કોરોના સૌરાષ્ટ્ર LIVE:રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો, નવા 168 પોઝિટિવ: 15નાં મોત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં હોમ આઈસોલેશનની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે
  • શહેરમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે, લોકોએ હવે માસ્કને જ વેક્સીન સમજવાની તાતી જરૂરિયાત છે
  • હોમ આઈસોલેશનમાં ફેબીફલૂ આપવાનું શરૂ કરાયું: ટેસ્ટિંગ સ્ટ્રેટજીમાં પણ પરિવર્તન
  • શાપર-વેરાવળમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવા માંગ

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની વિશેષ સારવાર માટે આજે સાંજે 6 વાગ્યે સુરતથી ડૉ. સમીર ગામી સહિત તબીબોની ટીમ આવી હતી અને રાત્રે સાડા દસ વાગ્યે રાજકોટથી પ્લેનમા સુરત જવા રવાના થઇ હતી. તેમણે રાજકોટ સિવિલમાં એક્મો સારવાર પર રહેલા અભય ભારદ્વાજનું તબીબી નિરીક્ષણ કર્યુ હતું. ટીમે અભય ભારદ્વાજ તબિયતમાં ઘણો સુધારો આવ્યો હોવાના સંકેત આપ્યો હતો.

રાજકોટમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. થોડા દિવસથી કેસ 150 કરતા ઓછા રહ્યા બાદ શનિવારે એકદમથી 168 થઈ ગયા છે. જો કે મૃત્યુઆંક 15 એટલે કે 20ની અંદર જ રહ્યો છે જે હજુ તંત્રને રાહત છે. રાજકોટમાં હોમ આઈસોલેશનમાં હવે ફેબીફ્લૂ દેવાનું શરૂ કરાયું છે તેમજ ટેસ્ટિંગ સ્ટ્રેટજીમાં પણ પરિવર્તન થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થતા બેડની ઉપલબ્ધતા વધી છે. આ ઉપરાંત સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં પણ કોરોનાની સારવાર થતા રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓના લોકો પણ સરળતાથી સારવાર મેળવી શકે છે. ખાનગી હોસ્પિટલમાં પણ હવે બેડ મળી રહે છે. રાજકોટમાં કુલ કોરોના કેસની સંખ્યા 8520 થઈ છે.

104માં મનપા 51 મિનિટમાં અને ગ્રામ્યમાં 30 મિનિટમાં ગાડી પહોંચતી હોવાનો દાવો
રાજકોટ રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે 104 કોરોના સેવા રથની શરૂઆત કરી છે. આ ઉપરાંત મનપાએ તમામ વોર્ડમાં બે-બે વાહન કોરોના ટેસ્ટિંગ વાન પણ મુક્યા છે. આમ છતાં 104ને ફોન કોલ્સમાં ઘટાડો થતો નથી. દરરાજે 200થી વધુ મહાનગરપાલિકા વિસ્તારમં ફોન કોલ્સ આવે છે અને 51 મિનિટમાં 104ની ટીમ લોકોના ઘરે પહોંચી રહી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં દૈનિક 20 જેટલા ફોન કોલ્સ આવે છે અને 30 મિનિટમાં ગાડી પહોંચતી હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે. ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’ મંત્ર મુજબ રાજકોટ મહાનગરપાલિકાએ 21 આરોગ્ય કેન્દ્ર, 50 ધન્વંતરિ રથ, સંજીવની રથના માધ્યમથી કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારે મલેરિયા અને ડેન્ગ્યુ માટે શરૂ કરેલી 104ની સેવાને રાજકોટ મહાપાલિકાએ કોરોનાની કામગીરીમાં લગાવી છે. રાજકોટમાં 104 સેવા રથ કોરોના ટેસ્ટિંગ સહિતની સારવાર અને દવા આપવા માટે ટીમ લોકોના ઘરે જાય છે.

સાંસદ ભારદ્વાજની તબિયત સ્થિર, હજુ ત્રણ સપ્તાહ એક્મોના સહારે
રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભરદ્વાજની સારવાર માટે ફરી સુરતથી તબીબોની ખાસ ટીમ આવી હતી જેમણે હાલ તબિયત સ્થિર હોવાથી હજુ 3 સપ્તાહ ધીરજ રાખવાનું ભારદ્વાજ પરિવારને કહ્યું છે. ભારદ્વાજને એક સપ્તાહ કરતા વધુ સમયથી એક્મો પર રાખવામાં આવ્યા છે. જેને કારણે લોહીમાં પણ અમુક સમસ્યાઓ ઊભી થઇ છે. આ કારણે સુરતના નિષ્ણાત ડો. સમીર ગામી ઉપરાંત લોહીના નિષ્ણાત તબીબ પણ આવ્યા હતા જેમણે કેટલીક દવાઓ લખી છે. તબીબની ટીમે એક્મો પરના સેટિંગ થોડા ઘટાડ્યા છે પણ ગમે ત્યારે ફરીથી વધારવા પડે તેવું પણ કહ્યું છે. સાંસદના ફેફસાં રિકવર ન થયા હોવાનો સ્પષ્ટ મત તેમણે આપ્યો છે જેથી આગામી 3 સપ્તાહ સુધી એક્મો પર જ રાખવામાં આવશે.

ફેબી ફ્લૂ નામની દવાનો કોર્સ કોરોનામાં રાહત આપે છે
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના જણાવ્યા અનુસાર ફેબી ફ્લૂ નામની દવાનો કોર્સ કોરોનામાં ઘણી રાહત આપે છે. 5 દિવસ દરમિયાન દર્દીને કુલ 10,000 એમજીનો કોર્સ કરવાનો રહે છે, આ દવાઓ મોંઘી છે, પણ દવાખાનામાં સારવાર કરતા તો સસ્તી જ પડશે અને લોકોને વધુ સારી સારવાર માટે તે માટે દવાઓ આપવામાં આવશે.

રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 5700 કેસ
રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 5766 લોકો કોરોનાની ઝપટે ચડી ગયા છે, તેમાંથી 983 દર્દી હજુ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં 98 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે 4493 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 450થી વધુ એક્ટિવ કેસ સારવાર હેઠળ છે.

રાજકોટ જિલ્લામાં કોવિડથી થતા મૃત્યુઆંકમાં ઘટાડો
તારીખમોતની સંખ્યા
26 સપ્ટેમ્બર15
25 સપ્ટેમ્બર12
24 સપ્ટેમ્બર16
23 સપ્ટેમ્બર17
22 સપ્ટેમ્બર19
21 સપ્ટેમ્બર21
20 સપ્ટેમ્બર21
19 સપ્ટેમ્બર23
18 સપ્ટેમ્બર25
17 સપ્ટેમ્બર31
16 સપ્ટેમ્બર26
15 સપ્ટેમ્બર39
14 સપ્ટેમ્બર31

મનપાએ 52602 ઘરમાં સર્વે કરી 37 શરદી, તાવના દર્દી શોધ્યા
રાજકોટ મહાનગરપાલિકાએ કોરોના સંક્રમણ અટકાવવા માટે 1031 સર્વેલન્સની ટીમ બનાવી છે. આ ટીમે 52602 ઘરમાં સર્વેની કામગીરી કરી 37 લોકોને શરદી, ઉધરસ, તાવનાં લક્ષણો દેખાતાને શોધી કાઢ્યા છે અને સારવાર શરૂ કરી છે. આગામી દિવસમાં જો કોઇને કોરોનાના લક્ષણો દેખાશે તો ટેસ્ટ કરવામાં આવશે. મનપાના 232 ધન્વંતરી રથ કાર્યરત છે તેમાં 11617 લોકોએ લાભ લીધો હતો, જ્યારે મનપાના આરોગ્ય કેન્દ્ર પર 2593 લોકોની ઓ.પી.ડી. નોંધાઇ હતી. 104ની સેવાનો લાભ લેવા માટે 192 ફોન આવ્યા હતા અને તેમના ઘરે જ સારવારની સેવા પૂરી પાડવામાં આવી હતી.

રાજકોટની કેન્સર હોસ્પિટલમાં કોરોનાની અદ્યતન સારવાર
રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે પી.ડી.યુ ઉપરાંત વધારાની સરકાર સંચાલિત હોસ્પિટલો કાર્યરત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કેન્સર કેર સેન્ટર ખાતે પણ 200 બેડની અદ્યતન સારવાર સાથે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. કેન્સર કેર સેન્ટર સ્થિત કોરોના હોસ્પિટલમાં આજે 79 વર્ષના વૃદ્ધ ડાયાબિટીસ સહિતની બીમારી હોવા છતાં કોરોના મુક્ત થયા છે. અન્ય એક મહિલા દર્દી સહિત રાજકોટના 3 સિનિયર સિટિઝન્સ કોરોનાની અદ્યતન સારવાર બાદ સાજા થતા ઘરે પરત ફર્યા હતા.

PPE કીટમાં પરસેવે તરબોળ તબીબો સાચા અર્થમાં તારણહાર સાબિત થયા
સમરસ કેર સેન્ટરમાં 8 દિવસની સારવાર લીધા બાદ કોરોનાને મ્હાત આપનારા ગોંડલ તાલુકાના રીબડા ગામના રહેવાસી કિશોરભાઈ મકવાણાએ કહ્યું હતું કે, મને કોઈ પ્રકારની તકલીફ નહોતી પરંતુ પિતાનો રીપોર્ટ પોઝિટિવ આવતાં પરિવારના તમામ સભ્યોના કોરોના રિપોર્ટ કરવા માટે મોવિયા આરોગ્ય વિભાગની ટીમ ઘરે આવી. અને 4 તારીખે મારો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો. તેથી અમને બન્ને પિતા-પુત્રને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા. અહીં ડોક્ટર્સ તેમજ અન્ય સ્ટાફની તનતોડ મહેનત જોઈને લાગ્યું કે સારૂ થયું અહીંયા આવી ગયા હવે અમે જલ્દી સાજા થઈ જઈશું. અને થયું પણ એવું જ. PPE કીટ પહેરેલાં ડોક્ટર્સ તમામ દર્દીને દિવસમાં ત્રણ વખત તપાસવા સમરસ સંકુલના 9 માળમાં આખો દિવસ ઉપર નીચે ફરી ફરીને પરસેવે તરબોળ થઈ જતા ત્યારે એ ડોક્ટર્સમાં અમને ઈશ્વરના દર્શન થતાં.

સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 29 લોકોને 29 હજારનો દંડ વસૂલ કર્યો
શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજિયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આજે ફરજિયાત માસ્ક અંગેના જાહેરનામાંનો ભંગ કરવા બદલ 29 આસામીઓ પાસેથી રૂપિયા 29 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. પરા બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ 12 રેંકડીઓ જપ્ત કરવામાં આવી છે.

દર્દીને માર મારવાના મામલે કોમી એકતા સંગઠને પોલીસ કમિશનરે આવેદન આપ્યું
સિવિલ હોસ્પિટલમાં પ્રભાકર પાટીલને માર મારવાના મામલે આજે ભગવતીપરા કોમી એકતા સંગઠન દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવા માંગ
રાજકોટમાં વધી રહેતા કોરોના સંક્રમણને લઈને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, શાપર વેરાવળમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવે. રાત્રે કર્ફયુના અમલથી સંક્રમણ અટકાવી શકાય. જેથી રાત્રે લોકડાઉન જાહેર કરવામાં આવે.