તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સપોઝ:કોરોનાના મોટા કૌભાંડનો પર્દાફાશ: કેસ ઓછા બતાવવા રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ દર્દીઓને નેગેટિવ બતાવી દેવાયા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પોઝિટિવ દર્દીને નેગેટિવ બતાવવાના ગુપ્ત આદેશ તેમજ 3.5 લાખ રેપિડ ટેસ્ટનો રેકોર્ડ મેળવી લોકો સમક્ષ મૂક્યા પુરાવા
  • રાજકોટ શહેર અને જામનગરમાં પોઝિટિવની નેગેટિવ તરીકે એન્ટ્રી, રાજકોટ ગ્રામ્યમાં 22-10ની સ્થિતિએ 5,263 રેપિડ ટેસ્ટ, પોઝિટિવ માત્ર 3,720 જાહેર

રાજકોટ અને જામનગરમાં કોરોનાના કેસ ઓછા બતાવવા માટે હવે પોઝિટિવને પણ નેગેટિવ બતાવવાનો ખેલ શરૂ કરાયો છે. અહીં રાજ્યનું સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને પ્રજાને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ માટે આરોગ્ય અધિકારીઓ પોતાના કર્મચારીઓને પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ દઈ ચીમકી આપી રહ્યા છે કે ‘આ બધાની એન્ટ્રી નેગેટિવ તરીકે કરવાની છે.

રાજ્યભરમાં કોરોનાના કેસ ઓછા બતાવવામાં આવી રહ્યા છે એ વાત જગજાહેર છે, પણ હજુ સુધી કોઈએ તેના આધાર પુરાવા રજૂ નથી કર્યા, કારણ કે આ બધી બાબતોને અતિ ગોપનીય કરી દેવાઈ છે. મોતના આંકડામાં પણ આવું જ ચાલતું હતું, પણ દિવ્ય ભાસ્કરે થોડા દિવસ પહેલાં જ તમામ આધાર પુરાવાઓ સાથે એનો પર્દાફાશ કર્યો હતો. હવે કોરોનાના સૌથી મોટા કૌભાંડ એવા કેસ ઓછા બતાવવાના ખેલનો પણ આધાર પુરાવાઓ સાથે પર્દાફાશ કર્યો છે.

આ માટે ભાસ્કરે કેસ નેગેટિવ બતાવવાના જામનગર સીડીએચઓ ડો. મણવરના આદેશ તેમજ રાજકોટ-જામનગરમાં રેપિડ કિટથી થયેલા 3.5 લાખ ટેસ્ટનો અતિ ગોપનીય રેકોર્ડ મેળવી ક્રોસ ચેક કરી તેમજ નેગેટિવ બતાવેલા દર્દીઓને ફોન કરતાં સમગ્ર હકીકત બહાર આવી છે. રાજકોટ મનપા, રાજકોટ ગ્રામ્ય તેમજ જામનગર આ ત્રણેય જગ્યાએ કોરોનાના કેસ ઓછા બતાવવા માટે અલગ અલગ એમ.ઓ. અપનાવાઈ છે. જાણે કોઇ ગુનાહિત કૃત્યનું નેટવર્ક હોય તેમ બધું જ ઓપરેટ થઈ રહ્યુ છે, જેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ ડીડીઓ અનિલ રાણાવસિયા, રાજકોટ સીડીએચઓ ડો. મિતેશ ભંડેરી, જામનગર ડીડીઓ ડો. વિપિન ગર્ગ અને જામનગર સીડીએચઓ ડો. બિરેન મણવર મુખ્ય સૂત્રધાર છે.

શહેરઃ પોઝિટિવ આવેલા દર્દીઓની એક મહિના પછી નેગેટિવ એન્ટ્રી
રાજકોટ શહેરમાં એક મહિના પહેલાં ઘણા કેસ આવ્યા, પણ એ બતાવાયા ન હતા, કારણ કે પોઝિટિવ કેસ આવતાં તેમની અલગ યાદી તૈયાર કરાતી, જ્યારે નેશનલ પોર્ટલ પર પહેલા માત્ર નેગેટિવ અને નક્કી કરેલી સંખ્યામાં પોઝિટિવની એન્ટ્રી કરાય છે. પોઝિટિવ દર્દીઓનું એક લિસ્ટ અલગ રખાય છે અને હવે જ્યારે કેસ ઘટ્યા છે ત્યારે એ યાદીના રેકોર્ડ નેગેટિવ તરીકે એન્ટ્રી થઈ રહી છે. એન્ટિજન ટેસ્ટની એન્ટ્રીના પોર્ટલ પર એક મહિના પહેલાં થયેલા રેપિડ ટેસ્ટની એન્ટ્રી હવે થઈ રહી છે. ભાસ્કરે 16 જુલાઈ એટલે કે રેપિડ ટેસ્ટ શરૂ થયા ત્યારથી અત્યારસુધીમાં મનપાએ કરેલા ટેસ્ટમાંથી 1.5 લાખ ટેસ્ટનો રેકોર્ડ મેળવી એમાં સઘન અભ્યાસ કર્યો હતો.

તા.24-10ના રોજ એક જ દિવસમાં 1100 કરતાં વધુ એન્ટ્રી થઈ, પણ સેમ્પલ લીધાની તારીખ જોતાં 1 મહિના પહેલાંની તારીખ જોવા મળી હતી. આ બધા રેકોર્ડને અલગ તારવતાં તમામ એન્ટિજન નેગેટિવ તરીકે નોંધાયેલા જોવા મળ્યા હતા, પણ ભાસ્કરે એ પૈકી કેટલાક લોકોને ફોન કરતાં તેમણે પોઝિટિવ હોવાનું કહ્યું હતું (જેન્તીભાઈ નામના દર્દીએ કહ્યું હતું, ‘ટેસ્ટ સારી રીતે થયા અને હું પોઝિટિવ આવ્યો એટલે હોમ આઈસોલેશનમાં રહ્યો હતો અને સાજો થયો.’ જ્યારે કાગળ પર જેન્તીભાઈનું સેમ્પલ આઈડી 97174460 નેગેટિવ તરીકે દર્શાવ્યું છે). આ માત્ર એક જ દર્દીની વાત થઈ, જેન્તીભાઈના પાડોશી પણ પોઝિટિવ આવ્યા તેમનું નામ પણ નેગેટિવ બતાવાયું છે.

મ્યુનિ. કમિશનર છે જવાબદાર
રાજકોટ મનપા વડા અને આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર લે છે, કોઇ રેગ્યુલર આરોગ્ય અધિકારી ન હોવાથી તેઓ જ કેસ જાહેર કરવાની આખી પ્રક્રિયામાં મ્યુ. કમિ. ઉદિત અગ્રવાલ જવાબદાર છે.

જામનગરઃ ડીડીઓની સૂચનાથી ડો. મણવરે 900 પોઝિટિવ દર્દીને નેગેટિવ બતાવ્યા
જામનગરમાં 19 ઓક્ટોબરે બપોરે 1.39 મિનિટે dso.health.jamnagar@gmail.com કે જે જિલ્લા આરોગ્ય કચેરીનું ઈ-મેલ એડ્રેસ છે, ત્યાંથી જામનગરના તમામ ટીએચઓને ઈ-મેલ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘આ સાથે સામેલ લિસ્ટ મુજબ પોર્ટલમાં Antigen Negative એન્ટ્રી કરવાની છે. ભૂલથી એકપણ Positiveની એન્ટ્રી થાય નહીં, મેલની નીચે ડો. બી.પી. મણવરનું નામ છે તેમજ એક લિસ્ટ મોકલાયું છે, જે લિસ્ટમાં 900 દર્દીનાં નામ છે, જે ભાસ્કર પાસે છે.

રાજકોટ જિલ્લોઃ 5,325 પોઝિટિવ, પણ આરોગ્યતંત્રે જાહેર કર્યા માત્ર 3,720
મનપા કરતાં જિલ્લા આરોગ્ય વિભાગની મોડસ ઓપરેન્ડી અલગ છે. જિલ્લામાં જે પણ કોરોનાના રેપિડ એન્ટિજન ટેસ્ટ થાય છે એ તમામ વિગતોની એન્ટ્રી થાય છે, પોઝિટિવ કે નેગેટિવ બાકી રાખતા નથી, પણ જ્યારે જાહેર કરવાની વાત આવે ત્યારે ઉપરી અધિકારીઓ રોજના કેસની સંખ્યા નક્કી કરે છે. દિવ્ય ભાસ્કરે ગ્રામ્ય વિસ્તારના 1 લાખ એન્ટિજન ટેસ્ટના રેકોર્ડ ચકાસતાં 22 ઓક્ટોબરની સ્થિતિએ 5,263 કેસ પોઝિટિવ નીકળ્યા છે, જેની સામે જિલ્લા આરોગ્યતંત્રે કુલ કેસ 3,720 જ જાહેર કર્યા હતા. અહીં એ ખાસ છે કે આ માત્ર એન્ટિજન પોઝિટિવના જ છે, પ્રથમ દિવસથી શરૂ કરાયેલા લેબ ટેસ્ટ સામેલ કરાયા નથી.

ડીડીઓ વિપિન ગર્ગ અને CDHO ડો. મણવર જવાબદાર
DDO ડો. વિપિન ગર્ગની સૂચનાથી ઈન્ચાર્જ CDHO ડો. બી. પી. મણવરે સરકારી વેબસાઈટ પર નકલી એન્ટ્રી કરાવી છે અને ખોટું કામ કરવા માટે સરકારી ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કર્યો છે.

ડીડીઓ રાણાવસિયા અને CDHO ડો. ભંડેરી જવાબદાર
ડીડીઓ અનિલ રાણાવસિયાની છે. તેઓ જિલ્લા પંચાયતના વડા છે અને તેમના આદેશ બાદ જ આરોગ્ય શાખાના સીડીએચઓ ડો. મિતેશ ભંડેરીએ કેસની સંખ્યા ઓછી જાહેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...