાં રહું છું. પહેલીવાર મારા પરિવારથી દૂર રહીને બન્ને રોગ સામે લડી.

હોમ આઇસોલેશનનો એક-એક દિવસ કાઢવો મુશ્કેલ
કિમોથેરપીના 12 ડોઝ લીધા છે. કિમોથેરપી ચાલુ હતી, તેથી રોગપ્રતિકારક શક્તિ સાવ નબળી પડી ગઈ હતી. સીઆરપી 20- 22ની વચ્ચે રહેતું હતું. આખો દિવસ રૂમમાં પુરાઈ રહેવું પડતું હતું. રૂમનો દરવાજો ખુલ્લો રાખતી હતી, જેથી કરીને મારા પરિવારના સભ્યોને આવતા-જતા જોઇ શકું. હોમ આઈસોલેટેડનો એક-એક દિવસ કાઢવો મારા માટે મુશ્કેલ હતો. આખરે મારો હકારાત્મક અભિગમ, પરિવારના સાથસહકારથી આખરે હું આ બન્ને બીમારીમાંથી બહાર નીકળી ગઈ. અત્યારે હું નોર્મલ લાઈફ જીવી રહી છું અને નાનું-મોટું ઘરકામ પણ કરું છું.